લાહોર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર, AQI 538 પર પહોંચતા ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ

લાહોર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર, AQI 538 પર પહોંચતા ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. 22 નવેમ્બર 2026ની સવારે લાહોરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 500ને પાર કરી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી (Hazardous) શ્રેણીમાં આવે છે. આ પ્રદૂષણ માત્ર લાહોર પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંત સહિતના અનેક શહેરોમાં ઝેરી ધુમ્મસ (Smog) ની ચાદર છવાયેલી છે.

લાહોરમાં AQI 538, ટોપ-10 માં 8 શહેર પંજાબ પ્રાંતના

જાહેરાત

સવારે 9 થી 10 વાગ્યા વચ્ચે સૌથી ખરાબ સ્થિતિ: સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ પ્લેટફોર્મ 'IQAir' મુજબ, રવિવારે સવારે 9:00 થી 10:00 વાગ્યા દરમિયાન લાહોરનો AQI 538 નોંધાયો હતો, જે વૈશ્વિક યાદીમાં પ્રથમ ક્રમે છે. 

કહના નૌ માં AQI 606: પાકિસ્તાનના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 8 શહેરો પંજાબ પ્રાંતના છે. લાહોર જિલ્લાના 'કહના નૌ' (Kahna Nau)માં દેશનું સૌથી ખરાબ 606 AQI નોંધાયું છે. ત્યારબાદ લાહોર (538), બહાવલપુર (536), સરગોધા (392) અને ગુજરાંવાલા (347) નો નંબર આવે છે. આ ઉપરાંત મુલતાન, ડેરા ગાઝી ખાન, સ્કાર્દુ, ફૈસલાબાદ અને પેશાવર પણ ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં સામેલ છે.

વહીવટીતંત્રની કાર્યવાહી અને ચોંકાવનારા વૈશ્વિક આંકડા

વાહનો અને ઈંટના ભઠ્ઠા સામે કાર્યવાહી: પ્રદૂષણ રોકવાના અભિયાનોની નિષ્ફળતા વચ્ચે લાહોર ટ્રાફિક પોલીસે ધુમાડો ઓકતા 14,653 વાહનો, ખુલ્લી રેતી-માટી લઈ જતા 10,306 વાહનો અને ઓવરલોડ 2,72,760 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી છે. બીજી તરફ, પર્યાવરણ વિભાગે 1 જાન્યુઆરીથી 18 નવેમ્બર સુધીમાં 84,370 ઈંટના ભઠ્ઠાઓની તપાસ કરીને 1,429 ભઠ્ઠા તોડી પાડ્યા, 968 સીલ કર્યા અને 1,248 FIR નોંધીને 10.145 કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

WHO ની મર્યાદા કરતા 14 ગણું વધુ પ્રદૂષણ: વૈશ્વિક આંકડા મુજબ વાયુ પ્રદૂષણથી વિશ્વમાં દર વર્ષે આશરે 81 લાખ લોકોના મોત થાય છે. 'વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર પાકિસ્તાનમાં PM2.5 નું સરેરાશ સ્તર 67.3 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયું છે, જે WHO ની 5 માઈક્રોગ્રામની વાર્ષિક મર્યાદા કરતા આશરે 14 ગણું વધારે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત