સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે CDSનું મોટું નિવેદન: 'ભવિષ્યના યુદ્ધો જીતવા ભારતે અંતરિક્ષ ક્ષમતામાં આત્મનિર્ભર બનવું જ પડશે

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ ભવિષ્યના યુદ્ધો માટે ભારતની સ્વદેશી અંતરિક્ષ ક્ષમતાઓને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. તેમણે યુક્રેન યુદ્ધનું ઉદાહરણ આપતા કહ્યું કે બહારની સેટેલાઇટ સંચાર પ્રણાલીઓ પર નિર્ભરતા સૈન્ય અભિયાનોને પ્રભાવિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં સ્ટારલિંક સેવાઓ ખોરવાયા બાદ લાંબા અંતરના ડ્રોનની અસરકારકતા ઓછી થઈ ગઈ હતી.
દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં જનરલ રાજા સુબ્રમણિએ કહ્યું, "આધુનિક યુદ્ધમાં અંતરિક્ષની ભૂમિકા સતત વધી રહી છે. ભારતે સેટેલાઇટ દ્વારા ગુપ્ત માહિતી એકત્ર કરવા, દેખરેખ (સર્વેલન્સ), સંચાર અને સચોટ નેવિગેશનની પોતાની ક્ષમતા વધારવી પડશે."
તેમણે જણાવ્યું કે ભારતે સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ-3 (SBS-3) કાર્યક્રમ શરૂ કર્યો છે. તેના સંપૂર્ણ અમલીકરણ બાદ દેશની અંતરિક્ષ આધારિત દેખરેખ ક્ષમતામાં મોટો વધારો થશે. જોકે, તેમણે કહ્યું કે ભારતે આ ક્ષમતાનો વધુ વિસ્તાર કરવો પડશે, જેથી ગુપ્ત માહિતી, દેખરેખ, સંચાર અને સચોટ નેવિગેશન માટે ભરોસાપાત્ર વ્યવસ્થા તૈયાર થઈ શકે.
સ્ટારલિંક સેવા ખોરવાઈ હોવાનું આપ્યું ઉદાહરણ
સીડીએસે કહ્યું, "ભવિષ્યમાં અંતરિક્ષ પણ સંઘર્ષનું એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર બની જશે. વિરોધી દેશો ભારતને અંતરિક્ષ આધારિત સુવિધાઓના ઉપયોગથી રોકવાનો પ્રયાસ કરી શકે છે." તેમણે યુક્રેન યુદ્ધનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે સ્ટારલિંક સેવાઓને રોકવામાં આવી અથવા તેની ક્ષમતા ઘટી, ત્યારે યુક્રેનના લાંબા અંતરના ડ્રોનની અસરકારકતા પર અસર પડી હતી. તેથી ભારત માટે પોતાની અંતરિક્ષ ક્ષમતાઓ પર આત્મનિર્ભર બનવું જરૂરી છે.
તેમણે કહ્યું કે આ દિશામાં ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) ની સાથે-સાથે ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પણ ભરોસાપાત્ર અને મજબૂત ક્ષમતા વિકસાવવી પડશે.
AI અને ડ્રોન બદલી રહ્યા છે યુદ્ધનું સ્વરૂપ: સીડીએસ જનરલ રાજા સુબ્રમણિ
સીડીએસ જનરલ સુબ્રમણિએ કહ્યું, "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઉપગ્રહોથી મળતી ગુપ્ત માહિતી અને મોટા પાયે તૈયાર કરવામાં આવી રહેલા ડ્રોન આધુનિક યુદ્ધનું સ્વરૂપ ઝડપથી બદલી રહ્યા છે. હવે કોઈ પણ દેશનો સમગ્ર ભૌગોલિક વિસ્તાર યુદ્ધનું મેદાન બની શકે છે અને તેમાં કોઈ પણ સુરક્ષિત નથી." તેમણે કહ્યું કે ભવિષ્યના સંઘર્ષોમાં સૈન્ય ઠેકાણાઓની સાથે ઉદ્યોગો, સંચાર નેટવર્ક, ઊર્જા કેન્દ્રો અને સામાન્ય નાગરિકો પણ હુમલાની ઝપેટમાં આવી શકે છે.
ભારતમાં સ્ટારલિંકની સંભવિત શરૂઆત વચ્ચે નિવેદન
જનરલ રાજા સુબ્રમણિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતના સેટેલાઇટ સંચાર બજારમાં સ્ટારલિંકની સંભવિત શરૂઆતને લઈને ચર્ચા ચાલી રહી છે. સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે ભારતમાં કંપનીના વ્યાવસાયિક સંચાલનમાં કથિત અવરોધોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ, સરકારનું કહેવું છે કે સેટેલાઇટ સંચાર ક્ષેત્રમાં તમામ કંપનીઓનું સ્વાગત છે. ગ્રાહકો કિંમત, ગુણવત્તા અને સેવાઓના આધારે પોતાના સર્વિસ પ્રોવાઇડરની પસંદગી કરી શકશે.
જિયો, વનવેબ અને સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ સંચાર સેવાઓના સંચાલન માટે લાઇસન્સ મળી ચૂક્યા છે. જોકે, વ્યાવસાયિક સેવાઓ શરૂ કરતા પહેલા કંપનીઓએ નિર્ધારિત સુરક્ષા શરતો પૂરી કરવી પડશે. સ્પેક્ટ્રમ ફાળવણી અને તેની કિંમત નક્કી કરવા સાથે જોડાયેલી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે.
ભવિષ્યના યુદ્ધો માટે પાંચ ક્ષેત્રો પર ભાર
સીડીએસે ભારતની સંરક્ષણ તૈયારીઓ અને આત્મનિર્ભરતા માટે પાંચ મુખ્ય ક્ષેત્રોને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા. તેમાં અંતરિક્ષ ક્ષમતા, એલ્ગોરિધમ અને ડેટા આધારિત યુદ્ધ, સંરક્ષણ ઉત્પાદન, જૂના સૈન્ય ઉપકરણોનું આધુનિકીકરણ અને કુશળ માનવ સંસાધનનો વિકાસ સામેલ છે.
તેમણે કહ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ભૂમિકા સતત વધશે. આ માટે ડેટા, કમ્પ્યુટિંગ ક્ષમતા, ઊર્જા અને પ્રશિક્ષિત લોકોની ઉપલબ્ધતા ખૂબ જ જરૂરી રહેશે. તેમણે જણાવ્યું કે સંરક્ષણ દળો ડેટાને વ્યવસ્થિત કરવા, તેના માટે સ્પષ્ટ ધોરણો બનાવવા અને યોગ્ય સમયે જરૂરી માહિતી સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવા માટે નેટવર્કને વધુ સારું બનાવવા પર કામ કરી રહ્યા છે.
સંરક્ષણ ક્ષેત્રમાં જરૂરી ઉપકરણો અને પાર્ટ્સ દેશમાં બનાવવા પર ભાર
જનરલ રાજા સુબ્રમણિએ કહ્યું કે આત્મનિર્ભરતાનો અર્થ માત્ર તૈયાર સંરક્ષણ પ્રણાલીઓનું નિર્માણ કે એસેમ્બલિંગ કરવું નથી. ભારતે મહત્ત્વપૂર્ણ ઉપકરણો અને તેના પાર્ટ્સનું ઉત્પાદન પણ દેશમાં જ કરવું પડશે. તેમણે કહ્યું કે સંરક્ષણ ઉદ્યોગે ઉત્પાદન ક્ષમતા વધારવા અને જરૂરતના સમયે ઝડપથી નિર્માણ કરવા માટે સક્ષમ બનવું પડશે.
તેમણે સર્વો, મેગ્નેટોમીટર અને સેન્સર જેવા મહત્ત્વપૂર્ણ હિસ્સાઓનું ઉદાહરણ આપ્યું. તેમના મતે, ભારતીય કંપનીઓએ તેનું નિર્માણ જાતે કરવું જોઈએ અથવા ઓછામાં ઓછું તેની ડિઝાઇન, બૌદ્ધિક સંપદા અધિકાર (IP) અને ટેકનોલોજી પર પોતાનું નિયંત્રણ રાખવું જોઈએ, જેથી જરૂર પડ્યે મોટા પાયે ઉત્પાદન કરી શકાય.
આત્મનિર્ભરતા પર શું બોલ્યા સીડીએસ?
જનરલ રાજા સુબ્રમણિએ કહ્યું, "મારા મતે આત્મનિર્ભરતાનો અર્થ નિર્ણય લેવાની આઝાદી, કાર્યવાહી કરવાની ક્ષમતા અને મુશ્કેલીઓને સહન કરવાની તાકાત છે. આત્મનિર્ભરતા માત્ર કોઈ આંચકાને સહન કરવા પૂરતી સીમિત નથી. તેનો અર્થ એ આંચકાને સહન કરવો, તેનો અભ્યાસ કરવો, તેમાંથી બહાર આવવું અને ફરીથી આગળ વધવું થાય છે."
તેમણે કહ્યું, "આત્મનિર્ભરતાનો અર્થ વ્યૂહાત્મક રીતે અલગ-થલગ રહેવું કે દરેક વસ્તુનું નિર્માણ જાતે કરવું નથી. તેનો અર્થ પોતાની સપ્લાય ચેઇન પર નિયંત્રણ રાખવું, ભરોસાપાત્ર અને મજબૂત ભાગીદારો સાથે કામ કરવું તથા જરૂરી ક્ષમતાઓ અને ટેકનોલોજી પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવું છે, જેથી ભારત પોતાના વ્યૂહાત્મક નિર્ણયો જાતે લઈ શકે."













