નેપાળમાં ફરી પૂરનો ખતરો! ભોટેકોશી નદીના તેજ પ્રવાહનો અવાજ, NDRRMAએ લોકોને એલર્ટ કર્યા

નેપાળમાં થોડા દિવસ પહેલાં આવેલા વિનાશક પૂર (Flood) બાદ હજુ પણ રાહત અને બચાવ કામગીરી (Relief and Rescue Operation) ચાલી રહી છે. આ દરમિયાન હવે ફરી એકવાર ભારે પૂરનો ખતરો ઊભો થયો છે. નેપાળની ભોટેકોશી (Bhotekoshi) નદીમાં પાણીના તેજ પ્રવાહનો અવાજ સંભળાતા વહીવટી તંત્રએ નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.
નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને એલર્ટ (Alert) કર્યા છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે રસુવા (Rasuwa) જિલ્લા વહીવટી કચેરીને ભોટેકોશી નદીમાં પૂરનો પ્રવાહ ઝડપથી વધતો હોવાની માહિતી મળી છે. તેથી રસુવા ઉપરાંત નુવાકોટ (Nuwakot) અને ધાડિંગ (Dhading) જિલ્લાના નદી આસપાસના વિસ્તારોમાં લોકોને ખાસ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે.
ફરી આવી શકે છે પાણી અને કાટમાળનો મોટો પ્રવાહ
થોડા દિવસ પહેલાં તિબેટના પર્વતીય વિસ્તારમાં બરફ અને ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડ્યા બાદ અચાનક પાણીનો પ્રવાહ નીચેના વિસ્તારો તરફ ધસી આવ્યો હતો. પાણી સાથે મોટા પ્રમાણમાં માટી, પથ્થરો અને કાટમાળ (Debris) વહી આવતા અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ હતી.
હવે તિબેટના પર્વતીય વિસ્તારમાં ફરી આવા સંજોગો સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી અને કાટમાળનો મોટો પ્રવાહ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભોટેકોશી નદીનું જળસ્તર વધ્યું
30 ઓગસ્ટની સવારે NDRRMAએ વધુ એક અપડેટ (Update) આપતા જણાવ્યું કે રસુવામાં ભોટેકોશી નદીનો પૂરનો પ્રવાહ વધુ વધ્યો છે. આ કારણે રસુવા, નુવાકોટ, ધાડિંગ અને ચિતવન (Chitwan) સહિત નદી કિનારાના વિસ્તારોમાં સર્ચ, રેસ્ક્યૂ અને રાહત કામગીરીમાં જોડાયેલા લોકોને પણ અત્યંત સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
275થી વધુ ભારતીયો હજુ લાપતા
આ વિનાશક પૂર બાદ 275થી વધુ ભારતીયો હજુ લાપતા હોવાનું વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જણાવાયું છે, જ્યારે 108 ભારતીયોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના 128 લોકો પણ લાપતા હોવાનું જણાવાયું છે.
બીજી તરફ, ભારતે નેપાળમાં રાહત કામગીરી માટે મદદ વધારી છે. ભારતીય વાયુસેનાના C-130J મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા 11 ટન રાહત સામગ્રીની ચોથી खेપ મોકલવામાં આવી છે. તેમાં સર્ચ-રેસ્ક્યૂ સાધનો, ટેક્નિકલ ટીમ અને મૃતકોની ઓળખ માટે ફોરેન્સિક નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે.
ભારત અત્યાર સુધી નેપાળને કુલ 68.5 ટન રાહત સામગ્રી મોકલી ચૂક્યું છે. ભારે વરસાદ અને પૂરનો ખતરો હજુ યથાવત હોવાથી નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર હાઈ એલર્ટ (High Alert) પર છે.

