અંતરિક્ષમાં AIનો કમાલ! ગૂગલના સેટેલાઇટે કવિતા લખીને પૃથ્વી પર મોકલી

કેલિફોર્નિયામાં ગૂગલે એઆઈ ટેકનોલોજીને પૃથ્વીની બહાર લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કંપનીના પ્રોજેક્ટ સનકેચર હેઠળ સ્પેસમાં મોકલવામાં આવેલા પ્રોટોટાઇપ સેટેલાઇટે પહેલી વખત એઆઈ મોડલ ચલાવીને તેનો જવાબ પૃથ્વી પર મોકલ્યો છે. તેની ખાસ વાત એ છે કે સેટેલાઇટમાં રહેલા એઆઈ મોડલને અંતરિક્ષ વિશે હાઇકુ (જાપાનીઝ કવિતાનું એક સ્વરૂપ) લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મોડલે ત્રણ પંક્તિની કવિતા લખીને તેનો જવાબ પૃથ્વી પર મોકલ્યો હતો.
સેટેલાઇટે એઆઈ મોડલની મદદથી કવિતા તૈયાર કરી
ગૂગલના જણાવ્યા અનુસાર, આ પ્રયોગમાં સેટેલાઇટમાં લગાવવામાં આવેલા કંપનીના ખાસ એઆઈ પ્રોસેસર Tensor Processing Unit (TPU) પર Gemma 4 એઆઈ મોડલ ચલાવવામાં આવ્યું હતું. એન્જિનિયરોએ ગ્રાઉન્ડ સ્ટેશન મારફતે સેટેલાઇટને આદેશ મોકલ્યો હતો. ત્યારબાદ સેટેલાઇટે એઆઈ મોડલની મદદથી કવિતા તૈયાર કરી હતી. સેટેલાઇટ નોર્વેના સ્વાલબાર્ડ વિસ્તાર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનો જવાબ ગ્રાઉન્ડ સ્ટેશન પર પ્રાપ્ત થયો હતો.
આ પરીક્ષણો સફળ રહેશે તો 2027માં....
હાલ આ માત્ર પ્રાયોગિક પ્રોજેક્ટ છે. સ્પેસમાં તાપમાનમાં મોટા ફેરફાર અને રેડિયેશનની અસરને કારણે કમ્પ્યુટર ચિપની કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે. ગૂગલ હવે આ પરિસ્થિતિઓમાં TPU કેટલી વિશ્વસનીય રીતે કામ કરે છે તેની તપાસ કરશે. આ પરીક્ષણો સફળ રહેશે તો 2027માં બે સેટેલાઇટને એકબીજા સાથે જોડીને તેમની વચ્ચે ડેટાની આપ-લે અને એઆઈ કમ્પ્યુટિંગની ક્ષમતા ચકાસવાની કંપનીની યોજના છે.







