ઇઝરાયેલની ચૂંટણીમાં મત ખરીદીનો વિવાદ: શું નેતન્યાહૂના કાર્યાલયમાંથી જ ઘડાયા હતા આરોપો?

ઇઝરાયેલના રાજકારણમાં ચૂંટણી બાદ એક એવો વિવાદ સામે આવ્યો છે, જેણે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની મુશ્કેલીઓ વધારી દીધી છે. જે ચૂંટણીમાં આરબ પક્ષો પર મત ખરીદવા અને ચૂંટણીમાં ગેરરીતિ આચરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા, હવે એ જ મામલે સવાલો ઊઠી રહ્યા છે કે શું આ આરોપોની કહાની નેતન્યાહૂના પોતાના કાર્યાલયમાંથી જ તૈયાર કરવામાં આવી હતી? જો તપાસમાં આ આરોપો સાચા સાબિત થાય, તો આ માત્ર ચૂંટણીલક્ષી રાજકારણનો મામલો નહીં રહે, પરંતુ ઇઝરાયેલના લોકતંત્ર અને સરકારી સંસ્થાઓની નિષ્પક્ષતા પર પણ ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.
આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો, જ્યારે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે વડાપ્રધાન કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ ચૂંટણીના થોડા સમય પહેલાં પોલીસને આરબ પક્ષના કાર્યકરો વિરુદ્ધ માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે દરોડા પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જોકે, થોડા જ દિવસોમાં ત્રણેયને કોઈ પણ આરોપ વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા. હવે તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું પોલીસને જાણીજોઈને એવી માહિતી આપવામાં આવી હતી, જેના આધારે ચૂંટણીનાં પરિણામો પર સવાલો ઊભા કરી શકાય.
ચૂંટણી પહેલાં મત ખરીદવાનો આરોપ
ઇઝરાયેલમાં 27 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી ચૂંટણીમાં આરબ સમુદાયની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો હતો. મોટી સંખ્યામાં આરબ મતદારોએ મતદાન કરતાં આરબ પક્ષોને પણ સારી સફળતા મળી હતી. આના કારણે નેતન્યાહૂના રાજકીય વિરોધીઓની સરકાર બનાવવાની શક્યતાઓ મજબૂત થતી દેખાઈ રહી હતી. આ દરમિયાન નેતન્યાહૂની પાર્ટી અને તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે આરબ પક્ષોએ મતદારોને પૈસા આપીને તેમના મત મેળવ્યા છે. ખાસ કરીને રાઅમ (Ra’am) પાર્ટીના કાર્યકરો પર મત ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી
ચૂંટણીના દિવસે પોલીસે દક્ષિણ ઇઝરાયેલના બેદુઇન વિસ્તારમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો હતો કે તેમના ઘરમાંથી હજારો શેકેલની રોકડ રકમ ધરાવતા પરબીડિયાં મળી આવ્યાં હતાં. જોકે, ધરપકડ કરાયેલા લોકોએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેમનું કહેવું હતું કે આ નાણાં સામાજિક અને ધાર્મિક કાર્યો માટે રાખવામાં આવ્યાં હતાં.
આ સમગ્ર મામલે નેતન્યાહૂના ચીફ ઑફ સ્ટાફ ઇડો નોર્ડેનની ભૂમિકા પણ તપાસના ઘેરામાં આવી છે. ઇઝરાયેલની ન્યૂઝ ચેનલ 12ના તપાસલક્ષી કાર્યક્રમ ‘ઉવદા’ના અહેવાલ અનુસાર, ચૂંટણીના એક દિવસ પહેલાં નોર્ડેને પોલીસના વરિષ્ઠ અધિકારીઓને કથિત મત ખરીદી અંગેની માહિતી આપી હતી.
PM કાર્યાલયના અધિકારીની ભૂમિકા પર સવાલો
આ સમગ્ર ઘટનામાં નેતન્યાહૂના ચીફ ઑફ સ્ટાફ ઇડો નોર્ડેનની ભૂમિકા તપાસ હેઠળ છે. ઇઝરાયેલની મીડિયા ચેનલ 12ના તપાસલક્ષી કાર્યક્રમ ‘ઉવદા’ના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નોર્ડેને પોલીસને એક એવી વ્યક્તિ વિશે માહિતી આપી હતી, જે આ મામલે વધુ વિગતો આપી શકે તેમ હતી. અહેવાલ અનુસાર, આ વ્યક્તિ અગાઉ વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરી ચૂકી હતી.
ત્રણેય શંકાસ્પદોને મુક્ત કરી દેવાયા
ત્યારબાદ ચૂંટણીના દિવસે સવારે પોલીસે ત્રણેય શંકાસ્પદોના ઘરે દરોડા પાડ્યા હતા. જોકે, પોલીસની આ કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા છે. ધરપકડ કરાયેલા ત્રણેય લોકોને બાદમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને તેમની સામે કોઈ સત્તાવાર આરોપ દાખલ કરવામાં આવ્યો નહોતો.
રાહત શહેરના રહેવાસી સાયફ અબુ રિયાશના ઘરની તલાશી દરમિયાન પોલીસને કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. અદાલતમાં પોલીસે સ્વીકાર્યું હતું કે તેના ઘરની તપાસ વોરંટ વિના કરવામાં આવી હતી. અદાલતે છ દિવસ બાદ તેને કોઈ પણ શરત વિના મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. અન્ય બે લોકોને પણ થોડા દિવસો બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.









