પ્રાચીન દંતકથાઓને પ્રેમકથામાં બદલનાર એન કાર્સનને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર!

સાહિત્યની દુનિયામાં જ્યારે કોઈ સર્જક કવિતા, ગદ્ય અને ઇતિહાસની સીમાઓ ભૂંસી નાખે છે, ત્યારે એક નવી જ સાહિત્યિક પરંપરાનો જન્મ થાય છે. પ્રાચીન ગ્રીક પૌરાણિક કથાઓને આધુનિક સમયના પ્રેમના રંગે રંગનાર કેનેડિયન કવિયત્રી અને લેખિકા ‘એન કાર્સન’ને સાહિત્યના સૌથી મોટા સન્માન, 2026ના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
નોબેલ પુરસ્કારની જાહેરાત
8 ઑક્ટોબરના રોજ સ્વીડિશ એકેડેમીએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે એન કાર્સન(Anne Carson)ના નામની જાહેરાત કરી. સમિતિના જણાવ્યા અનુસાર, કાર્સનને આ પુરસ્કાર તેમના સાહસિક અને સંશોધનાત્મક કાર્ય માટે આપવામાં આવ્યો છે, જેણે શાસ્ત્રીય પરંપરાઓ સાથે રમતિયાળ સંવાદ સાધીને સમકાલીન સાહિત્ય માટે એક નવું સ્વરૂપ અને પરિમાણ ઊભું કર્યું છે.
પ્રારંભિક જીવન અને શૈક્ષણિક સફર
એન કાર્સનનો જન્મ 1950માં કેનેડાના ટોરોન્ટો શહેરમાં થયો હતો. પ્રાચીન ગ્રીક સાહિત્ય પ્રત્યે ઊંડો રસ ધરાવતા તેમણે ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી ક્લાસિક્સમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. 1981માં તેમણે ક્લાસિક્સ જર્નલમાં પોતાનો ડોક્ટરલ થીસીસ ‘ઓડી એટ એમો એર્ગો સમ’ (Odi et Amo Ergo Sum) પ્રકાશિત કર્યો હતો.
પોતાની કારકિર્દી દરમિયાન તેમણે કવિ, નિબંધકાર, અનુવાદક અને વિદ્વાન તરીકેની ભૂમિકાઓ ભજવી અને વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષણ પણ આપ્યું.
સાહિત્યિક શૈલી અને સીમાચિહ્નરૂપ રચનાઓ
કાર્સનને ક્યારેય પરંપરાગત સાહિત્યિક સીમાઓમાં બાંધવામાં રસ ન હતો. તેમના મતે કવિતા એક નિબંધ બની શકે છે અને પ્રાચીન દંતકથા સમકાલીન પ્રેમકથા બની શકે છે.
ઓટોબાયોગ્રાફી ઑફ રેડ (1998): આ પુસ્તક તેમની સૌથી મહાન અને જાણીતી કૃતિ માનવામાં આવે છે. આ એક શ્લોકબદ્ધ નવલકથા(Novel in Verse) છે. પ્રાચીન ગ્રીક પાત્ર 'ગેરિઓન' (લાલ પાંખોવાળો રાક્ષસ) અને 'હેરાકલ્સ'ની વાર્તા પર આધારિત આ પૌરાણિક કથાને કાર્સને કિશોરવયના એક સંવેદનશીલ છોકરાની તીવ્ર પ્રેમકથામાં અદ્ભુત રીતે પરિવર્તિત કરી છે. આ પુસ્તક દર્શાવે છે કે તેઓ પ્રાચીન સામગ્રીને કેવી રીતે આધુનિક બનાવી શકે છે.
ગ્લાસ, આયર્ન, એન્ડ ગોડ (1995): આ કવિતાઓનો સંગ્રહ છે. એમાં છપાયેલી એક લાંબી કવિતા ‘ધ ગ્લાસ એસેઝ’ (જે નિબંધના સ્વરૂપમાં લખાયેલી છે) વાચકો અને વિવેચકોને સૌથી વધુ ગમી છે. તેમણે 'ઇલેક્ટ્રા' અને 'સેફો' ના ટુકડાઓનો અનુવાદ કરીને પોતાની શાસ્ત્રીય વિદ્વતાને સીધી જ પોતાના સર્જનાત્મક લેખનમાં ઉતારી છે.
શબ્દો પ્રત્યેનો લગાવ અને કલા સમન્વય
નોબેલ સમિતિએ તેમના કાર્યની વિશેષ નોંધ લેતા કહ્યું છે કે, કાર્સનનું લગભગ તમામ સાહિત્યિક કાર્ય એક ભાષાશાસ્ત્રીના શબ્દો પ્રત્યેના જુસ્સા અને કવિના નવા અર્થો શોધવાના પ્રયાસના સંયોજન પર કેન્દ્રિત છે. તેઓ હંમેશા શબ્દોની વ્યુત્પત્તિ(Etymology)ને પોતાના કાર્યનું પ્રારંભિક બિંદુ માને છે. લેખિકા તરીકે તેઓ હંમેશા લેખનની નવી શક્યતાઓનો હળવાશથી અભ્યાસ કરે છે. તેઓ માત્ર સાહિત્ય પૂરતા સીમિત નથી રહ્યા. કલાકારો, કોરિયોગ્રાફરો તેમજ ઓપેરા અને થિયેટર દિગ્દર્શકો સાથેના તેમના સહયોગે સાબિત કર્યું છે કે તેઓ સાહિત્યિક નિયમો અને અપેક્ષાઓથી કેટલા સ્વતંત્ર છે. આ જ કારણ છે કે 1990ના દાયકાથી આંતરરાષ્ટ્રીય કલાત્મક અને સાહિત્યિક મંચ પર તેમના કાર્યને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
એન કાર્સનને મળેલો નોબેલ પુરસ્કાર એ માત્ર કવિતાને જ નહીં, પરંતુ એક એવી સાહિત્યિક વિચારધારાને મળેલી માન્યતા છે, જે દાયકાઓથી સાબિત કરી રહી છે કે જ્યારે સાહિત્ય વિવિધ શૈલીઓ વચ્ચેની દીવાલો તોડે છે ત્યારે સર્જન કેટલું અદ્ભુત બની શકે છે.

