UAE સામે જીતશે તો જ સેમિફાઇનલ મળશે: ભારત-A ટીમ માટે મહત્વપૂર્ણ મુકાબલો, આ ખેલાડીઓ રહેશે નજર

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 50 ઓવર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવું હોય તો ભારતીય ટીમે મંગળવારે એટલે કે આજે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામે રમાનારી મેચમાં તેના બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કરવું પડશે.
રવિવારે ગ્રુપ બીની એક મેચમાં ભારતીય બોલરો પાકિસ્તાન-એના બેટ્સમેનો પર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. તેનો લાભ લઈને પાકિસ્તાને 313 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. પાંચ વિકેટ ગુમાવવા છતાં પાકિસ્તાને અંતિમ 11 ઓવરમાં 83 રન ફટકાર્યા હતા, જે આખરે નિર્ણાયક સાબિત થયા કારણ કે ભારત-એ આ મેચ 48 રનથી હારી ગયું હતું.
યુએઈને હળવાશથી લઈ શકે નહીં ભારત
યુએઈની ટીમ ભલે પાકિસ્તાન જેટલી મજબૂત ન હોય, પરંતુ તેને હળવાશથી લઈ શકાય નહીં. યુએઈએ પાકિસ્તાન-એ સામે સારું પ્રદર્શન કરીને તેની ટીમને 245 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને ત્યારબાદ 184 રન બનાવ્યા હતા. આનાથી તેણે બતાવી દીધું હતું કે તે મજબૂત ટીમો સામે પણ સારું પ્રદર્શન કરી શકે છે. તેથી ભારત-એ ટીમે સાવધ રહેવું પડશે.
બોલરોએ નેપાળ સામે જેવું પ્રદર્શન કર્યું હતું, તેવું જ પ્રદર્શન કરવું પડશે. તે મેચમાં ભારતે નેપાળને માત્ર 26 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, પરંતુ પાકિસ્તાન-એ સામે ભારતીય બોલરો પોતાની તે આક્રમકતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મેચમાં પાર્ટ-ટાઇમ બોલર આયુષ બદોનીએ હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ અને શાહબાઝ અહમદ જેવા નિયમિત બોલરો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું.
સેમિફાઇનલમાં સ્થાન મેળવવા જીત જરૂરી
યુએઈ સામે જીત મળવાથી ભારતના 3 મેચમાં 4 પોઈન્ટ થઈ જશે અને તે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લેશે. ભારતની યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી હજુ સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. તેમણે નેપાળ સામે 26 અને પાકિસ્તાન સામે 11 રન બનાવ્યા હતા. જોકે, તેમના ઓપનિંગ પાર્ટનર અભિષેક શર્માએ સારી રમત બતાવી છે. ભારત આ બંને પાસેથી સારી શરૂઆતની અપેક્ષા રાખી રહ્યું હશે.
આ મુજબ છે ટીમો
ભારત-એ: તિલક વર્મા (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, રિંકુ સિંહ, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, આયુષ બદોની, શાહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, અરશદ ખાન, પ્રભસિમરન સિંહ, કુમાર કુશાગ્ર, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ.
યુએઈ: બાસિલ હમીદ (કેપ્ટન), આફતાબ આલમ, અંશ ટંડન, અર્યાંશ શર્મા, અયાન મિસ્બાહ, અવૈસ અલી શાહ, એથન ડિસોઝા, ઇબરાર અહમદ, મુહમ્મદ મોહસિન, મુહમ્મદ શાહદાદ, નૂરુલ્લાહ અયોબી, ઓમિદ રહેમાન, સોહૈબ ખાન, ઉદીશ સૂરી અને જાહિદ અલી.









