ચૂંટણીમાં 50 ગણો વધુ ખર્ચ જોઈ હું ચોંક્યો..., અમેરિકામાં રાહુલ ગાંધીનો કટાક્ષ

Video: રાહુલ ગાંધી નિર્દોષ જાહેર; અમિત શાહ માનહાનિ કેસમાં સુલતાનપુર કોર્ટમાંથી મોટી રાહત મળી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા ભારતની આર્થિક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, ભારત હાલ એક મોટી આર્થિક આપત્તિના આરે ઊભું છે. આ ઉપરાંત, તેમણે દેશમાં વધી રહેલી બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'સીધી વાત એ છે કે ભારત આર્થિક આપત્તિની કગાર પર છે, પછી ભલે તમે તેને નજરઅંદાજ કરો. દેશમાં બેરોજગારીની એક બહુ મોટી સમસ્યા છે અને અહીંની શિક્ષણ વ્યવસ્થામાં પણ ઘણી મુશ્કેલીઓ રહેલી છે.'

જાહેરાત

ભારતમાં યુવાનોને નોકરી નથી મળી રહી: રાહુલ ગાંધી

પોતાના 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દેશના યુવાનોને રોજગારી મળી રહી નથી. તેમણે જણાવ્યું હતું કે, 'આ કાર્યક્રમમાં મારી સામે 50થી 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને તે તમામ લોકોને એક જ ચિંતા સતાવી રહી હતી કે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમનું ભવિષ્ય શું હશે અને તેઓ આગળ શું કરશે. વિદ્યાર્થીઓની આવી વાતો સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું હતું, કારણ કે વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા હતા કે હવે અમે શું કરીએ અને અહીંથી ક્યાં જઈએ?'

ચૂંટણી ખર્ચ અને પરિણામો પર ઉઠાવ્યા સવાલ

આ સંવાદ દરમિયાન કોંગ્રેસ નેતાએ ચૂંટણી પ્રચારમાં થતા ખર્ચ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, 'ચૂંટણી પ્રચારમાં અગાઉની સરખામણીએ 20થી 50 ગણા વધુ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે અને આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે તે સમજાતું નથી. ઘણી મોટી અને રસાકસીભરી બેઠકો પર અચાનક 5 લાખ મતોના તફાવતથી જીત મળી છે, જે મને શક્ય લાગતું નથી.'

ચૂંટણીમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, 'છેલ્લા 5 વર્ષ સુધી સમગ્ર વિપક્ષ આ સ્થિતિને જોઈને આશ્ચર્યમાં હતો અને પરિસ્થિતિ સમજવામાં સમય લાગ્યો હતો.' આગામી કાર્યક્રમ અંગે મળતી માહિતી મુજબ, બુધવારે રાહુલ ગાંધી શિકાગો યુનિવર્સિટીમાં ભૂ-રાજકીય સ્થિતિ અને ઈરાન સંઘર્ષ વચ્ચે ભારતની વિદેશ નીતિ સામે આવનારા પડકારો પર વાત કરવાના છે. આ ઉપરાંત, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સભ્યો સાથે પણ તેમની એક બેઠક યોજાવાની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત