Video: ઈરાનની ધમકીઓથી ટ્રમ્પના મંત્રીઓમાં ફફડાટ, સુરક્ષિત લશ્કરી ઠેકાણે આશરો લેવા બન્યા મજબૂર!

સત્તાના સિંહાસન પર બેઠેલા નેતાઓને પણ ક્યારેક સુરક્ષાની દીવાલો પાછળ આશરો લેવો પડે છે. અમેરિકામાં ઈરાનની ધમકીઓ અને વધતી રાજકીય હિંસાએ ટ્રમ્પ પ્રશાસનના પાંચ મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓને પોતાના ખાનગી ઘરો છોડીને લશ્કરી ઠેકાણે રહેવા મજબૂર કર્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે તેઓ સૈન્યના કડક પહેરા વચ્ચે રહે છે.
અમેરિકાના વોશિંગ્ટન ડીસીના લશ્કરી ઠેકાણાઓ પર અધિકારીઓના રહેવાનો ટ્રેન્ડ અગાઉ કરતાં વધ્યો છે. અહીંના 100 વર્ષથી વધુ જૂના લશ્કરી આવાસોમાં સામાન્ય રીતે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને જનરલો રહેતા હતા. વિદેશમંત્રી માર્કો રુબિયો, રક્ષામંત્રી પીટ હેગસેથ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ સહિતના અધિકારીઓ આ સુરક્ષિત આવાસોમાં રહે છે. અહીં પ્રવેશ માટે સુરક્ષા તપાસ થાય છે અને સામાન્ય લોકોની પહોંચ મર્યાદિત છે. સ્કોટ બેસેન્ટે ઈરાન તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં જ્યોર્જટાઉનનું પોતાનું ઘર છોડ્યું હતું. એક ખાનગી કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ઈરાન પર આર્થિક દબાણ અને કડક પ્રતિબંધો લાદવાની કામગીરીમાં તેઓ આગળ રહ્યા હોવાથી ધમકીઓ મળી રહી છે. જોકે, તેમણે કહ્યું કે તેઓ ધમકીઓથી ડરવાના નથી.
વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર અને તેમની પત્ની કેટી ગયા વર્ષે પોતાના ચાર બાળકો સાથે વર્જિનિયાના ઘરેથી ફોર્ટ મેકનેયર લશ્કરી ઠેકાણે રહેવા ગયા હતા. તેમના ઘરની બહાર એક મહિલાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મિલરના ઘરનું સરનામું લખેલા પત્રિકાઓ વહેંચી હતી. પરિવારને લાંબા સમયથી હેરાન કરવામાં આવતો હતો, તેમનો પીછો થતો હતો અને ખાનગી માહિતી જાહેર કરવામાં આવતી હતી. મિલર ટ્રમ્પના વિશ્વાસુ સલાહકાર છે અને ઈરાન સામે અમેરિકી-ઇઝરાયેલી હુમલાઓ, નૌકાબંધી તથા પ્રતિબંધોનું સમર્થન કરી ચૂક્યા છે. રુબિયો, હેગસેથ અને મિલરનો પરિવાર ફોર્ટ મેકનેયરમાં જનરલ્સ રો તરીકે ઓળખાતી આવાસોની હરોળમાં પાડોશી છે.
આ લશ્કરી આવાસો મફત નથી. અધિકારીઓ સામાન્ય રીતે દર મહિને 4500 ડોલરથી વધુ ભાડું ચૂકવે છે, જે ઘરના કદ અને સુવિધાઓ પ્રમાણે નક્કી થાય છે. હેગસેથના આવાસના રિપેરિંગ અને સુવિધાઓ માટે સૈન્ય 1 લાખ 37 હજાર 297 ડોલર, એટલે કે આશરે 1.2 કરોડ રૂપિયા ખર્ચવાની તૈયારીમાં હતું, જેને લઈને સવાલો ઊઠ્યા હતા. રક્ષામંત્રીને લશ્કરી આવાસ આપવાની વ્યવસ્થા રોબર્ટ ગેટ્સના કાર્યકાળથી શરૂ થઈ હતી. 2007માં ગેટ્સે સુરક્ષિત નૌકાદળના ઠેકાણે રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ ત્યારે નાગરિક અધિકારીઓએ બજારભાવ મુજબ ભાડું ચૂકવવું પડતું હતું. 2008માં નિયમોમાં ફેરફાર થયા અને રક્ષામંત્રીને ચાર-સ્ટાર જનરલ અથવા એડમિરલના આવાસના ભાડા કરતાં માત્ર પાંચ ટકા વધુ ચૂકવીને સરકારી લશ્કરી આવાસમાં રહેવાની મંજૂરી મળી. એટલે સુરક્ષાની દીવાલો મજબૂત છે, પરંતુ ભાડાનું બિલ પણ એટલું જ વાસ્તવિક છે.











