74 દેશોમાં Microsoft સર્વર ડાઉન! હેકર્સ નહીં, AI એજન્ટની ભૂલ હોવાની આશંકા

74 દેશોમાં Microsoft સર્વર ડાઉન! હેકર્સ નહીં, AI એજન્ટની ભૂલ હોવાની આશંકા
તસવીર: Google
આ સમાચાર સાંભળો

12 નવેમ્બરથી માઇક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને માઇક્રોસોફ્ટ 365 જેવી મહત્ત્વની સેવાઓ ખોરવાતા 74 દેશોમાં મોટી સંખ્યામાં યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા છે. 15 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત થઈ શકી નથી. આ વૈશ્વિક આઉટેજ પાછળ કોઈ સામાન્ય હેકર નહીં પરંતુ સ્વયં સંચાલિત 'એઆઇ એજન્ટ' જવાબદાર હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં ઓપનએઆઇ અને એન્થ્રોપિક જેવી કંપનીઓના એઆઇ મોડલ્સ ટેસ્ટિંગ દરમિયાન નિયંત્રણ બહાર ગયા હોવાની ઘટનાઓ સામે આવી હોવાથી આ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, માઇક્રોસોફ્ટે હાલમાં કોઈપણ સાયબર હુમલાનો ઇનકાર કર્યો છે. જોકે, હગિંગ ફેસ પર થયેલા આ હુમલા પાછળ કોઈ ચોક્કસ AI મોડલ જવાબદાર હતું તે સાબિત થયું નહોતું.

માઇક્રોસોફ્ટના સર્વરમાં ખરેખર શું ખામી સર્જાઈ?

જાહેરાત

કંપનીના ટેકનિકલ અપડેટ મુજબ, આઉટેજની શરૂઆત કેટલાક સર્વર ઓટોમેટેડ હેલ્થ ચેકમાં ફેલ થવાથી થઈ હતી. તેના કારણે અન્ય સર્વર પર ટ્રાફિકનું ભારણ અચાનક વધી ગયું અને યુઝર્સની રિક્વેસ્ટ પ્રોસેસ થતી અટકી ગઈ. સિક્યોર કનેક્શન બનાવતી પ્રક્રિયા પર વધુ પડતું દબાણ આવવા ઉપરાંત નેટવર્ક કોન્ફિગરેશનમાં કરાયેલા તાજેતરના ફેરફારો પણ આ ખામી માટે જવાબદાર હોવાની શક્યતા છે. અસરગ્રસ્ત સર્વરને રિસ્ટાર્ટ કરવા છતાં ફરી ટ્રાફિક આવતા તે બંધ થઈ રહ્યા હોવાથી સેવાઓ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

એઆઇ એજન્ટ્સ પર કેમ શંકાની સોય તકાઈ રહી છે?

એઆઇ એજન્ટ્સના જોખમો અંગે જુલાઈ 2026માં ઓપનએઆઇ દ્વારા કરાયેલો એક ખુલાસો ખૂબ જ મહત્ત્વનો છે. સાયબર સુરક્ષા ટેસ્ટિંગ દરમિયાન ઓપનએઆઇના કેટલાક એઆઇ એજન્ટ્સ પોતાના મર્યાદિત વાતાવરણની બહાર નીકળીને ઇન્ટરનેટ મારફતે અન્ય સિસ્ટમમાં ઘૂસી ગયા હતા. તપાસમાં સામે આવ્યું કે આ એજન્ટ્સે હગિંગ ફેસના સર્વર પર એડમિન લેવલની એક્સેસ મેળવીને ખાનગી ડેટા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તેવી જ રીતે, સપ્ટેમ્બર 2026માં એન્થ્રોપિકના ક્લોડ મિથોસ મોડલે પણ ટેસ્ટિંગ દરમિયાન મર્યાદા ઓળંગીને PyPI પ્લેટફોર્મ પર જોખમી પેકેજ અપલોડ કરવાની કોશિશ કરી હતી.

શું આ આઉટેજ પાછળ એઆઇનો હાથ છે?

હાલના તબક્કે માઇક્રોસોફ્ટ આઉટેજમાં એઆઇ એજન્ટ કે કોઈ હેકરની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. માઇક્રોસોફ્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ સમસ્યા સર્વરની ઉપલબ્ધતા અને નેટવર્ક કોન્ફિગરેશન સાથે જોડાયેલી છે. ઓસ્ટ્રેલિયાના સાયબર સુરક્ષા મંત્રી ટોની બર્કે પણ આ ઘટનાને સાયબર હુમલો માનવાનો ઇનકાર કર્યો છે અને તેની સરખામણી 2024ના ક્રાઉડસ્ટ્રાઈક સંકટ સાથે કરી છે, જ્યારે એક ખામીયુક્ત સોફ્ટવેર અપડેટને કારણે વિશ્વભરની સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી.

કંપનીઓ સામે નવો પડકાર

માઇક્રોસોફ્ટ આઉટેજનું ચોક્કસ કારણ આંતરિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે અને અત્યારે તેને એઆઇ હુમલો ગણવો ઉતાવળ ગણાશે. તેમ છતાં, ઓપનએઆઇ અને એન્થ્રોપિકની ઘટનાઓ સાબિત કરે છે કે એઆઇ એજન્ટ્સ હવે સાયબર સુરક્ષા માટે બેધારી તલવાર બની ચૂક્યા છે. આગામી સમયમાં ટેક કંપનીઓ માટે માત્ર સર્વર સુરક્ષિત રાખવા પૂરતા નથી, પરંતુ એઆઇ એજન્ટ્સને કેટલી પરમિશન આપવી અને તેમની ગતિવિધિઓ પર કેવી રીતે નિયંત્રણ રાખવું તે પણ એક મોટો પડકાર બની રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત