યુસુફ પઠાણના ₹20.53 કરોડના જમીન સોદે ગુજરાતમાં રાજકીય ગરમાવો

યુસુફ પઠાણના ₹20.53 કરોડના જમીન સોદે ગુજરાતમાં રાજકીય ગરમાવો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ સાથે જોડાયેલો વડોદરાનો 14 વર્ષ જૂનો જમીન વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. રાજ્ય સરકારે વડોદરાના તાંદળજા વિસ્તારમાં પઠાણને આશરે ₹20.53 કરોડની કિંમતનો 978 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવાની નવી વ્યવસ્થા કરી છે. આ નિર્ણયને લઈને ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને રાજકીય પ્રભાવના આધારે સરકારી જમીન ફાળવવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે.

કેવી રીતે થશે જમીનની ફાળવણી?

પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) દ્વારા પ્રવર્તમાન મૂલ્યાંકનના 55 ટકા દરે 478 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા બાકીની 500 ચોરસ મીટર જમીન ભેટ (Gift) તરીકે આપવામાં આવશે. ટાઉન પ્લાનિંગ સ્કીમ TP-22 હેઠળ ફાઇનલ પ્લોટ નંબર 90 તરીકે ઓળખાતી આ જમીન તાંદળજા વિસ્તારમાં યુસુફ પઠાણના નિવાસસ્થાનની નજીક આવેલી છે.

જાહેરાત

અમિત ચાવડાએ સરકાર સામે ઉઠાવ્યા સવાલો

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સામાન્ય નાગરિકો માટે સરકારી જમીન મેળવવી મુશ્કેલ હોય છે, જ્યારે રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ચાવડાએ સવાલ ઉઠાવ્યો હતો કે ગરીબ પરિવારોને નાનો પ્લોટ મેળવવા માટે પણ વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે, જ્યારે પ્રભાવશાળી વ્યક્તિઓને સરકારી જમીન ફાળવવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોવાનો આક્ષેપ કેમ ઊભો થાય છે? તેમણે જમીન ફાળવણીના નિર્ણયના સમય અંગે પણ સવાલો કર્યા છે. કોંગ્રેસે પઠાણની રાજકીય સફર અને NDA સાથેના તેમના જોડાણ બાદ આ નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

2012થી શરૂ થયો હતો જમીન વિવાદ

આ સમગ્ર વિવાદ વર્ષ 2012નો છે. તે સમયે વડોદરાના વતની યુસુફ પઠાણે તાંદળજા વિસ્તારમાં પોતાના નિવાસસ્થાનની બાજુમાં આવેલી સરકારી જમીન રહેણાંક હેતુ માટે ફાળવવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હતી. જૂન 2012માં આ જમીન ફાળવવાની દરખાસ્ત VMCની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી હતી. તે સમયે પઠાણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટર હોવાથી દેશનું ગૌરવ વધારવા બદલ તેમને જમીન ફાળવવાની દરખાસ્તને યોગ્ય ગણાવવામાં આવી હતી. જોકે, આ દરખાસ્ત શહેરી વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યા બાદ જૂન 2014માં નામંજૂર કરીને પરત કરવામાં આવી હતી. વર્ષ 2024માં આ મામલે ફરી કાર્યવાહી શરૂ થઈ હતી. પઠાણને જમીન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને પાલન નહીં થાય તો લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing) હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ હતી. ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પ્રવર્તમાન જંત્રી દરના આધારે જમીનની કિંમત વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો.

કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલનનું એલાન

કોંગ્રેસે જાહેરાત કરી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. પક્ષ દ્વારા પ્રસ્તાવિત જમીન ફાળવણીનો વિરોધ પણ કરવામાં આવશે. અમિત ચાવડાએ ચીમકી આપી છે કે કોંગ્રેસ આ મુદ્દે ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને સાથે રાખીને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. હવે આ જમીન ફાળવણીની દરખાસ્તને લઈને ગુજરાતના રાજકારણમાં વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત