મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકાના ઓરેગનમાં હવામાં બે હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર, 3 લોકોનાં મોત

અમેરિકાના ઓરેગનમાં હવામાં બે હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર, 3 લોકોનાં મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના ઉત્તર-પશ્ચિમ રાજ્ય ઓરેગનમાં ગુરુવારે એક ગંભીર હવાઈ દુર્ઘટના સર્જાઈ હતી. પોર્ટલેન્ડથી આશરે 40 માઈલ દક્ષિણ-પશ્ચિમમાં આવેલા મૅકમિનવિલે મ્યુનિસિપલ એરપોર્ટ નજીક હવામાં બે હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે 2:15 વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

મૃતકોમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને સ્ટુડન્ટ પાયલટનો સમાવેશ

યમહિલ કાઉન્ટીના શેરીફ સેમ ઇલિયટે પ્રેસ કોન્ફરન્સમાં અકસ્માત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક હેલિકોપ્ટરમાં બે વ્યક્તિ સવાર હતાં. જેમાં ટેક્સાસના એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર અને યુનાઇટેડ કિંગડમના એક સ્ટુડન્ટ પાયલટનો સમાવેશ થાય છે. જ્યારે બીજા હેલિકોપ્ટરમાં ઓરેગનના ન્યૂબર્ગનો એક પાયલટ સવાર હતો. હવામાં થયેલી બંને હેલિકોપ્ટરની ટક્કરમાં ત્રણેયનાં મોત થયાં હતાં.

NTSB અને FAA દ્વારા તપાસ શરૂ

અકસ્મતનું ચોક્કસ કારણ જાણવા માટે અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના નેતૃત્વ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પણ જોડાયું છે. દરમિયાન, શેરીફ કાર્યાલયે સ્થાનિક લોકોને ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં જવાનું ટાળવા અપીલ કરી છે. સાથે જ બચાવ અને તપાસ કામગીરીમાં અડચણ ન સર્જાય તે માટે લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

ફ્લાઇટ ટ્રેનિંગ કંપનીનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

અકસ্মાતમાં સામેલ બે હેલિકોપ્ટરમાંથી એક 'જેરી ટ્રિમ્બલ હેલિકોપ્ટર્સ' કંપનીનું હોવાનું સામે આવ્યું છે. આ કંપની ફ્લાઇટ ટ્રેનિંગ સ્કૂલ ઉપરાંત ખાનગી હેલિકોપ્ટર ભાડે આપવાની સેવા પણ ચલાવે છે. કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને દુર્ઘટનામાં પોતાનું એક હેલિકોપ્ટર સામેલ હોવાની પુષ્ટિ કરી છે. સાથે જ કંપનીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. હાલ તપાસ એજન્સીઓ અકસ્માત પાછળનાં કારણો અને ઘટનાક્રમની તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો