વડોદરાની મહિલા એન્જિનિયર સાથે રૂ.4.58 લાખની છેતરપિંડી, ફેક ઈ-ચલણની લિંકથી APK ફાઇલ ડાઉનલોડ કરાવી

વડોદરાની મહિલા એન્જિનિયર સાથે રૂ.4.58 લાખની છેતરપિંડી, ફેક ઈ-ચલણની લિંકથી APK ફાઇલ ડાઉનલોડ કરાવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડોદરામાં સાયબર ઠગોએ ફેક ઈ-ચલણ (Fake E-Challan)ની લિંક મોકલી મહિલા એન્જિનિયર સાથે રૂ.4,58,312ની છેતરપિંડી આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ ભરવાનું કહી મોબાઇલમાં APK ફાઇલ ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ મહિલાના અલગ-અલગ બેંક ખાતાંમાંથી અજાણ્યા શખ્સોએ અનધિકૃત રીતે UPI ટ્રાન્ઝેક્શન કરીને લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઈ-ચલણના નામે મોકલી હતી ફેક લિંક

ન્યુ સમા રોડ પર આવેલી શ્રી રેસિડેન્સીમાં રહેતી અને ગોરવાની એલેમ્બિક સિટીમાં આવેલી બેક્ટેલ કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 26 ઓક્ટોબર 2026ના રોજ સવારે 11:09થી બપોરે 2:19 વાગ્યા દરમિયાન તેમના મોબાઇલ પર 'AX-VAAHAN-S' નામના સબસ્ક્રાઇબર આઈડી પરથી ત્રણ અલગ-અલગ SMS આવ્યા હતા. આ મેસેજમાં તેમના વાહન નંબર GJ-06-RC-3894 સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ ફાળવાયું હોવાનું જણાવાયું હતું. સાથે જ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરીને દંડ ભરવા અથવા RTO અને કોર્ટમાં ખુલાસો કરવા માટે વેબલિંક મોકલવામાં આવી હતી.

જાહેરાત

APK ફાઇલ ઇન્સ્ટોલ કરતાં જ શરૂ થઈ ઠગાઈ

મહિલાએ શરૂઆતમાં કામમાં વ્યસ્ત હોવાથી લિંક ખોલી નહોતી. જોકે, 31 ઓક્ટોબરની મોડી રાત્રે મેસેજ જોયા બાદ તેમણે તેમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું. લિંક ખોલતાં જ તેમના મોબાઇલમાં 'Mparivahan_NextGen.apk' નામની APK ફાઇલ ડાઉનલોડ થઈ હતી. મહિલાએ આ ફાઇલ ઇન્સ્ટોલ કરીને જરૂરી તમામ પર્મિશન પણ આપી દીધી હતી. ત્યારબાદ 1 નવેમ્બરની વહેલી સવારે 3:54 વાગ્યે તેમના કેનેરા બેંક ખાતાનો UPI PIN જનરેટ કરવા માટે OTP આવ્યો હતો. 3:59 વાગ્યે ખાતામાંથી એક રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. ત્યારબાદ બેંકિંગ વ્યવહારો અને OTP સંબંધિત આશરે 108 SMS એકસાથે આવવા લાગ્યા હતા.

ત્રણ બેંક ખાતાંમાંથી રૂ.4.58 લાખ ટ્રાન્સફર

ફરિયાદ મુજબ, 4 નવેમ્બરના રોજ મહિલાના ICICI અને HDFC બેંકનાં ખાતાંમાંથી તેમની જાણ બહાર નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. બેંક તરફથી ટ્રાન્ઝેક્શનની પુષ્ટિ કરવા માટે પાંચ વખત ફોન પણ કરવામાં આવ્યા હતા, પરંતુ મહિલા મીટિંગમાં હોવાથી ફોન ઉપાડી શક્યાં નહોતાં. બાદમાં બેંક ખાતાંની તપાસ કરતાં ICICI બેંકના ખાતામાંથી રૂ.1,19,000, રૂ.1,62,362 અને રૂ.96,950 ઉપાડી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે HDFC બેંકના ખાતામાંથી રૂ.70,000 અને રૂ.10,000 ટ્રાન્સફર થયા હતા. આમ, કુલ રૂ.4,58,312ની રકમ અજાણ્યા શખ્સોએ UPI મારફતે ઉપાડી લીધી હતી. આ સમગ્ર ઘટનાને પગલે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેક ઈ-ચલણની લિંક અને APK ફાઇલ મારફતે થયેલી આ સાયબર છેતરપિંડી અંગે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત