'રશિયાને ઉશ્કેરતા નિવેદનો ટાળો, બોલવામાં સંયમ રાખો', યુરોપિયન સહયોગીઓને અમેરિકાની સલાહ; સિક્રેટ મેસેજ લીક

અમેરિકાએ NATOમાં સામેલ પોતાના કેટલાક યુરોપિયન સહયોગી દેશોને રશિયા વિરુદ્ધની નિવેદનબાજી ઓછી કરવાની સલાહ આપી છે. પેન્ટાગોનના અધિકારીઓએ લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા સહિતના દેશોને રશિયાના જોખમ અંગે જાહેરમાં બોલતી વખતે સંયમ રાખવા જણાવ્યું છે. આ મામલાથી પરિચિત ચાર લોકોના જણાવ્યા અનુસાર, અમેરિકી અધિકારીઓનું માનવું છે કે યુરોપિયન નેતાઓનાં કેટલાંક નિવેદનો યુરોપની સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય નથી.
દ્વિપક્ષીય બેઠકોમાં અપાયો સંદેશ
આ સંદેશ અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો દરમિયાન આપવામાં આવ્યો હતો. જોકે, બાલ્ટિક દેશો સિવાય અન્ય કઈ યુરોપિયન સરકારોને આ સલાહ આપવામાં આવી છે તે સ્પષ્ટ થયું નથી. પેન્ટાગોનના નીતિ પ્રમુખ એલ્બ્રિજ કોલ્બી પણ આ સંદેશ આપનારા અમેરિકી અધિકારીઓમાં સામેલ હતા. તેઓ યુરોપમાં અમેરિકી સૈનિકોની તહેનાતીની સમીક્ષા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
'રશિયાને ઉશ્કેરતાં નિવેદનો ન આપો'
અહેવાલ મુજબ, એલ્બ્રિજ કોલ્બીએ તાજેતરમાં બાલ્ટિક દેશના એક અધિકારીને રશિયાને ઉશ્કેરે તેવાં નિવેદનો ન આપવાની સલાહ આપી હતી. આ દરમિયાન તેમણે યુરોપિયન નેતાઓનાં કેટલાંક નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા ઘેરાઈ ગયું છે અને હતાશામાં પગલાં લઈ રહ્યું છે. એસ્ટોનિયાના વડાપ્રધાન ક્રિસ્ટન મિહાલે સપ્ટેમ્બરના અંતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરખામણી ખૂણામાં ફસાયેલા ઉંદર સાથે કરી હતી. અમેરિકી અધિકારીઓએ એસ્ટોનિયાના એક પ્રતિનિધિમંડળને પણ જાહેર નિવેદનોમાં સંતુલન જાળવવા જણાવ્યું હતું. એક યુરોપિયન અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકાના સંદેશનો ભાવાર્થ એવો હતો કે અમેરિકા યુરોપની મદદ કરી રહ્યું છે, પરંતુ સહયોગી દેશોએ આ મુદ્દે વધારે હોબાળો ન કરવો જોઈએ.
યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાની બદલાતી રણનીતિ?
અમેરિકાની આ સલાહ એવા સમયે આવી છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે વાતચીતના પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોમાં રશિયા પરના પ્રતિબંધોમાં રાહત આપવા જેવા પ્રસ્તાવો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ યુક્રેન પર રશિયાના ઊર્જા સંબંધિત ઠેકાણાઓ પર હુમલા રોકવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. NATOમાં રશિયાના જોખમ અંગે જાહેરમાં કેવી રીતે વાત કરવી તે મુદ્દે મતભેદો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક અધિકારીઓનું માનવું છે કે રશિયા અંગે સતત ચેતવણીઓ આપવાથી મોસ્કોને ભયનું વાતાવરણ ઊભું કરવાની તક મળી શકે છે. જ્યારે અન્ય અધિકારીઓનું કહેવું છે કે યુરોપની જનતાને સંભવિત જોખમોથી માહિતગાર રાખવી જરૂરી છે, જેથી તેઓ સુરક્ષા માટે જરૂરી ખર્ચ અને પ્રયાસોને સમજી શકે.
યુરોપમાં શંકાસ્પદ ઘટનાઓથી ચિંતા
આ દરમિયાન યુરોપમાં શંકાસ્પદ તોડફોડની ઘટનાઓને લઈને પણ ચિંતા વધી રહી છે. જર્મનીમાં તાજેતરમાં બે બેલારુસિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર મહત્વપૂર્ણ સ્થળોએ આગ લગાવવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ ઉપરાંત, જર્મનીએ સપ્ટેમ્બરમાં લીપઝિગ/હાલે એરપોર્ટ પર ડ્રોન હુમલાના પ્રયાસ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે, મોસ્કોએ આ આરોપોને ફગાવી દીધા છે.









