VIDEO: નેપાળમાં પૂર વચ્ચે ચમત્કાર! 3 દિવસ સુધી કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકી જીવતી મળી
નેપાળમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ (Flash Flood) વચ્ચે એક ચમત્કારિક રેસ્ક્યૂ (Rescue) સામે આવ્યું છે. રસુવા (Rasuwa) જિલ્લામાં 6 વર્ષની એક બાળકી ત્રણ દિવસ સુધી માટી અને કાટમાળ નીચે દટાયેલી રહી હોવા છતાં જીવતી મળી આવી છે. આ ઘટનાએ ભયાનક કુદરતી આપત્તિ વચ્ચે લોકોને આશાની એક કિરણ આપી છે.
મળતી માહિતી મુજબ, નેપાળના તિમુરે (Timure) વિસ્તારમાં ભોટે કોશી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. પૂરના પાણી સાથે માટી, પથ્થરો, બરફ અને કાટમાળનો મોટો પ્રવાહ આવ્યો હતો. અનેક મકાનો, રસ્તાઓ, પુલો અને વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે.
કાટમાળમાંથી બાળકીના રડવાનો અવાજ સંભળાયો
શુક્રવારે આર્મ્ડ પોલીસ ફોર્સ (Armed Police Force)ની એક ટીમ તિમુરે વિસ્તારમાં ગુમ થયેલા અને ફસાયેલા લોકોને શોધી રહી હતી. તે દરમિયાન રેસ્ક્યૂ ટીમને કાટમાળ નીચેથી એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો.
ટીમે તાત્કાલિક માટી અને કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. ભારે મહેનત બાદ પોલીસકર્મીઓએ 6 વર્ષની બાળકીને જીવતી બહાર કાઢી હતી. ત્યારબાદ તેને તિમુરે સ્થિત બોર્ડર આઉટપોસ્ટ (Border Outpost) પર લઈ જવામાં આવી હતી.
તબિયત બગડતાં કાઠમંડુ ખસેડાઈ
બાળકીની સ્થિતિ ધીમે ધીમે બગડતી હોવાથી તેને કાઠમંડુ (Kathmandu) લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, શુક્રવારે અંધારું અને ખરાબ હવામાનને કારણે એરલિફ્ટ (Airlift) શક્ય બની નહોતી. અંતે શનિવારે બપોરે તેને હવાઈ માર્ગે કાઠમંડુ પહોંચાડવામાં આવી અને હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
વિનાશ વચ્ચે આશાનું કિરણ
નેપાળમાં આવેલા આ વિનાશક પૂર અને ગ્લેશિયર તૂટી પડવાની ઘટના બાદ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા છે, જ્યારે હજારો લોકો હજુ ગુમ છે. અનેક પરિવારો પોતાના સ્વજનોની શોધમાં છે.
આ સ્થિતિ વચ્ચે ત્રણ દિવસ સુધી કાટમાળ નીચે રહીને 6 વર્ષની બાળકીનું જીવતી મળવું ખરેખર ચમત્કારથી ઓછું નથી. રેસ્ક્યૂ ટીમોના પ્રયાસોથી એક નિર્દોષ જીવન બચી શક્યું છે.
નેપાળમાં હાલ મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન (Search and Rescue Operation) ચાલી રહ્યું છે. ભારત અને ચીનની વિશેષ ટીમો પણ નેપાળને બચાવ કામગીરી, ટેક્નિકલ સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી રહી છે.

