રશિયાની મદદથી ઇજીપ્તમાં બનશે 4 પરમાણુ પાવર પ્લાન્ટ, 4800 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા લક્ષ્યાંક

ઇજીપ્તના રણપ્રદેશમાં વિશાળ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બની રહ્યો છે. આ પાવર પ્લાન્ટમાં ૪ ન્યૂક્લિઅર રીએક્ટર્સ હશે. જે દરેકની ક્ષમતા ૧૨૦૦ મેગા વૉટ હશે. તે ચારે ન્યુક્લિઅર રીએક્ટર્સ રશિયાનાં હશે. તેટલું જ નહીં પરંતુ, તે ન્યૂક્લિઅર ઇંધણ વપરાઈ જાય પછી તેને રાખવાની 'ડ્રાય સ્ટોરેજ ફેસીલીટી' પણ રશિયા બનાવી આપશે.
વાસ્તવમાં આ અલ્-દબા ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ બનાવવાની યોજના ૧૯૭૦ના દાયકાથી શરૂ થઈ હતી. તે પછી તે પ્લાન્ટ માટે 'સ્થળ' શોધવાની કાર્યવાહી શરૂ થઈ. તેનું નિર્માણ ૨૦૨૨માં શરૂ થયું હતું. સમગ્ર આફ્રિકામાં દક્ષિણ આફ્રિકાના કોબર્ગ પાવર પ્લાન્ટ પછી રચાયેલો આ બીજો પાવર પ્લાન્ટ બની રહેશે. તેમાં રશિયાની કંપની 'રોસાટોમ' દ્વારા બનાવાયેલા ૪ વી.વી.ઈ.આર.-૧૨૦૦ રીએક્ટર્સ રહેશે. તે પ્રેશરાઈઝ્ડ વૉટર રીએક્ટર (પીડબલ્યુઆર) છે. તે રશિયાનાં લેનિનગ્રાડ અને નોવોવોરોનિશ પ્લાન્ટ તથા બેલારૂસના ઓસ્ટ્રોવન્સ પ્લાન્ટમાં પહેલાથી જ સક્રિય છે.
પરમાણુ ઇંધણ પણ પૂરું પાડશે કંપની
ઈજીપ્તની સરકારી ન્યૂક્લિઅર એજન્સીના રીપોર્ટ પ્રમાણે ૨૦૧૭માં થયેલી સમજૂતી પ્રમાણે રોસાટોમ માત્ર તે પાવર પ્લાન્ટ બનાવીને અટકી નહીં જાય, પરંતુ તે માટે પરમાણુ ઇંધણ પણ પૂરું પાડશે. રશિયન વિજ્ઞાાનીઓ પહેલાં ૧૦ વર્ષ સુધી ઈજીપ્શ્યન વિજ્ઞાાનીઓ અને ટેકનીશીયનોને ટ્રેનિંગ આપશે. તે ઉપરાંત રશિયા વપરાયેલા ન્યૂક્લિઅર ફ્યુએલ માટે કન્ટેનર્સ પણ પૂરાં પાડશે.
પ્લાન્ટ કેરોથી ૩૨૦ કિ.મી. દૂર બનશે
આ પ્લાન્ટ દુનિયાના સૌથી મોટા પાવર પ્લાન્ટ્સ પૈકીનો એક હશે. તૂર્કીનો એકયુયુ પ્લાન્ટ પણ ૪૮૦૦ મેગા વૉટની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટ ૫૦ ચો.કી.માં પથરાયેલો છે. તેમાં ચારે રીએક્ટર્સ પૈકી બે ૨૦૨૮માં કાર્યરત બનશે. બીજાં બે ૨૦૩૦ સુધીમાં સક્રિય થશે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે તે સમુદ્રતટે હોવાથી તેની ગરમીનો ઉપયોગ સમુદ્રનાં જળને વરાળ બનાવી, તેને ઠારી તેમાંથી મીઠું પાણી બનાવાશે. તેથી ઈજીપ્તની વીજળી તેમજ પાણીની તરસ છીપાશે. આ પ્લાન્ટ કેરોથી ૩૨૦ કિ.મી. દૂર ઉત્તર પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રના તટે રચવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.







