Video: હોર્મુઝમાં ફરી તણાવ: ઈરાનની ચેતવણી વચ્ચે UAE તટ પર જહાજ પર હુમલો, ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ

યુએઈના ખોર ફક્કન નજીક લંગર નાંખીને ઊભેલા એક બલ્ક કેરિયર સાથે અજાણી વસ્તુ અથડાતા જહાજમાં આગ લાગી હતી. યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સના જણાવ્યા અનુસાર, આ ઘટના ખોર ફક્કનથી 23 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વમાં ડિબ્બા આઉટર પોર્ટ લિમિટ્સ પાસે જહાજની ડાબી બાજુએ બની હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક દિવસ પહેલાના દાવા બાદ સામે આવી છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ ટેન્કર નૌકાદળની સુરંગોથી સળગી ઉઠ્યા હોવાનો દાવો કરાયો હતો. ઈરાનની સરકારી એજન્સી મુજબ, IRGCએ દાવો કર્યો હતો કે અમેરિકન લશ્કરી સુરક્ષા છતાં આ વિસ્ફોટો થયા, જોકે તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. IRGC એ શિપિંગ કંપનીઓ અને જહાજના કમાન્ડરોને કડક ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં બિનઅધિકૃત માર્ગોનો ઉપયોગ કે દરિયાઈ ચેતવણીઓની અવગણના ચલાવી લેવાશે નહીં. તેમના મતે અમેરિકન સુરક્ષાનો અર્થ નૌકાદળના ટ્રાફિક કંટ્રોલ સેન્ટરના નિર્દેશોનો ભંગ કરવાનો નથી અને તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.









