Microsoft ઠપ થતાં જાપાનમાં ફરી કાગળ-પેનનો યુગ, ભારતમાં IndiGo અને Akasa Air ને મોટો ફટકો!

Microsoft ઠપ થતાં જાપાનમાં ફરી કાગળ-પેનનો યુગ, ભારતમાં IndiGo અને Akasa Air ને મોટો ફટકો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

માઈક્રોસોફ્ટની સેવાઓમાં ગુરુવારે શરૂ થયેલી મોટી ટેકનિકલ ખામીની અસર શુક્રવારે પણ યથાવત રહી હતી, જેના કારણે વિશ્વના અનેક દેશોમાં વ્યાપારિક અને સરકારી કામકાજ ખોરવાઈ ગયા હતા. આ વૈશ્વિક આઉટેજના પગલે વિશ્વભરના લાખો યુઝર્સ આઉટલુક, માઈક્રોસોફ્ટ ટીમ્સ અને અન્ય માઈક્રોસોફ્ટ 365 એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં અસમર્થ બન્યા હતા.

સેવાઓ પૂર્વવત કરવા એન્જિનિયરોની મથામણ

જાહેરાત

અમેરિકન ટેક કંપની માઈક્રોસોફ્ટ દ્વારા આ ખામીની પ્રથમ જાણકારી અપાયાના 12 કલાકથી વધુ સમય વીતી જવા છતાં એન્જિનિયરો સિસ્ટમને સંપૂર્ણપણે ઠીક કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કંપનીએ સુધારા અંગે આંશિક પ્રગતિ થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ સાથે જ સ્વીકાર્યું હતું કે, રિપેરિંગના પ્રયાસો ધાર્યા મુજબ પરિણામ આપી રહ્યા નથી. જોકે, માઈક્રોસોફ્ટે સ્પષ્ટતા કરી છે કે, આ આઉટેજ પાછળ કોઈ સાયબર હુમલા કે દૂષિત પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી.

હોંગકોંગના બેન્કિંગ સેક્ટરમાં કામકાજ ખોરવાયું

હોંગકોંગમાં મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સૅક્સ જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓ ઈમેલ અને માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરી શક્યા નહોતા, જેનાથી દૈનિક કામગીરી અટકી પડી હતી. એક બેન્કરે મીડિયાને જણાવ્યું હતું કે અમુક ઈમેલ મળી રહ્યા છે, પરંતુ લાખો સંદેશાઓ બેકલોગમાં ફસાયા હોવાની શક્યતા છે. વિદેશી ગ્રાહકો સાથે સંવાદ પર નિર્ભર રહેતા વ્યવસાયોને પણ આનાથી મોટો ફટકો પડ્યો છે.

ઓસ્ટ્રેલિયામાં શાળાઓ, અદાલતો અને સરકારી તંત્ર પ્રભાવિત

ઓસ્ટ્રેલિયામાં શાળાઓ, કોર્ટ અને સરકારી કચેરીઓના કર્મચારીઓને આઉટલુક સહિતની માઈક્રોસોફ્ટ એપ્લિકેશન ખોલવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના મંત્રી ટોની બર્કે જણાવ્યું હતું કે માઈક્રોસોફ્ટે આ ઘટનાની સરખામણી જુલાઈ 2024 માં થયેલા ક્રાઉડસ્ટ્રાઈક આઉટેજ સાથે કરી છે. મંત્રી બર્કે ઓસ્ટ્રેલિયા ખાતેના માઈક્રોસોફ્ટના ટોચના અધિકારી અને રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંયોજક સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે કંપનીને આ કોઈ સાયબર હુમલો લાગતો નથી, પરંતુ કોઈ સોફ્ટવેર અપડેટના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાની આશંકા છે.

જાપાનમાં સરકારી કચેરીઓ કાગળ-પેન પર નિર્ભર બની

જાપાનના સરકારી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આ આઉટેજની ગંભીર અસર જોવા મળી હતી, જેના કારણે શુક્રવારે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓને ઈમેલ મોકલવામાં ભારે હાલાકી પડી હતી. ડેપ્યુટી ચીફ કેબિનેટ સેક્રેટરી મસાનાઓ ઓઝાકીએ માહિતી આપી હતી કે કામકાજ અટકે નહીં તે માટે સરકારી કર્મચારીઓ દસ્તાવેજોની ફિઝિકલ કોપી તૈયાર કરીને કામ ચલાવી રહ્યા છે.

ફિલિપાઈન્સની સુપ્રીમ કોર્ટ અને સિંગાપુર સરકારની સેવાઓમાં વિલંબ

ફિલિપાઈન્સની સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ચેતવણી આપી હતી કે માઈક્રોસોફ્ટ 365 ની ખામીના કારણે અદાલતી કામગીરી પ્રભાવિત થઈ છે, જેથી ઈમેલના જવાબો અને અન્ય વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે. બીજી તરફ, સિંગાપુરની ગવર્નમેન્ટ ટેકનોલોજી એજન્સીએ પણ સરકારી ઈમેલ સેવાઓ ઠપ થઈ હોવાની પુષ્ટિ કરી હતી અને ઉકેલ માટે માઈક્રોસોફ્ટ સાથે સંકલનમાં હોવાનું જણાવ્યું હતું.

ભારતમાં ઈન્ડિગો અને અકાસા એરની ઈમેલ સેવાને અસર

ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે પણ આ આઉટેજની આંશિક અસર જોવા મળી હતી. ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું હતું કે તેમની ઈમેલ સપોર્ટ સેવા ખોરવાતા ગ્રાહકોના પ્રશ્નો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જોકે અન્ય કસ્ટમર સપોર્ટ ચેનલો અને ફ્લાઈટ સંચાલન રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. તેવી જ રીતે, અકાસા એર દ્વારા પણ મુસાફરો માટે એડવાઈઝરી જારી કરીને ઈમેલ સપોર્ટ સેવામાં વિલંબ થવાની જાણ કરવામાં આવી હતી.

અમેરિકામાં શહેરી વહીવટ અને કોર્પોરેટ કામગીરી ઠપ

અમેરિકાના અનેક શહેરોની સ્થાનિક સરકારોએ વ્યાપક ઈમેલ સમસ્યાની જાણ કરી હતી અને નાગરિકોને તાત્કાલિક કામ માટે ફોન દ્વારા સ્થાનિક કચેરીઓનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત, ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી કંપની વર્કહોર્સ ગ્રુપે ટેકનિકલ અવરોધના કારણે પોતાની ત્રિમાસિક કમાણી (ક્વાર્ટરલી અર્નિંગ્સ) અંગેની કોન્ફરન્સ કોલ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

એઆઈ પ્લેટફોર્મ્સ પર પણ વર્તાઈ આઉટેજની અસર

આ ટેકનિકલ ખામીની અસર માત્ર પરંપરાગત સોફ્ટવેર પૂરતી મર્યાદિત રહી નહોતી. અગ્રણી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ OpenAI અને Anthropic એ પણ માઈક્રોસોફ્ટ 365 ટૂલ્સ સાથે કનેક્ટિવિટીમાં સમસ્યા આવી હોવાનું જણાવ્યું હતું, જે દર્શાવે છે કે અન્ય સોફ્ટવેર સાથેના ઈન્ટિગ્રેશન પર નિર્ભર પ્લેટફોર્મ્સ પણ આ આઉટેજથી બચી શક્યા નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત