અંતરિક્ષ છોડીને હવે દરિયામાં મસ્કનું નવું રહસ્ય: ફિલિપાઇન્સમાં ખાનગી ટાપુઓ અને અમેરિકાના 'પેક્સ સિલિકા' પ્રોજેક્ટ પાછળ શું છે મોટો ખેલ?

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક સામાન્ય રીતે અવકાશ મિશન કે ઇલેક્ટ્રિક કારને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેઓ ભારતથી આશરે 4,700 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ એશિયાના અત્યંત સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં પોતાની ગુપ્ત પ્રવૃત્તિઓને કારણે સમાચારોમાં છે. મસ્ક ફિલિપાઇન્સમાં ગુપ્ત રીતે 2 ટાપુ વિકસાવી રહ્યા હોવાના સમાચાર છે. આ ટાપુઓ પર શું પ્રવૃત્તિ થશે, એ રહસ્ય અને અમેરિકાના મહત્ત્વાકાંક્ષી 'પેક્સ સિલિકા' પ્રોજેક્ટે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ ભારત જેવા ઇન્ડો-પેસિફિકના મોટા દેશોમાં પણ વ્યૂહાત્મક ચિંતાઓ જગાવી છે.
મનીલામાં મસ્કની ગુપ્ત મુલાકાત
અમેરિકામાં ફિલિપાઇન્સના રાજદૂત જોસ મેન્યુઅલ રોમુઆલ્ડેઝે એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારી માહિતીની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, ઈલોન મસ્ક વારંવાર ફિલિપાઇન્સની મુલાકાત લે છે કારણ કે તેઓ ત્યાં પોતાની માલિકીના 1 કે 2 ટાપુ વિકસાવી રહ્યા છે. હાલમાં જ મસ્કની મુલાકાતે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ફિલિપાઇન્સ મુલાકાતના છેલ્લા દિવસે, બુધવારે સ્થાનિક સમય મુજબ સવારે 11:30 વાગ્યે મસ્ક પોતાના ખાનગી વિમાનમાં ફિલિપાઇન્સની રાજધાની મનીલા પહોંચ્યા હતા. તેમણે કોઈપણ સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લીધા વિના સીધા ઍરપૉર્ટ પર જ ટ્રમ્પની રાહ જોઈ હતી, અને ત્યારબાદ બંને ચીનમાં આયોજિત APEC સમિટમાં ભાગ લેવા સાથે રવાના થયા હતા.
ટાપુઓ વિશે ઘેરાતું રહસ્ય
રાજદૂત રોમુઆલ્ડેઝે કહ્યું કે, ‘મસ્કને ફિલિપાઇન્સ ખૂબ પસંદ છે. તેમને આ દેશ વિશે ખાસ્સી સમજ છે. તેમના લીધે ફિલિપાઇન્સમાં વધુ અમેરિકાથી રોકાણ આવી શકે છે.’ જો કે, આ ટાપુઓ ક્યાં આવેલા છે અને ત્યાં કેવું બાંધકામ ચાલી રહ્યું છે તે જાહેર કરાયું નથી. અત્યાર સુધી મસ્ક કે તેમની કંપનીઓએ પણ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. ફિલિપાઇન્સના બંધારણ મુજબ વિદેશી નાગરિકોને સામાન્ય રીતે જમીન ખરીદવાની મનાઈ છે અને માત્ર મર્યાદિત છૂટછાટો જ મળે છે. આ સ્થિતિમાં સ્ટારલિંક દ્વારા ફિલિપાઇન્સમાં પહેલેથી જ મજબૂત હાજરી ધરાવતા મસ્કે આ ટાપુઓ પર નિયંત્રણ કેવી રીતે મેળવ્યું તે મોટો પ્રશ્ન છે.
1,618 હેક્ટરના 'પેક્સ સિલિકા' પ્રોજેક્ટનો વિવાદ
આ ટાપુઓના વિકાસની સાથે અમેરિકા અને ફિલિપાઇન્સ વચ્ચે પ્રસ્તાવિત 'પેક્સ સિલિકા' ટૅક્નોલૉજી કરારને લઈને પણ વિવાદ વકર્યો છે. અમેરિકાના નેતૃત્વ હેઠળના આ પ્રોજેક્ટનો હેતુ સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને મહત્ત્વપૂર્ણ ખનીજોની સપ્લાય ચેઇનને મજબૂત કરી ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે. ફિલિપાઇન્સ એપ્રિલ 2026માં આ પહેલમાં જોડાયું હતું. સ્થળ અને માળખું: હ્યુમન રાઇટ્સ વોચ(HRW)ના અહેવાલ મુજબ, ટાર્લાક પ્રાંતના કેપાસ સિટીમાં આવેલા ન્યૂ ક્લાર્ક સિટીની અંદર 1,618 હેક્ટર(સરકારી દસ્તાવેજોમાં આશરે 1,620 હેક્ટરનો 'ઇકોનોમિક સિક્યુરિટી ઝોન')માં આ સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનશે. અહીં ફિલિપાઇન્સ સરકાર અમેરિકી કંપનીઓ અને અન્ય રોકાણકારોને જમીન તથા માળખાગત સુવિધાઓ પૂરી પાડશે.
- સરકારની સ્પષ્ટતા: રાજદૂત રોમુઆલ્ડેઝે દેશને વેચી દેવાના કે ત્યાં ડેટા સેન્ટરો બનાવવાના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર આ કરારને સંપૂર્ણપણે પારદર્શક રાખવા માંગે છે. તાજેતરમાં ટ્રમ્પની મનીલા મુલાકાતમાં પણ બંને દેશે આ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. પહેલા સ્થાનિક મુદ્દા ઉકેલવા પર ભાર મૂક્યો છે.
1994થી સંઘર્ષ કરતાં સ્વદેશી સમુદાયનો વિરોધ
પારદર્શકતાનો અભાવ, પર્યાવરણીય અસરો અને સ્થાનિક લોકોના વિસ્થાપનના ડરને કારણે આ પ્રોજેક્ટનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. 16 નવેમ્બરના રોજ હ્યુમન રાઇટ્સ વોચે જાહેર કરેલા નિવેદન મુજબ, સરકારી એજન્સી 'બેઝ કન્વર્ઝન ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી'(BCDA)એ ખેડૂતોને પ્રતિ હેક્ટર 300,000 પેસો (આશરે 3,500 પાઉન્ડ) વળતરની ઓફર કરી હતી, જેને ખેડૂતોએ નકારી કાઢી છે.
આ વિસ્તારમાં રહેતા સ્વદેશી 'એટા હુંગે' સમુદાયના પરિવારો 1994થી પોતાની પૂર્વજોની જમીનની માલિકીની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમને આજ સુધી કાનૂની દસ્તાવેજો મળ્યા નથી. તેમની પૂર્વ સંમતિ વિના જ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેમને ડિસેમ્બર સુધીમાં જગ્યા ખાલી કરવાનો આદેશ અપાયો હતો. અહેવાલો મુજબ, આનાથી એટા સમુદાયના આશરે 40 ઘરો (લગભગ 200 લોકો) પ્રભાવિત થવાના હતા અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે માત્ર 30 ચોરસ મીટરના નાના ઘરોની ઓફર કરાઈ હતી, જ્યાં ખેતીની જમીન કે પાણીના સ્ત્રોતની સુવિધા નહોતી.
મફતના ભાવે અંગૂઠા મરાવ્યાનો આરોપ
22 નવેમ્બરના રોજ એક અશિક્ષિત એટા ખેડૂત પાસે માત્ર 30 પેસો પ્રતિ ચોરસ મીટરના ભાવે જમીન છોડવાના દસ્તાવેજ પર અંગૂઠો મરાવ્યાનો વિવાદ સામે આવ્યો હતો. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ભવને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારબાદ, 25 નવેમ્બરના રોજ ભારે દબાણને પગલે BCDAએ ખાતરી આપી છે કે જ્યાં સુધી પૂરતું ભંડોળ ઉપલબ્ધ ન થાય અને સ્થાનિકોના અધિકારોનો સ્વીકાર ન થાય, ત્યાં સુધી કોઈ પણ રહેવાસીને હટાવવામાં નહીં આવે કે ખેતીની જમીન ખાલી કરાવવામાં આવશે નહીં.
ભારત માટે કેમ છે ચિંતાનો વિષય?
વ્યૂહાત્મક રીતે ફિલિપાઇન્સ દક્ષિણ ચીન સમુદ્ર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના અત્યંત નિર્ણાયક સ્થળે આવેલું છે. ભારત પોતે બ્રહ્મોસ મિસાઇલ જેવા સંરક્ષણ સોદાઓ અને દરિયાઈ ભાગીદારી દ્વારા આ વિસ્તારમાં સત્તાનું સંતુલન જાળવવા પ્રયત્નશીલ છે. આ સંજોગોમાં ટ્રમ્પ અને મસ્કની એકસાથે હાજરી તથા ગુપ્ત ટાપુઓના વિકાસે ભારત માટે કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
- સત્તાવાર સૈન્ય થાણા વિના દેખરેખની શક્તિ: મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ સિસ્ટમ વૈશ્વિક સંદેશાવ્યવહાર અને લશ્કરી દેખરેખમાં મોટી ભૂમિકા ભજવે છે. જો દક્ષિણ-પૂર્વ એશિયાના ટાપુઓ પર મસ્કનું ખાનગી ટેકનિકલ માળખું ઊભું થાય, તો તે અમેરિકાને કોઈ સત્તાવાર લશ્કરી થાણા વિના જ સમગ્ર પ્રદેશમાં વ્યાપક દેખરેખ અને ડેટા નિયંત્રણની શક્તિ આપી શકે છે.
- ડેટા સાર્વભૌમત્વનો મુદ્દો: ભારત લાંબા સમયથી પોતાના ડેટા સાર્વભૌમત્વ અને વિદેશી સેટેલાઇટ કંપનીઓના અનિયંત્રિત વિસ્તરણ અંગે સાવચેત રહ્યું છે. પાડોશી દરિયાઈ ક્ષેત્રમાં આ પ્રકારની ગુપ્ત હિલચાલ ભારતની સુરક્ષા વ્યૂહરચના માટે પડકારરૂપ બની શકે છે.
- ભારતના સેમિકન્ડક્ટર મિશન પર દબાણ: ફિલિપાઇન્સમાં 'પેક્સ સિલિકા' દ્વારા સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન પર અમેરિકાનું સીધું નિયંત્રણ સ્થાપિત થવાથી ભારતના પોતાના મહત્ત્વાકાંક્ષી 'સેમિકન્ડક્ટર મિશન' માટે કડક સ્પર્ધા અને દબાણ ઊભું થઈ શકે છે.
મસ્કનો પ્રોજેક્ટ ચીન માટે પણ જોખમ
ફિલિપાઇન્સમાં ઈલોન મસ્કના ગુપ્ત ટાપુઓ અને અમેરિકાના 'પેક્સ સિલિકા' પ્રોજેક્ટને કારણે ચીન માટે મોટું વ્યૂહાત્મક અને આર્થિક જોખમ ઊભું થયું છે. દક્ષિણ ચીન સમુદ્રની બિલકુલ નજીક આવેલા આ ટાપુઓ પર જો મસ્કની 'સ્ટારલિંક' કે અન્ય સેટેલાઇટ-ટૅક્નોલૉજીની સુવિધા કરાય, તો અમેરિકાને ચીનની નૌકાદળની હિલચાલ અને તાઇવાન પર સીધી દેખરેખ રાખવાની શક્તિ મળી શકે છે. 'પેક્સ સિલિકા' પ્રોજેક્ટનો મૂળ હેતુ પણ સેમિકન્ડક્ટર અને ખનીજ સપ્લાય ચેઇનમાં ચીનનો દબદબો ઘટાડવાનો છે.
આમ છતાં, અત્યાર સુધી ચીન તરફથી મસ્કના આ ટાપુઓ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી; જેનું મુખ્ય કારણ એ છે કે ટાપુઓ અંગે હજુ કોઈ નક્કર વિગતો જાહેર થઈ નથી અને ચીનમાં ટેસ્લાનું મોટું રોકાણ હોવાથી બેઇજિંગ મસ્ક સાથેના વેપારી સંબંધો બગાડ્યા વિના સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જો કે, ફિલિપાઇન્સમાં અમેરિકાની વધતી લશ્કરી અને ટેકનિકલ હાજરી સામે ચીન અગાઉથી જ નારાજગી વ્યક્ત કરતું રહ્યું છે.










