Video: વડોદરાની સાવલી નગરપાલિકામાં દૂષિત પાણીની સમસ્યાને લઈ હોબાળો: વોર્ડ નં. ૧ ના રહીશો અને સભ્યે કર્યો ઉગ્ર વિરોધ

સાવલીના મહારાણા પ્રતાપ ચોકથી પોઇચા ચોકડી પાસે આવેલા નાળા નજીક ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો. આ રોષે ભરાયેલા રહીશો અને વોર્ડ નંબર-૧ ના સભ્ય સીધા સાવલી નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શાસકો સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપનું શાસન હોવા છતાં ભાજપના જ સભ્યને રજૂઆત કરવી પડે અને તંત્ર તેને ગંભીરતાથી ન લે તેવા આક્ષેપો પણ કરાયા હતા. આખરે મામલો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સમક્ષ પહોંચતા તેમણે આગામી ત્રણ દિવસમાં દૂષિત પાણીની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી, ત્યારબાદ વિરોધ શાંત થયો હતો.
જાહેરાત













