અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક કાર્યવાહી, 4 વર્ષમાં 1,389 ભારતીય બાળકોને અટકાયતમાં લીધા

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક કાર્યવાહી, 4 વર્ષમાં 1,389 ભારતીય બાળકોને અટકાયતમાં લીધા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ ચાલી રહેલા કડક અભિયાનની સીધી અસર હવે જોવા મળી રહી છે. અમેરિકન નાણાકીય વર્ષ 2023થી અત્યાર સુધીમાં કોઈ પણ વાલી વગર એકલા અમેરિકા પહોંચેલા કુલ 1389 ભારતીય બાળકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જોકે, આ તમામ બાળકોને હજુ સુધી ભારત પરત નથી મોકલવામાં આવ્યા. બીજી તરફ, પ્રવાસીઓ સામેની સતત કડક કાર્યવાહીના કારણે હવે અમેરિકામાં એકલા પકડાતા ભારતીય બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

આંકડાઓમાં જોવા મળ્યો મોટો ઘટાડો

અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના તાજેતરના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2023માં એકલા આવેલા 730 ભારતીય બાળકો મળ્યા હતા. ત્યારબાદ કડકાઈ વધતા વર્ષ 2024માં આ સંખ્યા ઘટીને 517, વર્ષ 2025માં 91 અને વર્ષ 2026માં માત્ર 51 રહી ગઈ છે. આ ઉપરાંત, અમેરિકન નાણાકીય વર્ષ 2027ના પ્રથમ મહિના એટલે કે ઓક્ટોબર 2026માં આવા માત્ર બે જ ભારતીય બાળકો મળી આવ્યા છે, જે ઘણો મોટો ઘટાડો દર્શાવે છે.

જાહેરાત

'ગ્રીન કાર્ડ' અપાવવાના ખોટા ચલણ પર લાગી લગામ

ભારતીય બાળકોની સંખ્યામાં થયેલો આ ઘટાડો વિશ્વના અન્ય દેશોમાંથી આવતા એકલા બાળકોના વલણ સાથે પણ મેળ ખાય છે. અમેરિકન અધિકારીઓએ વર્ષ 2024માં કુલ 1.1 લાખ એકલા બાળકો નોંધ્યા હતા, જે વર્ષ 2025માં ઘટીને 29,584 અને વર્ષ 2026માં 9190 રહી ગયા છે. ઓક્ટોબર 2026માં વિવિધ દેશોના કુલ 722 બાળકો વાલી વગર મળી આવ્યા હતા.

ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, નિયમોના કડક પાલન અને પકડાયેલા લોકોને ઝડપથી પરત મોકલી દેવાની નીતિને કારણે આ ઘટાડો થયો છે. અગાઉ માતા-પિતા કે સંબંધીઓને અમેરિકામાં કાયદેસરનો દરજ્જો અપાવવા માટે સગીર બાળકોનો 'ગ્રીન કાર્ડ બ્રિંગર્સ' તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ હવે તરત જ ડિપોર્ટ થવાના ડરથી આ ચલણ બંધ થઈ રહ્યું છે.

ડિપોર્ટ થવાના ડરથી કોર્ટની સુનાવણી ટાળી રહ્યા છે યુવાનો

બદલાયેલી પરિસ્થિતિની ગંભીર અસર ત્યાં રહેતા યુવાનો પર પણ પડી રહી છે. વર્ષ 2012માં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતના કડીના એક વેપારીએ જણાવ્યું કે તેમનો 17 વર્ષીય દીકરો, જે 12 વર્ષની ઉંમરથી ટેક્સાસમાં રહે છે, તે હવે શરણ (અસાઇલમ) સંબંધિત કોર્ટની સુનાવણીમાં જતા પણ ડરી રહ્યો છે. તેને ભય છે કે જો તે કોર્ટમાં જશે તો તેને પકડીને ભારત પરત મોકલી દેવામાં આવશે. હાલ આ કિશોર છુપાઈને એક ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યો છે અને એક ધાર્મિક સંપ્રદાયના સભ્યો સાથે રહીને દિવસો પસાર કરી રહ્યો છે.

ગેરકાયદે પ્રવેશના પ્રયાસમાં ભારતીયો હજુ પણ ત્રીજા સ્થાને

એક તરફ એકલા બાળકોના આવવાની સંખ્યા ઘટી છે, પરંતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરનારા ટોચના દેશોના નાગરિકોમાં ભારતીયો હજુ પણ સામેલ છે. નાણાકીય વર્ષ 2026માં અમેરિકન અધિકારીઓએ ભારતીય નાગરિકો સાથે જોડાયેલા કુલ 30,528 મામલા નોંધ્યા છે. આ આંકડા સાથે મેક્સિકો અને કેનેડા બાદ 21 દેશોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત