મોંઘવારીનો વધુ એક ઝટકો; વડોદરા ગેસે CNG-PNGના ભાવમાં કર્યો વધારો, નવી કિંમત આવતીકાલથી અમલી

દિવાળીના તહેવાર વચ્ચે વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNG અને ઘરેલુ PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આવતીકાલે સવારથી અમલી બનશે. ભાવવધારાને પગલે વાહનચાલકોની સાથે ઘરેલુ ગેસનો ઉપયોગ કરતા પરિવારોના માસિક બજેટ પર પણ વધારાનું ભારણ પડશે.
CNG-PNGના ભાવમાં વધારો
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹1.50નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ CNGનો ભાવ ₹89 પ્રતિ કિલો હતો, જે વધારીને હવે ₹90.50 કરવામાં આવ્યો છે. બીજી તરફ, ઘરેલુ PNGના ભાવમાં પણ પ્રતિ યુનિટ 50 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ ઘરેલુ PNGનો ભાવ ₹55.74 હતો, જે વધીને હવે ₹56.24 થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થતાં ભાવવધારો
ગેસના ઇનપુટ ખર્ચમાં વધારો થતાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડવાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં સતત ઉછાળો આવતાં તેની અસર સ્થાનિક ગેસના ભાવ પર પડી છે.
દિવાળીના તહેવાર દરમિયાન જ CNG અને PNGના ભાવમાં વધારો થતાં સામાન્ય નાગરિકો પર મોંઘવારીનું ભારણ વધશે. ખાસ કરીને રોજિંદા વાહનવ્યવહાર માટે CNGનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રસોઈ માટે PNGનો ઉપયોગ કરતા પરિવારોના માસિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.












