UAE ના રાસ અલ ખૈમાહમાં ભીષણ માર્ગ અકસ્માત: બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ભારતીયો સહિત 13 લોકોના મોત, 14 ઇજાગ્રસ્ત

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાસ અલ ખૈમાહ (Ras Al Khaimah) ખાતે મંગળવારે (24 નવેમ્બર) વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના બની છે. અલ વતન રોડ (Al Watan Road) પર 41 મુસાફરોને લઈને જતી એક પેસેન્જર બસ રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે અથડાતા ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે બન્યો અકસ્માત?
UAE ના ગૃહ મંત્રાલય અને રાસ અલ ખૈમાહ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ દુર્ઘટના મંગળવારે વહેલી સવારે દક્ષિણ વિસ્તારના અલ વતન રોડ પર બની હતી. એક ટ્રકમાં ટેકનિકલ ખામી સર્જાતા ચાલકે તેને રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી. તે દરમિયાન 41 મુસાફરોથી ભરેલી પેસેન્જર બસ પાછળથી આ ઉભેલી ટ્રક સાથે જોરદાર રીતે ટકરાઈ હતી.
મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
અકસ્માતની જાણ થતા જ પોલીસ, સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ગૃહ મંત્રાલયે શરૂઆતમાં 11 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા વધુ બે મુસાફરોએ દમ તોડતા મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. અન્ય 14 ઇજાગ્રસ્તોની હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું દુઃખ, હેલ્પલાઈન જાહેર
દુબઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ એ મંગળવારે પુષ્ટિ કરી હતી કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ કપરા સમયમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના અને પ્રાર્થના છે. મૃતકો અને ઇજાગ્રસ્તોની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે." ભારતીય દૂતાવાસે સહાય માટે 24/7 ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 800-46342 પણ જાહેર કર્યો છે.
હાલ UAE ના વહીવટીતંત્ર દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.











