અમેરિકામાં બે ફાયરિંગની ઘટના: ઓહાયોમાં બેબી શાવર પાર્ટીમાં 3નાં મોત, કેલિફોર્નિયાના કોન્સર્ટમાં 9 લોકોને ગોળી વાગી

અમેરિકામાં વીકએન્ડ દરમિયાન બે અલગ-અલગ ફાયરિંગની ઘટના: ઓહાયોમાં બેબી શાવર પાર્ટીમાં 3નાં મોત, કેલિફોર્નિયાના કોન્સર્ટમાં 9 લોકોને ગોળી વાગી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકામાં વીકએન્ડ દરમિયાન ફાયરિંગની બે અલગ-અલગ ઘટનાઓથી ખળભળાટ મચી ગયો છે. ઓહાયો રાજ્યમાં બેબી શાવર પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ છે. બીજી તરફ, કેલિફોર્નિયાના એક કોન્સર્ટમાં થયેલા ગોળીબારમાં નવ લોકોને ગોળી વાગી હતી. બંને ઘટનાઓ શનિવારે સાંજે બની હતી. સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

ઓહાયોમાં બેબી શાવર પાર્ટી દરમિયાન ફાયરિંગ, 3નાં મોત

ઓહાયોના ક્લીવલેન્ડ નજીક આવેલા પરમા શહેરમાં પાન્ડોરાઝ મેજિકલ ઇવેન્ટ્સ વેન્યૂ (Pandora’s Magical Events Venue) ખાતે શનિવારે બેબી શાવર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કથિત પારિવારિક વિવાદ બાદ અચાનક ગોળીબાર શરૂ થયો હતો. ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા હતા અને એક મહિલા ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગના સંબંધમાં 29 વર્ષીય એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જોકે તેની સામે તાત્કાલિક કોઈ આરોપ નોંધવામાં આવ્યો નથી. પોલીસ તપાસ કરી રહી છે કે તે વ્યક્તિએ પહેલાં ગોળીબાર કર્યો હતો કે પછી સ્વબચાવમાં કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં 19 વર્ષીય એક શંકાસ્પદ શૂટરનું પણ મોત થયું છે. મૃતકોમાં 17 વર્ષીય લેસિયા ઇંગ્લેન્ડ અને 45 વર્ષીય જેસન ટાઉનસેન્ડનો સમાવેશ થાય છે. જેસન ટાઉનસેન્ડ બેબી શાવર જે યુવતી માટે યોજવામાં આવી રહ્યો હતો તેના પિતા હતા. યુવતી આ ઘટનામાં સુરક્ષિત રહી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, મૃત્યુ પામેલો 19 વર્ષીય યુવક યુવતીના ગર્ભમાં રહેલા બાળકનો પિતા હતો અને તેને બેબી શાવર પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જ્યારે કસ્ટડીમાં લેવાયેલો 29 વર્ષીય યુવક યુવતીનો સંબંધી હોવાનું માનવામાં આવે છે. જોકે, ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ જાણવા પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓનાં નિવેદનો તપાસી રહી છે.

જાહેરાત

કેલિફોર્નિયાના કોન્સર્ટમાં નવ લોકોને ગોળી વાગી

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના તુલારે કાઉન્ટીના સ્ટ્રેથમોર શહેરમાં શનિવારે સાંજે બીજી ફાયરિંગની ઘટના બની હતી. આશરે 150 લોકોની હાજરીમાં યોજાયેલા એક કોન્સર્ટ દરમિયાન અજાણ્યા શખસોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં નવ લોકો ઘાયલ થયા હતા. શેરિફ વિભાગના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે 7:30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. ઘાયલોમાં 26 વર્ષીય યુવકની છાતીમાં ગોળી વાગતાં તેની સર્જરી કરવી પડી હતી. તેની હાલત ગંભીર (Critical Condition) હોવાનું જણાવાયું છે. અન્ય બે ઘાયલ યુવકો, જેમની ઉંમર 19 અને 22 વર્ષ છે, તેમને પણ સર્જરીની જરૂર પડી હતી. બાકીના છ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

ગેંગવોરની આશંકા, આરોપીઓની શોધખોળ શરૂ

શેરિફ વિભાગે પ્રાથમિક તપાસના આધારે આ ફાયરિંગ ગેંગ સાથે સંકળાયેલું હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. જોકે, આ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદ આરોપીઓની ધરપકડ અંગે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં જાહેર જનતા માટે કોઈ તાત્કાલિક જોખમ નથી. બંને ઘટનાઓમાં ફાયરિંગ પાછળનાં કારણો અને સંડોવાયેલા લોકોની ભૂમિકા જાણવા અમેરિકાની પોલીસ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત