ચક્રવાતથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશનું ચંદ્રબાબુ નાયડુએ કર્યું હવાઈ સર્વેક્ષણ, નુકસાનનો અંદાજ ₹4,600 કરોડ પર પહોંચ્યો

આંધ્રપ્રદેશમાં ચક્રવાત ‘અર્નબ’ના કારણે ભારે તારાજી સર્જાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેતીના પાક, બાગાયતી વાવેતર, નાળિયેરીનાં વૃક્ષો અને મત્સ્યઉછેરનાં તળાવોને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં ચક્રવાત સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયાં છે. પ્રાથમિક અંદાજ મુજબ, ચક્રવાતને કારણે આશરે ₹4,600 કરોડનું નુકસાન થયું છે. જોકે, વિગતવાર સર્વેક્ષણ બાદ આ આંકડો વધી શકે છે.
મુખ્યમંત્રીનું હવાઈ સર્વેક્ષણ, ખેડૂતો સાથે કરી વાતચીત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી અને ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાનાં ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે નિમ્માકુરુ, પમારુ, બંતુમિલી, નરસાપુરમ, પાલકોલ્લુ, અમલાપુરમ અને કાત્રેનિકોના સહિતના વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અનેક સ્થળોએ ડાંગરનાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે, કેળાંનાં વાવેતરને નુકસાન થયું છે અને નાળિયેરીનાં વૃક્ષો ધરાશાયી થયાં છે. વેટલાપાલેમ ખાતે મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમનો ડાંગરનો પાક લગભગ 15 દિવસમાં કાપણી માટે તૈયાર થવાનો હતો, પરંતુ ચક્રવાતના કારણે પાકને ભારે નુકસાન થયું છે. આથી ઉપજમાં ઘટાડો થવાની આશંકા છે. મુખ્યમંત્રીએ પાક વીમા અને રાહત કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી.
30 ઑક્ટોબરે કેન્દ્રની ટીમ નુકસાનનું મૂલ્યાંકન કરશે
મુખ્યમંત્રી નાયડુએ મુમ્મિદિવરમ મતવિસ્તારના ગાચકાયલાપોરા ગામમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચક્રવાતથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ ₹4,600 કરોડ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વિગતવાર તપાસ બાદ નુકસાનનો અંતિમ આંકડો નક્કી કરવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે 30 ઑક્ટોબરે કેન્દ્ર સરકારની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનું મૂલ્યાંકન કરશે. નાયડુએ જણાવ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરીને રાજ્યની સ્થિતિ અંગે માહિતી આપી છે અને કેન્દ્ર સરકારને પ્રાથમિક નુકસાનનો અહેવાલ પણ સોંપ્યો છે.
ખેડૂતોને વળતર, નાળિયેરી અને ઓઇલ પામ માટે પણ સહાય
રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારો માટે રાહતનાં પગલાં જાહેર કર્યાં છે.
-
ખેતી અને બાગાયતી પાક: નુકસાનનું મૂલ્યાંકન થયા બાદ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધું વળતર જમા કરાવવામાં આવશે.
-
નાળિયેરી અને ઓઇલ પામનાં વૃક્ષો: નુકસાન પામેલા દરેક વૃક્ષ માટે ₹1,500ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
-
રાહત શિબિરોમાંથી પરત ફરતા પરિવારો: તેમને 25 કિલો ચોખા, આવશ્યક ચીજવસ્તુઓનું પેકેટ અને નાણાકીય સહાય આપવામાં આવશે.
-
વીજળી અને ટેલિકોમ સેવા: ખોરવાયેલી સેવાઓ પુનઃસ્થાપિત કરવા તથા ધરાશાયી વૃક્ષો દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે પાકના નુકસાનનું ઝડપથી મૂલ્યાંકન કરીને પાત્ર ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.
કોનસીમામાં 8,000 વીજ થાંભલા ધરાશાયી
ચક્રવાતના કારણે કોનસીમા જિલ્લામાં વીજ માળખાને મોટું નુકસાન થયું છે. અહીં આશરે 8,000 વીજ થાંભલા ધરાશાયી થયા છે. વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે આંધ્રપ્રદેશ સરકારે તેલંગાણા પાસેથી 1,000 કર્મચારીઓની મદદ માગી છે. જરૂરિયાત મુજબ કર્ણાટક અને તમિલનાડુ પાસેથી પણ વધારાની મદદ લેવામાં આવી શકે છે. સરકાર સિંચાઈનાં માળખાંને સુરક્ષિત રાખવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી તથા સંચાર સેવાઓ ફરી શરૂ કરવા માટે પ્રયાસ કરી રહી છે.
સાવચેતીનાં પગલાં છતાં સાતનાં મોત
મુખ્યમંત્રી નાયડુએ જણાવ્યું હતું કે અગાઉના ચક્રવાતોના અનુભવમાંથી બોધપાઠ લઈને સરકારે આ વખતે જાનમાલનું નુકસાન ઓછું થાય તે માટે આગોતરાં પગલાં લીધાં હતાં. તેમ છતાં, ચક્રવાત સંબંધિત ઘટનાઓમાં સાત લોકોનાં મોત થયાં છે. તેમણે કહ્યું કે શ્રીકાકુલમથી કૃષ્ણા જિલ્લા સુધીના વિસ્તારોની સ્થિતિ પર અધિકારીઓ સતત નજર રાખી રહ્યા હતા. નાયડુએ એમ પણ જણાવ્યું કે રાજ્યની આર્થિક મર્યાદાઓ વચ્ચે ચક્રવાતથી સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડી રહી છે. હાલમાં રાજ્ય સરકારનું ધ્યાન અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા, ખેડૂતોને વળતર આપવા અને વીજળી તથા સંચાર સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા પર કેન્દ્રિત છે.














