Video: "સત્તામાં હતા ત્યારે મનમાની, વિપક્ષમાં પણ એ જ માનસિકતા!" રાહુલ ગાંધી પર ભડક્યા ભાજપ પ્રવક્તા

ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ભારત વૈશ્વિક મંચ પર સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે, જે વૈશ્વિક સ્તરે અમુક પરિબળોને પસંદ નથી આવી રહ્યું. આ પરિસ્થિતિમાં દેશ અને વિદેશના કેટલાક તત્ત્વો ભારતની પ્રગતિને અટકાવવા માટે ષડયંત્રો રચી રહ્યા હોવાનો તેમણે ગંભીર આરોપ મૂક્યો છે.
પત્રકારો સાથે વાતચીત કરતાં સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "હાલમાં ભારત વૈશ્વિક સ્તર પર અત્યંત પ્રભાવશાળી ઉપસ્થિતિ તરીકે ઉભરી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકી આપણે સૌથી ઝડપથી આગળ વધી રહેલો દેશ છીએ. સ્વાભાવિક છે અને વ્યાપકપણે સમજાય તેવી બાબત છે કે આ સ્થિતિ ઘણી વૈશ્વિક શક્તિઓને કદાચ પચી નથી રહી."
તેમણે ઉમેર્યું હતું કે, "આ કારણોસર, દેશની અંદર અને બહારના કેટલાક પરિબળો ભારતની સુવર્ણ તકો અને તેની અર્થવ્યવસ્થાની ગતિને અવરોધવા માટે વિવિધ ષડયંત્રો અને યોજનાઓ ઘડી રહ્યા છે."
કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વલણ સામે સવાલ ઉઠાવતાં ભાજપ સાંસદે જણાવ્યું કે, "આવા સંજોગોમાં દેશની મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ અને તેમના નેતા રાહુલ ગાંધીનું આચરણ લોકતંત્ર માટે ગંભીર અને ઊંડા પ્રશ્નો ઊભા કરે છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે પણ તેઓ પોતાની ઈચ્છા વિરુદ્ધનો કોઈપણ નિર્ણય—પછી ભલે તે રાજકીય હોય કે બંધારણીય—સહન કરી શકતા નહોતા. હવે જ્યારે તેઓ વિપક્ષમાં બેઠા છે, ત્યારે પણ તેમની એ જ જૂની માનસિકતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે."
તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતના વિકાસની રફતારને કોઈપણ ષડયંત્ર કે વિરોધી માનસિકતા રોકી શકશે નહીં અને દેશ પ્રગતિના પંથે અવિરત આગળ વધતો રહેશે.














