પોલીસ કસ્ટડીમાંથી સુપ્રીમ કોર્ટના જજ બની ફોન કર્યો અને... ઠગ સુકેશ ચંદ્રશેખરને સર્વોચ્ચ અદાલતનો જોરદાર તમાચો!

સુપ્રીમ કોર્ટના જજ બનીને ન્યાયિક અધિકારી પર દબાણ લાવવા અને ધમકી આપવાના કેસમાં દોષિત ઠરેલા કથિત મહાઠગ સુકેશ ચંદ્રશેખરને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે સુકેશની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે પોતાની સજા અને દોષિત ઠેરવવાના ચુકાદા પર રોક લગાવવાની માંગ કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે દિલ્હી હાઇકોર્ટના આદેશમાં કોઈ ખામી નથી અને તેમાં દખલ કરવાની કોઈ જરૂર જણાતી નથી.
શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૧૭ના એક ભ્રષ્ટાચારના કેસ સાથે જોડાયેલો છે. આરોપ મુજબ, પોલીસ કસ્ટડીમાં હોવા છતાં સુકેશે એક કોન્સ્ટેબલનો મોબાઈલ ફોન મેળવી લીધો હતો. ત્યારબાદ તેણે પહેલાં સુપ્રીમ કોર્ટના એક જજના અંગત સચિવ (પીએસ) અને પછી પોતે જજ બનીને સંબંધિત ન્યાયિક અધિકારી સાથે વાતચીત કરી હતી. તેનો હેતુ પોતાના કેસમાં જામીન મેળવવા અને ન્યાયિક અધિકારી પર અયોગ્ય દબાણ લાવવાનો હતો. આ મામલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સુકેશને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૧૭૦ (સરકારી કર્મચારીનો સ્વાંગ રચવો), ૧૮૯ (સરકારી કર્મચારીને નુકસાન પહોંચાડવાની ધમકી) અને ૫૦૭ (ગુમનામ રહીને ગુનાહિત ધમકી આપવી) હેઠળ દોષિત ઠેરવીને સજા સંભળાવી હતી.
હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દલીલો
આ અગાઉ સેશન્સ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટે પણ તેની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુકેશના વકીલે દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે તેના ભૂતકાળના ૩૧ કેસોનો ઉલ્લેખ કરીને કડક ટિપ્પણીઓ કરી છે, જેનાથી અન્ય પેન્ડિંગ કેસોની સુનાવણી પર પૂર્વગ્રહયુક્ત અસર પડી શકે છે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલોને નકારી કાઢતાં હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. આ સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સુકેશ વિરુદ્ધ ચાલી રહેલા બાકીના તમામ કેસોની સુનાવણી તેના યોગ્ય પુરાવા, તથ્યો અને કાયદા મુજબ જ આગળ ધપાવવામાં આવે.








