પાકિસ્તાનમાં ભડકો: આસિમ મુનીરના પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર, અલગ સિંધુદેશની માંગ!

પાકિસ્તાનમાં નવા પ્રાંતો બનાવવાની દરખાસ્તને લઈને વિવાદ વકર્યો છે. સિંધ પ્રાંતના ભાગલા પાડવાની યોજનાના વિરોધમાં કરાચીમાં હજારો સિંધ રાષ્ટ્રવાદીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર અને પંજાબ-કેન્દ્રિત સત્તા વ્યવસ્થા સામે આક્ષેપો કર્યા હતા. વિરોધ દરમિયાન 'સિંધુદેશ'ની સ્વતંત્રતાના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. સિંધના રાષ્ટ્રવાદી સંગઠનોએ પંજાબના આર્થિક બહિષ્કારની પણ ધમકી આપી છે.
રંગબેરંગી બસોમાં સવાર થઈને અને પરંપરાગત સિંધિ અજ્રક તથા ટોપીઓ પહેરીને હજારો લોકો કરાચીની સડકો પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ સિંધના ભાગલા પાડવાની કોઈપણ યોજનાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સિંધની અખંડિતતા સાથે સમાધાન નહીં કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. કરાચી ઉપરાંત હૈદરાબાદ, નવાબશાહ, લરકાણા અને અન્ય શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં.
નવા પ્રાંતો બનાવવાની દરખાસ્ત સામે વિરોધ
પાકિસ્તાનમાં નવા પ્રાંતો બનાવવાની ચર્ચા ગૃહમંત્રી મોહસિન નકવી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પાકિસ્તાનમાં નાના વહીવટી એકમો બનાવવાની દરખાસ્ત કરી હતી અને આ મુદ્દે જનમત સંગ્રહની વાત પણ કરી હતી. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઇકબાલે હાલના ચાર પ્રાંતોની સંખ્યા વધારીને 12થી 15 કરવાની ચર્ચા કરી છે. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે 22 નવેમ્બરે કહ્યું હતું કે જનમત સંગ્રહ અંગેની ચર્ચા વર્ષ 2026ના અંત સુધીમાં નક્કર સ્વરૂપ લઈ શકે છે. આ દરખાસ્ત સામે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે સિંધના ભાગલા પાડવાના પ્રયાસો સામે ફેડરલ સરકારને ચેતવણી આપી હતી. બિલાવલે કહ્યું હતું કે સિંધના ભાગલા પાડવાનો પ્રયાસ થાય તો લોકો હથિયાર ઉઠાવી શકે છે અને કરાચી તથા હૈદરાબાદમાં હિંસા થઈ શકે છે.
સિંધના રાષ્ટ્રવાદીઓએ મુનીર પર લગાવ્યા આક્ષેપો
સિંધના રાષ્ટ્રવાદી સંગઠનોનો આરોપ છે કે આસિમ મુનીર અને પંજાબ-પ્રભુત્વ ધરાવતું સત્તા તંત્ર સિંધની જમીન, કુદરતી સંસાધનો અને રાજકીય સત્તા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાષ્ટ્રવાદી સંગઠન જેએસએમએમ (JSMM)એ પંજાબના આર્થિક બહિષ્કારની જાહેરાત કરી છે. સંગઠનના નેતાઓએ સિંધના ભાગલા સામેના અભિયાનને સિંધુદેશની સંપૂર્ણ સ્વતંત્રતાની ચળવળમાં ફેરવવાની વાત પણ કરી છે. સિંધુદેશ એટલે સિંધના લોકો માટે અલગ અને સ્વતંત્ર દેશ બનાવવાની માંગ. આ વિચારધારાને 1971માં બાંગ્લાદેશની રચના બાદ રાષ્ટ્રવાદી નેતા જી.એમ. સૈયદે આગળ વધારી હતી.
29 નવેમ્બરે ફરી સામસામે રેલીઓની શક્યતા
સિંધના ભાગલા સામે વિરોધ પ્રદર્શનો અત્યાર સુધી મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યાં છે, પરંતુ આગામી દિવસોમાં તણાવ વધી શકે છે. 29 નવેમ્બરે કરાચીમાં સિંધના રાષ્ટ્રવાદીઓની મોટી રેલી યોજાવાની છે. બીજી તરફ, નવા પ્રાંતોના સમર્થનમાં MQM-P પણ રેલી યોજવાની તૈયારી કરી રહી છે. બંને જૂથો એક જ દિવસે રસ્તા પર ઉતરવાની શક્યતાને કારણે કરાચીમાં અથડામણની આશંકા વધી છે.









