મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ન અવાજ, ન ધુમાડો... અમેરિકાના આકાશમાં દેખાયું રહસ્યમય ‘બ્લેક ટ્રાયંગલ’! એલિયન કે માનવસર્જિત યાન?

ન અવાજ, ન ધુમાડો... અમેરિકાના આકાશમાં દેખાયું રહસ્યમય ‘બ્લેક ટ્રાયંગલ’! એલિયન કે માનવસર્જિત યાન?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના એક અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત વિસ્તારમાં આકાશમાં દેખાયેલી રહસ્યમય કાળી ત્રિકોણાકાર વસ્તુએ ફરી એકવાર UFO અને એલિયન (Alien) અંગેની ચર્ચાઓ તેજ કરી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન (Pentagon) સાથે જોડાયેલા દસ્તાવેજોમાં આ અજાણી ઉડતી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. બે વરિષ્ઠ સૈન્ય નિરીક્ષકોએ આ વસ્તુને આકાશમાં ઉડતી જોઈ હોવાનો દાવો કર્યો છે. તેની ઝડપ, આકાર અને શાંતિપૂર્ણ ઉડાનને કારણે આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

જોકે, આ ઘટનામાં એલિયન અથવા પરગ્રહવાસીઓની હાજરી હોવાનો કોઈ નક્કર પુરાવો સામે આવ્યો નથી. અહેવાલમાં રજૂ કરાયેલા દાવાઓ અને તેની સાથે જોડાયેલી તસવીરોની વિશ્વસનીયતા અંગે પણ સવાલો ઊભા થયા છે.

પેન્ટાગોનના દસ્તાવેજોમાં રહસ્યમય વસ્તુનો ઉલ્લેખ

અમેરિકામાં UFO (Unidentified Flying Object) અને UAP (Unidentified Anomalous Phenomena) સંબંધિત દસ્તાવેજો જાહેર થવાથી અનેક જૂના અને વણઉકેલાયેલા કિસ્સાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરના અહેવાલ અનુસાર, અમેરિકાના એક ગુપ્ત સ્થળની ઉપર કાળા ત્રિકોણ આકારની વસ્તુ જોવા મળી હતી.

આ વસ્તુ સામાન્ય સૈન્ય વિમાન જેવી ન હોવાનું નિરીક્ષકોએ જણાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, સુરક્ષાનાં કારણોસર ઘટનાનું ચોક્કસ સ્થળ જાહેર કરવામાં આવ્યું નથી.

2,900 કિમી પ્રતિ કલાકની ઝડપનો દાવો

અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ રહસ્યમય વસ્તુની પહોળાઈ અંદાજે 9થી 15 ફૂટ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. તેનો આકાર ડેલ્ટા-વિંગ ડ્રોન (Delta-wing Drone) જેવો હોવાનું કહેવાય છે.

સૌથી આશ્ચર્યજનક દાવો તેની ઝડપ અંગે છે. સૈન્ય નિરીક્ષકોના અંદાજ પ્રમાણે, આ વસ્તુ લગભગ 1,800 માઇલ પ્રતિ કલાક એટલે કે આશરે 2,900 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી રહી હતી. આટલી ઝડપ હોવા છતાં તેમાંથી કોઈ સ્પષ્ટ અવાજ સંભળાયો ન હતો કે ધુમાડો કે એક્ઝોસ્ટ (Exhaust) દેખાયો ન હતો, એવો અહેવાલમાં ઉલ્લેખ છે. ત્યારબાદ આ વસ્તુ અચાનક નજરથી ઓઝલ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

તસવીરોની વિશ્વસનીયતા પર સવાલ

આ કેસમાં સૌથી મહત્ત્વનો મુદ્દો તેની તસવીરોને લઈને છે. અહેવાલ અનુસાર, દસ્તાવેજોમાં એક જ પ્રકારની પૃષ્ઠભૂમિ પર કાળા ત્રિકોણ દર્શાવતી નવ તસવીરો સામેલ હતી. પરંતુ આ તસવીરો અસલી ફોટોગ્રાફ કે વિડિયો ફૂટેજ હોવાને બદલે સંપાદિત ગ્રાફિક જેવી દેખાતી હોવાની ટીકા કરવામાં આવી છે.

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સાથે સંકળાયેલા UFO ઇતિહાસના નિષ્ણાત ગ્રેગ એઘિગિયને પણ તસવીરોની વિશ્વસનીયતા અંગે સવાલ ઉઠાવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આથી, માત્ર આવી તસવીરોના આધારે રહસ્યમય વસ્તુની વાસ્તવિક ઓળખ નક્કી કરવી શક્ય નથી.

એલિયન અંગેની ચર્ચાઓ ફરી તેજ

વર્ષ 2023માં અમેરિકી કોંગ્રેસમાં એક ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીએ UFO અને સંભવિત પરગ્રહવાસીઓ અંગે અનેક દાવા કર્યા હતા. ત્યારથી અમેરિકામાં ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાની અને અજાણી ઉડતી વસ્તુઓની તપાસ કરવાની માંગ વધી છે.

તેમ છતાં, બ્લેક ટ્રાયંગલની આ ઘટના એલિયન યાન હોવાનો પુરાવો નથી. તેની ઓળખ, વાસ્તવિક ઝડપ અને ઉડાનની વિગતોની સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે. અહેવાલ મુજબ, જાહેર કરાયેલા દસ્તાવેજોમાં 25થી ઓછા લખાણ આધારિત રેકોર્ડ હતા અને કોઈ મૂળ વિડિયો કે સ્પષ્ટ ફોટોગ્રાફ ઉપલબ્ધ નહોતો.

આથી, આ ઘટના રહસ્ય અને જિજ્ઞાસા જરૂર ઊભી કરે છે, પરંતુ તેના વિશેના દાવાઓને વૈજ્ઞાનિક પુરાવા અને સત્તાવાર પુષ્ટિ મળે ત્યાં સુધી સાવચેતીથી જોવાની જરૂર છે.

આ સમાચાર શેર કરો