મુખ્ય સામગ્રી પર જાઓ

અમેરિકાની આંખોમાં ધૂળ નાખી ઈરાનનો ખેલ! 5,000 ગુપ્ત એજન્સીઓથી ઊભું કર્યું અબજોનું હથિયાર સામ્રાજ્ય

અમેરિકાની આંખોમાં ધૂળ નાખી ઈરાનનો ખેલ! 5,000 ગુપ્ત એજન્સીઓથી ઊભું કર્યું અબજોનું હથિયાર સામ્રાજ્ય
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકા અને પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો છતાં ઈરાન પોતાની મિસાઈલ અને ડ્રોનની તાકાત વધારવામાં સફળ થઈ રહ્યું હોવાનો મોટો ખુલાસો થયો છે. રોયટર્સ (Reuters)ની તપાસમાં સામે આવ્યું છે કે ઈરાને 5,000થી વધુ ગુપ્ત એજન્સીઓનું વિશાળ નેટવર્ક ઊભું કર્યું છે. આ નેટવર્ક દ્વારા જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2 અબજ ડોલરના લશ્કરી સાધનો, વિસ્ફોટકો અને ભારે ટ્રકોની આયાત કરવામાં આવી હોવાનો દાવો છે. આ સમગ્ર વ્યવસ્થા અમેરિકાના પ્રતિબંધો અને નૌકાદળની નાકાબંધી વચ્ચે પણ કાર્યરત રહી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

5,000થી વધુ એજન્સીઓનું ગુપ્ત નેટવર્ક

રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાનની આ એજન્સીઓના નામની શરૂઆત 'MOD' અથવા ફારસી ભાષામાં 'VODJA'થી થાય છે. દરેક એજન્સીના નામ પાછળ પાંચ કે છ આંકડાનો નંબર હોય છે. આ તમામ એજન્સીઓનું સરનામું તેહરાનમાં આવેલા ઈરાનના સંરક્ષણ મંત્રાલયનું દર્શાવવામાં આવ્યું છે.

આ એજન્સીઓના દસ્તાવેજોમાં સ્થાપનાની તારીખ 11 ફેબ્રુઆરી, 1979 દર્શાવવામાં આવી છે. જોકે, કંપનીના રેકોર્ડ મુજબ મોટાભાગની એજન્સીઓ વાસ્તવમાં 2013માં બનાવવામાં આવી હતી. આ સમયગાળામાં ઈરાનના તેલ નિકાસ અને ચલણ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની અસર વધી રહી હતી.

તપાસમાં આ નેટવર્કના સંબંધો ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને ઈરાનના શક્તિશાળી આર્થિક સંગઠનો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

પ્રતિબંધોથી બચવા શેલ કંપનીઓનો ઉપયોગ

ઈરાન આ નેટવર્ક મારફતે વિદેશી કંપનીઓ અને મધ્યસ્થીઓનો ઉપયોગ કરીને લશ્કરી સામાન ખરીદતું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ગેરકાયદે તેલ વેચાણમાંથી મળતી આવકનો ઉપયોગ મિસાઈલ અને ડ્રોનના ભંડારને ફરી ભરવા માટે થતો હોવાનો દાવો છે.

રોયટર્સે તપાસેલા 97 ટકા માલસામાનના વ્યવહારોમાં સીધી ચલણની લેવડદેવડ કરવામાં આવી નહોતી. એટલે કે, આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવસ્થામાં નાણાંની હેરફેર કર્યા વિના જ વ્યવહારો પૂર્ણ કરવામાં આવતા હતા. આ પદ્ધતિથી પ્રતિબંધો હેઠળ આવવાની શક્યતા ઘટાડવામાં આવતી હતી.

ચીન, રશિયા અને જર્મનીથી આવતો હતો સામાન

આ નેટવર્ક દ્વારા રોકેટ ઇંધણ માટેના રસાયણો, વિસ્ફોટકો, મિસાઈલના ભાગો અને ભારે લોન્ચર ખરીદવામાં આવતા હતા. આ સામાન ચીન, રશિયા અને જર્મની જેવા દેશોમાંથી મેળવવામાં આવ્યો હોવાનો અહેવાલ છે.

નેટવર્કની એક એજન્સી MOD 346428 સૌથી મોટી ખરીદદાર તરીકે સામે આવી છે. જાન્યુઆરી 2025થી જૂન 2026 દરમિયાન તેણે 2.3 અબજ ડોલરના લશ્કરી સામાનની આયાત કરી હોવાનું તપાસમાં નોંધાયું છે.

વિસ્ફોટક દુર્ઘટના સાથે પણ જોડાણ

એપ્રિલ 2025માં ઈરાનના શહીદ રાજાઈ બંદરે થયેલા ભયાનક વિસ્ફોટ અંગે પણ તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે. રોયટર્સે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ચીનથી આવેલી સોડિયમ પરક્લોરેટ (Sodium Perchlorate) નામની સામગ્રી બંદર પરના કન્ટેનરમાં સળગી ઊઠતાં વિસ્ફોટ થયો હતો. આ રસાયણનો ઉપયોગ સોલિડ રોકેટ ફ્યુઅલ બનાવવા માટે થઈ શકે છે.

આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયાં હતાં અને 1,200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મિસાઈલ લોન્ચર તરીકે ઉપયોગી ટ્રકોની પણ ખરીદી

તપાસમાં જાણવા મળ્યું કે MOD 346428 એજન્સીએ 435 Iveco ટ્રકોની આયાત કરી હતી. આ પ્રકારની ટ્રકોનો ઉપયોગ સૈન્ય દ્વારા મોબાઇલ મિસાઈલ લોન્ચર તરીકે થઈ શકે છે. આ ઉપરાંત હજારો Toyota Hilux અને Land Cruiser પિકઅપ પણ ખરીદવામાં આવી હતી. ઈરાનની IRGC આ વાહનોમાં ફેરફાર કરીને તેના પર ભારે મશીનગન લગાવતી હોવાનો દાવો છે.

Iveco કંપનીએ જણાવ્યું કે ઈરાનમાં તેના વાહનોની હાજરી તેના નિયંત્રણની બહાર છે, જ્યારે Toyotaએ ઈરાનમાં કોઈ વેપાર કરતી ન હોવાનું કહ્યું છે.

યુદ્ધ દરમિયાન પણ ચાલુ રહી આયાત

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ યુદ્ધ શરૂ થયું હોવા છતાં ઈરાનમાં સામાનની ડિલિવરી ચાલુ રહી હતી. યુદ્ધ પહેલાં ચીનથી 93 ટન ટાઇટેનિયમની આયાત થઈ હતી. આ ઉપરાંત રોકેટ ઇંધણ અને વિસ્ફોટકોમાં ઉપયોગી નાઇટ્રોસેલ્યુલોઝ સહિતના રસાયણો પણ પહોંચાડવામાં આવ્યા હતા.

માર્ચમાં આયાત ઘટીને 5.4 કરોડ ડોલર થઈ હતી, પરંતુ મે મહિનામાં ફરી વધીને 7.7 કરોડ ડોલર થઈ ગઈ હતી. રશિયાથી 76 લાખ ડોલરના ડિટોનેટર પણ પાંચ શિપમેન્ટમાં પહોંચ્યા હતા.

અમેરિકાએ શું કહ્યું?

રોયટર્સની તપાસ પર અમેરિકાના નાણાં મંત્રાલયની પ્રવક્તાએ દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની આર્થિક આવકના મુખ્ય સ્ત્રોતોને કાપી નાખ્યા છે. જોકે, અમેરિકાના ભૂતપૂર્વ પ્રતિબંધ અધિકારી મિયાદ મલેકીએ આ નેટવર્કને ઈરાનની સૈન્ય વ્યવસ્થાની જીવનરેખા ગણાવ્યું હતું.

ચીને આ મામલે અજાણ હોવાનો દાવો કર્યો છે અને પોતાના દેશને પ્રાદેશિક સંઘર્ષ સાથે જોડવાના પ્રયાસોનો વિરોધ કર્યો છે. ઈરાન તરફથી અહેવાલ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ ખુલાસો દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે પણ ઈરાનનું લશ્કરી સપ્લાય નેટવર્ક કેટલું જટિલ હોઈ શકે છે. જોકે, તપાસમાં દર્શાવાયેલી કેટલીક સામગ્રીનો નાગરિક હેતુઓ માટે પણ ઉપયોગ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો