Video: પાકિસ્તાનમાં નકશો બદલવાના નિર્ણય સામે લોકો સસ્તા પર

પાકિસ્તાનના ચાર મુખ્ય પ્રાંતો પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનનો નકશો બદલવાની સંભવિત યોજનાને લઈને દેશમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે જોડવામાં આવી રહેલી આ યોજનાના વિરોધમાં કરાચીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં સિંધી લોકો ઉતરી આવ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં પરંપરાગત અજરક પહેરીને હજારો લોકો, રાષ્ટ્રવાદી નેતાઓ, વકીલો અને સામાન્ય નાગરિકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે સિંધની ઓળખ તેના પ્રાચીન ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, તેથી તેનું વિભાજન કોઈપણ કિંમતે સ્વીકારવામાં આવશે નહીં. તેમણે નવા પ્રાંતો બનાવવા માટે જનમત સંગ્રહ કરાવવાના વિચારને પણ નકારી કાઢ્યો છે. વિરોધીઓએ વડાપ્રધાન શહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની સંઘીય સરકારને ચેતવણી આપી છે કે જો જનતાની સંમતિ વિના કોઈ નિર્ણય થોપવામાં આવશે, તો સમગ્ર પ્રાંતમાં બંધારણીય અને લોકતાંત્રિક રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ દેશના વર્તમાન ચાર પ્રાંતોનું વિભાજન કરીને અંદાજે એક ડઝન કે તેથી વધુ વહીવટી એકમો બનાવવાની ચર્ચા છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ યોજનાના સમર્થકો તેને શાસન વ્યવસ્થા સુધારવા અને વહીવટને લોકોની વધુ નજીક લાવવાના પ્રયાસ તરીકે રજૂ કરી રહ્યા છે. બીજી તરફ, વિશ્લેષકોનું માનવું છે કે આ પગલાથી પાકિસ્તાનના સંઘીય માળખામાં મોટો ફેરફાર આવી શકે છે. ધ ઈકોનોમિસ્ટના 8 ઓક્ટોબરના તંત્રીલેખમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આ કવાયત રાજકીય વિપક્ષને નબળો પાડવા અને સેના પ્રમુખની પકડને વધુ મજબૂત કરવાનો એક પ્રયાસ હોઈ શકે છે.









