VIDEO: નેપાળમાં હાહાકાર મચાવનાર ગ્લેશિયર તૂટવાની ઘટનાનો ભયાનક વીડિયો
ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ નેપાળમાં જે આફત સર્જાઈ છે તેનાથી દુનિયાભરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીનના શિજાંગ સ્વાયત્ત ક્ષેત્રની ગ્યિરોંગ કાઉન્ટીમાં એક પ્રવાસીના કેમેરામાં કેદ થયેલા વીડિયોએ સૌને ચોંકાવી દીધા. આ વીડિયોમાં નેપાળ-ચીન સરહદે આવેલા વિનાશકારી ફ્લેશ ફ્લડ ના ભયાનક દૃશ્યો સૌની સામે આવ્યા છે. ચીનની સાયન્સ એકેડમીના પર્વતીય જોખમો તથા પર્યાવરણ સંસ્થાના ડિરેક્ટર કાંગ શિચાંગે પુષ્ટી કરી હતી કે વીડિયોમાં જે જગ્યા દેખાઈ રહી છે તેને જ રિમોટ સેન્સિંગ તસવીરોમાં આફતનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવ્યું હતું. ચીનના નિષ્ણાતો અને અહેવાલો અનુસાર 26 ઓગસ્ટે નેપાળની સરહદ નજીક પર્વતીય ટોચ પર ગ્લેશિયર અને ખડકો એકસાથે ધસી પડતાં ભયાનક હોનારત સર્જાઈ હતી. ગ્લેશિયર તૂટવાની આ ઘટના લગભગ 5 હજાર 140 મીટરની ઊંચાઇ પર બની હતી જેનાથી 6 લાખ 20 હજાર ચો.મી. વિસ્તાર પ્રભાવિત થયો હતો. બરફ, ખડકો અને કાટમાળનો ધસમસતો પ્રવાહ 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે લગભગ 20 કિ.મી. નીચે ધસી આવ્યો હતો. 3300 મીટરની ઊંચાઈથી ધસમસતા પ્રવાહને નીચે પહોંચવામાં ફક્ત 7 મિનિટનો સમય લાગ્યો હતો.

