મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: 'ગાયનું મૂત્ર પીવે છે ભારતીયો!' રબ્બીની જીભ લપસી કે જાણીજોઈને અપમાન કર્યું? વીડિયો વાયરલ

સોર્સ: gstv

“'ભગવાનનો આભાર કે અમને ભારતીયો જેવા ન બનાવ્યા!' હિન્દુઓની ગાય પૂજાની મજાક ઉડાવનાર રબ્બી સામે ભારે રોષ”

હિન્દુઓની ગાય પૂજા પર ટિપ્પણી કરી ઇઝરાયેલી-અમેરિકન રબ્બી વિવાદમાં! ભારતીય ડોક્ટરોની પણ ઉડાવી મજાક, ભારત-ઇઝરાયેલમાં ભારે રોષ

ઇઝરાયેલી-અમેરિકન રબ્બી યોસી મિઝરાચી (Yossi Mizrachi) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેમણે હિન્દુ ધર્મની ગાય પૂજાની પરંપરાની મજાક ઉડાવી છે. એટલું જ નહીં, તેમણે ભારતીયો અને ભારતીય ડોક્ટરો વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. આ વીડિયોને પગલે ભારત સહિત ઇઝરાયેલના અનેક લોકોએ પણ તેમની આકરી ટીકા કરી છે. લોકોએ તેમની ટિપ્પણીઓને જાતિવાદી (Racist) અને ધાર્મિક પરંપરાઓનું અપમાન ગણાવ્યું છે.

ગાય પૂજાની પરંપરા અંગે કરી વિવાદાસ્પદ ટિપ્પણી

વાયરલ વીડિયોમાં યોસી મિઝરાચી હિન્દુઓ ગાયની પૂજા કરે છે તે મુદ્દે કટાક્ષ કરતા જોવા મળે છે. તેમણે દાવો કર્યો કે ભારતમાં કેટલાક લોકો ગાયના મૂત્રનું સેવન કરે છે. તેમણે ભારતીય ડોક્ટરોને પણ આ ટિપ્પણીમાં ખેંચીને તેમની મજાક ઉડાવી હતી.

આ ઉપરાંત દિલ્હીના રસ્તા પર ગાયો બેસી રહેતી હોવાને કારણે ટ્રાફિક અટકે છે તેવી વાત કરીને પણ તેમણે કટાક્ષ કર્યો હતો. અંતમાં તેમણે ભગવાનનો આભાર માન્યો કે તેમને ભારતીયો જેવા બનાવ્યા નથી. તેમની આ ટિપ્પણીઓથી સોશિયલ મીડિયા પર ભારે નારાજગી ફેલાઈ છે.

ઇઝરાયેલના સંશોધકે પણ કરી ટીકા

ભારતમાં રહેતા ઇઝરાયેલી સંશોધક અને લેખક યેશાયા રોઝનમેને (Yeshaya Rosenman) રબ્બીની ટિપ્પણીઓની આકરી ટીકા કરી છે. તેમના મતે, મિઝરાચીની આવી વાતોથી ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન થઈ રહ્યું છે. તેમણે આ નુકસાનને ખૂબ વ્યાપક ગણાવ્યું હતું.

રોઝનમેને એવો પણ ઉલ્લેખ કર્યો કે મિઝરાચી અગાઉ અન્ય ધર્મોના લોકો, બીમાર વ્યક્તિઓ અને ઓટિઝમ ધરાવતા બાળકો અંગે પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે ભવિષ્યમાં મિઝરાચીના ઇઝરાયેલ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની આશા પણ વ્યક્ત કરી હતી.

પેલેસ્ટાઇનના રાજદૂતે પણ વ્યક્ત કર્યો વિરોધ

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા એમ. અબુ શાવેશે (Abdullah M Abu Shawesh) પણ સોશિયલ મીડિયા પર ધાર્મિક પરંપરાઓનું અપમાન કરનારાઓની ટીકા કરી હતી. જોકે, તેમણે પોતાની પોસ્ટમાં મિઝરાચીનું નામ લીધું નહોતું.

તેમણે લખ્યું કે કોઈપણ ધર્મ કે માન્યતાના લોકોની આસ્થા અને ધાર્મિક પરંપરાઓની મજાક ઉડાવવી માનવતાના પાયાને નુકસાન પહોંચાડે છે. જાતિવાદ અને નફરત ફેલાવવી સમગ્ર માનવજાત માટે જોખમી છે.

અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે

યોસી મિઝરાચી ઇઝરાયેલમાં જન્મેલા ઓર્થોડોક્સ યહૂદી ધર્મપ્રચારક છે અને અમેરિકામાં રહીને 'Divine Information' નામનું ઓનલાઇન ધાર્મિક પ્લેટફોર્મ ચલાવે છે. અગાઉ હોલોકોસ્ટમાં માર્યા ગયેલા યહૂદીઓની સંખ્યા અંગે ખોટો દાવો કરવા બદલ પણ તેમની ટીકા થઈ હતી. ઐતિહાસિક રીતે હોલોકોસ્ટમાં આશરે 60 લાખ યહૂદીઓની હત્યા થઈ હતી.

આ ઉપરાંત ઓટિઝમ અને ડાઉન સિન્ડ્રોમ અંગેની તેમની ટિપ્પણીઓનો પણ વિરોધ થયો હતો. વર્ષ 2016માં 16 ઓર્થોડોક્સ યહૂદી રબ્બીઓએ તેમની ઉપદેશ આપવાની પદ્ધતિ અને નિવેદનોની ટીકા કરી હતી. 2019માં બ્રિટનમાં તેમની પ્રસ્તાવિત ધાર્મિક સભાઓને લઈને પણ વિવાદ થયો હતો અને તેમની લંડન-માન્ચેસ્ટર મુલાકાત થઈ શકી નહોતી.

હાલમાં હિન્દુ ધર્મ અને ભારતીયો અંગેની તેમની ટિપ્પણીઓથી ફરી વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

 

આ સમાચાર શેર કરો