પાકિસ્તાનમાં બસ અને ગેસ ટેન્કરની ટક્કર બાદ ભીષણ વિસ્ફોટ; 10નાં મોત, 27 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા મકરાન કોસ્ટલ હાઈવે પર એક પેસેન્જર બસ અને LPG ગેસ ટેન્કર સામસામે અથડાયા ભયંકર બ્લાસ્ટ થયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને વાહનો સામસામે અથડાતા જ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બસમાં સવાર અનેક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.
કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
એક સમાચારપત્રના અહેવાલ અનુસાર, આ કરૂણ ઘટના ગુરુવારે સવારે અંદાજે 10:30 વાગ્યે ગ્વાદર જિલ્લાના ઓરમારા વિસ્તારમાં બસોલ નજીક કોસ્ટલ હાઈવે પોલીસ ચેકપોઈન્ટ પાસે બની હતી. તુર્બતથી કરાચી તરફ જઈ રહેલી એક ખાનગી પેસેન્જર બસ અને કરાચીથી ગ્વાદર નજીક ઈરાન-ગાબદ સરહદ તરફ જઈ રહેલા એલપીજી ગેસ ટેન્કર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ગણતરીની સેકન્ડોમાં જ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.
બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા
દુર્ઘટના સમયે આ ખાનગી બસમાં મહિલાઓ અને બાળકો સહિત 40થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. અચાનક આગ લાગવાને કારણે ઘણા મુસાફરો બસમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને આગમાં ફસાઈ ગયા હતા. ઓરમારાના ડીએસપી નબી બખ્શ રુન્ઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ 10 મૃતકોના મોત ગંભીર રીતે દાઝી જવાના કારણે થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કામગીરી દરમિયાન પેસેન્જર બસમાંથી 8 અને ગેસ ટેન્કરમાંથી 2 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
બચાવ કામગીરી અને કલાકો સુધી ટ્રાફિક જામ
ઘટનાની જાણ થતા જ પાકિસ્તાન સેના, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ તમામ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ભીષણ અકસ્માતને પગલે મકરાન કોસ્ટલ હાઈવે પર કલાકો સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને રસ્તાની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
મકરાન કોસ્ટલ હાઈવે પર અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ
આ હાઈવે પર જીવલેણ અકસ્માતોની હારમાળા કોઈ નવી વાત નથી. અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ ગ્વાદર જિલ્લાના ઓરમારા વિસ્તારમાં કોસ્ટલ હાઈવે પર એક પૂરપાટ ઝડપે આવતા ગેસ ટેન્કરે કારને સામેથી ટક્કર મારતા કાર પલટી ગઈ હતી, જેમાં એક જ પરિવારના 6 સભ્યો જીવતા ભડથું થઈ ગયા હતા. તે પહેલા માર્ચ મહિનામાં કોસ્ટલ હાઈવે પર બે વાહનો સામસામે અથડાતા એક બાળક સહિત 7 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનામાં પણ ઓરમારા પાસે એક પેસેન્જર વાહન પલટી જતા 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.








