મુખ્ય સામગ્રી પર જાઓ

ઊર્જા બજારને બાનમાં રાખવાનું ષડયંત્ર! તેલ-ગેસના ભાવ વધારવા હુમલાઓનો ખેલ: જયશંકર

ઊર્જા બજારને બાનમાં રાખવાનું ષડયંત્ર! તેલ-ગેસના ભાવ વધારવા હુમલાઓનો ખેલ: જયશંકર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

G20 બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમ એશિયા અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઊર્જા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. કહ્યું, વૈશ્વિક પડકારોનો ઉકેલ લશ્કરી કાર્યવાહી નહીં, પરંતુ કૂટનીતિ (Diplomacy)થી જ શક્ય છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) વૈશ્વિક ઊર્જા સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઊર્જા વેપાર (Energy Trade) અને ઊર્જા સંબંધિત માળખાકીય સુવિધાઓ (Energy Infrastructure) પર જાણીજોઈને કરવામાં આવતા હુમલા માત્ર યુદ્ધની રણનીતિ નથી, પરંતુ ઊર્જાના ભાવને પોતાના નિયંત્રણમાં રાખવાનો એક ગણતરીપૂર્વકનો પ્રયાસ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે જયશંકરનું આ નિવેદન મહત્ત્વનું માનવામાં આવે છે.

G20 બેઠકમાં જયશંકરે ઊર્જા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

શુક્રવારે અમેરિકાના એટલાન્ટા શહેરમાં યોજાયેલી G20 વિદેશ મંત્રીઓની બેઠક (G20 Foreign Ministers' Meeting)ના પ્રથમ પૂર્ણ સત્રમાં જયશંકર સામેલ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને બેઠકની વિગતો આપી હતી.

જયશંકરે કહ્યું કે દુનિયા અત્યારે ઊર્જા સંકટનો સામનો કરી રહી છે, પરંતુ આ સંકટ માત્ર ઉત્પાદનની અછતને કારણે નથી. અનિશ્ચિતતા (Unpredictability), પુરવઠામાં વિક્ષેપ (Supply Disruption), મોંઘા ભાવ અને ઊર્જા સુધી પહોંચવામાં આવતી મુશ્કેલીઓ પણ તેના મુખ્ય કારણો છે.

લશ્કરી કાર્યવાહી નહીં, કૂટનીતિથી ઉકેલ લાવવો જરૂરી

વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે લશ્કરી ઉકેલો (Military Solutions)થી સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવી શકતું નથી. આવા સંજોગોમાં કૂટનીતિને તક આપવી જરૂરી છે. તેમણે આતંકવાદના જોખમ અંગે પણ ચેતવણી આપી હતી. તેમના મતે, ટૂંકા ગાળાના વ્યૂહાત્મક હિતો (Tactical Calculations)ને કારણે આતંકવાદના જોખમને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.

ભારતીય નાવિકોની સુરક્ષા અને દરિયાઈ માર્ગોનો મુદ્દો

જયશંકરે દરિયામાં કામ કરતા નાવિકો પર થતા હુમલાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા (International Law) અને UNCLOSના માળખા હેઠળ દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા (Freedom of Navigation) જાળવવા તથા હુમલા બંધ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ભારતીય નાવિકો સહિત અનેક ભારતીયોના મોત થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.

LPG પુરવઠો ભારત માટે મહત્ત્વનો

જયશંકરે જણાવ્યું કે ભારતને સ્વચ્છ રસોઈની જરૂરિયાતો (Clean Cooking Needs) માટે LPGનો વિશ્વસનીય અને સતત પુરવઠો જરૂરી છે. તેમણે ઓછી આવક ધરાવતા દેશોની મુશ્કેલીઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું.

તેમણે G20 દેશોને ઊર્જા બજારો ખુલ્લાં અને સ્થિર રાખવા, નાણાકીય સહાય વધારવા તેમજ ઊર્જા સંગ્રહ (Energy Storage), સ્મોલ મોડ્યુલર રિએક્ટર (SMR), ગ્રીન હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો