TRAIનો મોટો નિર્ણય: હવે માત્ર કોલિંગ અને SMS વાળા સસ્તા રિચાર્જ પ્લાન આપવા પડશે, ડેટા લેવાની મજબૂરી ખતમ

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI દ્વારા મોબાઈલ યુઝર્સ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. TRAI એ ટેલિકોમ ગ્રાહક સુરક્ષા (તેરમો સુધારો) વિનિયમન, 2026 જારી કર્યું છે. આ નવા નિયમ અંતર્ગત હવે તમામ ટેલિકોમ કંપનીઓએ એવા રિચાર્જ પ્લાન આપવા પડશે જેમાં માત્ર કૉલિંગ અને SMS ની સુવિધા હોય, એટલે કે તેમાં ડેટા સામેલ નહીં હોય.
TRAI નું કહેવું છે કે અત્યાર સુધી આવા પ્લાન ખૂબ જ ઓછી સંખ્યામાં મળતા હતા, ખાસ કરીને ઓછી વેલિડિટીવાળા પ્લાનમાં તેની ભારે અછત હતી. આ જ કારણોસર આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ, જે ગ્રાહકોને 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટીવાળું રિચાર્જ જોઈતું હોય, તેમના માટે કંપનીઓએ Voice અને SMS વાળો પ્લાન આપવો ફરજિયાત રહેશે. આ ઉપરાંત કંપનીઓએ એક એવો વિકલ્પ પણ આપવો પડશે જેમાં ગ્રાહક દર મહિને એક નક્કી તારીખે પોતાનું રિચાર્જ રિન્યૂ કરી શકે. તેનાથી ગ્રાહકોને વારંવાર અલગ-અલગ તારીખો પર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી રાહત મળશે.
આટલું જ નહીં, 30 દિવસથી વધુ વેલિડિટીવાળો ઓછામાં ઓછો એક Voice-SMS Only પ્લાન પણ દરેક કંપનીએ પોતાના ગ્રાહકોને આપવો પડશે. એટલે કે લાંબી વેલિડિટી ઇચ્છતા ગ્રાહકો પાસે પણ હવે ડેટા વગરનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. TRAI એ એમ પણ જણાવ્યું છે કે આ પ્લાનની કિંમતોમાં વાજબી ઘટાડો કરવામાં આવે, જેથી આ પ્લાન ડેટાવાળા પ્લાનની સરખામણીએ સસ્તા પડે.
આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો એવા ગ્રાહકોને મળશે જેઓ મોબાઈલ ડેટાનો ઉપયોગ બિલકુલ નથી કરતા અથવા ખૂબ ઓછો કરે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો (વૃદ્ધ યુઝર્સ) અને ઓછી આવક ધરાવતા ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે હવે તેમને બિનજરૂરી રીતે ડેટાવાળા મોંઘા પ્લાન લેવાની મજબૂરી રહેશે નહીં. તેઓ પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ યોગ્ય પ્લાન પસંદ કરી શકશે. TRAI એ માહિતી આપી હતી કે આ નિયમના ડ્રાફ્ટ પર લોકો તરફથી કુલ 1,132 પ્રતિક્રિયાઓ મળી હતી, જેના આધારે આ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

