VIDEO: લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ અને પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની પિચને ICCએ સત્તાવાર રીતે અસંતોષજનક જાહેર કરી
સોર્સ : GSTV
ICCએ વિશ્વના બે ઐતિહાસિક ક્રિકેટ મેદાનો સામે આકરી કાર્યવાહી કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ક્રિકેટના મક્કા ગણાતા લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ અને પાકિસ્તાનના લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની પિચને ICCએ સત્તાવાર રીતે અસંતોષજનક જાહેર કરી છે. આ ખામીયુક્ત પિચો તૈયાર કરવા બદલ ICCની પિચ અને આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રક્રિયા અંતર્ગત બંને પ્રતિષ્ઠિત મેદાનોને એક-એક ડિમેરિટ પોઇન્ટ પણ ફટકારવામાં આવ્યો છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ તથા ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચની પિચનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ અને ગ્રેમ લા બ્રૂયે મેચ અધિકારીઓ તેમજ બંને ટીમોના કેપ્ટનો પાસેથી મળેલા ફીડબેકના આધારે પોતાનો નકારાત્મક અહેવાલ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ બાદ ICCએ તારણ કાઢ્યું હતું કે, બંને પિચ બેટ અને બોલ વચ્ચેની સંતુલિત તેમજ ન્યાયી સ્પર્ધા માટે તદ્દન અયોગ્ય હતી. તો બીજી તરફ લોર્ડ્સ ટેસ્ટમાં પિચના ખરાબ વર્તનને કારણે મેચના પ્રારંભિક બે દિવસમાં જ આશ્ચર્યજનક રીતે કુલ 33 વિકેટો પડી ગઈ હતી, જેમાં મોટાભાગના બેટ્સમેનો બોલ્ડ અથવા એલબીડબ્લ્યુ આઉટ થયા હતા. સમગ્ર ટેસ્ટ દરમિયાન પિચ પર અસાધારણ સીમ મૂવમેન્ટ જોવા મળી. આ ઉપરાંત બોલનો બાઉન્સ સતત અસમાન રહ્યો હતો અને ઘણી વખત બોલ અણધાર્યો નીચો રહ્યો હતો. આ પ્રકારની પિચ રમતની ગરિમા અને સંતુલનને બગાડે છે.

