મોંઘવારીનો માર સહન ન થયો! યુરોપના 3 દેશોમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

મોંઘવારીનો માર સહન ન થયો! યુરોપના 3 દેશોમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

યુરોપના અનેક દેશોમાં મોંઘવારી, શિક્ષણ અને રહેણાંકની વધતી સમસ્યાઓ સામે યુવાનોનો આક્રોશ રસ્તા પર જોવા મળી રહ્યો છે. ફ્રાન્સમાં સતત ત્રીજા વીકએન્ડે મોટા પાયે દેખાવો થયા, જ્યારે જર્મની અને પોર્ટુગલમાં પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા. યુવાનોની આગેવાનીમાં યોજાયેલા આ દેખાવોએ યુરોપની સરકારોનું ધ્યાન ખેંચ્યું છે.

ફ્રાન્સમાં સતત ત્રીજા સપ્તાહે વિરોધ પ્રદર્શન

ફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણના મુદ્દે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પ્રેરણાથી શનિવારે દેશભરમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પેરિસ સહિત અનેક શહેરોમાં દેખાવો યોજાયા હતા. શરૂઆતમાં પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યાં હતાં. હેલોવીનના રંગબેરંગી વેશભૂષામાં આવેલા દેખાવકારોને કારણે વાતાવરણ પણ હળવું જોવા મળ્યું હતું.

જાહેરાત

જોકે, પેરિસ અને અન્ય શહેરોમાં પ્રદર્શનના અંતિમ તબક્કામાં સ્થિતિ તંગ બની હતી. કેટલાક સ્થળોએ પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા, જ્યારે નાના જૂથો દ્વારા આગચંપી કરવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

70 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત

ફ્રાન્સના ગૃહમંત્રી લોરેંટ નુનેઝે હેલોવીનની રાત્રે હિંસા અને અશાંતિ ફેલાવાની આશંકા વ્યક્ત કરી હતી. આને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં અંદાજે 70,000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

ફ્રાન્સ સરકારના અંદાજ પ્રમાણે શનિવારના દેખાવોમાં દેશભરમાં લગભગ 3.20 લાખ લોકોએ ભાગ લીધો હતો. અગાઉના બે વિરોધ પ્રદર્શનોની સરખામણીમાં આ સંખ્યા ઓછી હતી, પરંતુ તેમ છતાં દેખાવકારોની સંખ્યા નોંધપાત્ર રહી હતી.

સરકારી આંકડા અનુસાર, 17 ઓક્ટોબરના રોજ યોજાયેલા દેખાવોમાં 5.50 લાખ લોકો જોડાયા હતા, જ્યારે 24 ઓક્ટોબરે 4.10 લાખ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

જર્મનીમાં 30થી વધુ શહેરોમાં યુવાનોની રેલી

ફ્રાન્સની સાથે જ જર્મનીમાં પણ યુવાનોનો વિરોધ જોવા મળ્યો હતો. 'Gen Z Rebellion' એટલે કે 'જેન ઝેડ સંભાળી લેશે' નામના સંગઠન સાથે જોડાયેલા યુવાનોએ 30થી વધુ શહેરોમાં રેલીઓનું આયોજન કર્યું હતું.

આ દેખાવકારોએ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સંરક્ષણ અને જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવાની માંગ કરી હતી. આ ઉપરાંત સૈન્ય ભરતી ફરીથી લાગુ કરવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, દેશભરમાં હજારો યુવાનોએ આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. જોકે, સત્તાવાર આંકડા તાત્કાલિક જાહેર કરવામાં આવ્યા નહોતા.

પોર્ટુગલમાં મકાનના ભાડા મુદ્દે રસ્તા પર ઉતર્યા લોકો

પોર્ટુગલમાં પણ રહેણાંકની વધતી સમસ્યાને લઈને હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને લિસ્બન અને પોર્ટો શહેરોમાં દેખાવો દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

લોકો સરકારના ભાડા સંબંધિત કાયદાનો વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોનું માનવું છે કે આ કાયદાને કારણે પહેલેથી જ ગંભીર બનેલી રહેણાંક સમસ્યા વધુ વકરશે અને સામાન્ય લોકો માટે ઘર ભાડે મેળવવું મુશ્કેલ બનશે.

યુરોપના અલગ-અલગ દેશોમાં એકસાથે ઊભા થયેલા આ વિરોધ પ્રદર્શનો દર્શાવે છે કે મોંઘવારી, શિક્ષણ, રોજગાર અને રહેણાંક જેવા મુદ્દાઓ યુવા પેઢી માટે મોટી ચિંતાનો વિષય બની રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત