iPhone 18 Pro Maxમાં નેટવર્ક ગાયબ થવાની ગંભીર ખામી; Appleએ અસરગ્રસ્ત ગ્રાહકોને ફોન રિપ્લેસ કરાવવા કરી અપીલ

Apple એ AT&T નેટવર્કનો ઉપયોગ કરતા કેટલાક ગ્રાહકોને તાજેતરમાં ખરીદેલા પોતાના iPhone 18 Pro Maxને રીપ્લેસ કરાવવાની અપીલ કરી છે. એક ગંભીર સોફ્ટવેર/નેટવર્ક બગના કારણે અસરગ્રસ્ત યુઝર્સના ફોનમાંથી સેલ્યુલર સર્વિસ સંપૂર્ણપણે ગાયબ થઈ રહી છે, જેના લીધે ફોન પરથી કોલ કરવા, મોબાઈલ ડેટા વાપરવો કે સામાન્ય ટેક્સ્ટ મેસેજ મોકલવાનું અશક્ય બની ગયું છે. વાઈ-ફાઈ કનેક્શન વગર આ પ્રીમિયમ ફોન વ્યવહારિક રીતે બિનઉપયોગી બની ગયા છે.
Appleએ ખામી સ્વીકારી, iOS 27.0.1 અપડેટ જારી કર્યું
આ વિશે વાત કરતા Appleના પ્રવક્તાએ આ સમસ્યાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે:
"અમે AT&T નેટવર્ક પર iPhone 18 Pro Max યુઝર્સના એક નાના વર્ગને અસર કરતી સમસ્યા શોધી કાઢી છે, જેના કારણે ડિવાઇસ નેટવર્ક સર્વિસ ગુમાવી દે છે અને કૉલ કરવામાં અસમર્થ બને છે."
આ સમસ્યાને વધુ ફેલાતી અટકાવવા માટે કંપનીએ કેરીયર સેટિંગ્સ અપડેટ અને ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન iOS 27.0.1 રિલીઝ કરી દીધું છે.
આ સમસ્યાનો ઉકેલ શું છે?
કેરીયર સેટિંગ્સ અપડેટ: AT&T યુઝર્સ માટે આગામી 14 દિવસમાં કેરીયર-સેટિંગ્સ અપડેટ આપમેળે ડાઉનલોડ થઈ જશે.
મેન્યુઅલ અપડેટની રીત: ગ્રાહકો પોતાના iPhoneના Settings > General > Aboutમાં જઈને મેન્યુઅલી આ અપડેટ ચકાસીને ઇન્સ્ટોલ કરી શકે છે.
ડિવાઇસ રિપ્લેસમેન્ટ: જો તમારો ફોન આ બગનો ભોગ બની ચૂક્યો છે અને સર્વિસ બંધ થઈ ગઈ છે, તો Apple કે AT&T સ્ટોર પર જઈને ફોન બદલીને નવો હેન્ડસેટ મેળવવો એ જ એકમાત્ર વિકલ્પ છે.
માત્ર યુએસ મોડલ્સ જ કેમ પ્રભાવિત થયા?
iPhone 18 Pro Maxના યુએસ વર્ઝનમાં ક્વાલકોમ મોડેમ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય દેશોના મોડલ્સમાં Appleનું પોતાનું ઇન-હાઉસ 'C2 મોડેમ' વપરાયું છે. AT&Tનો આ બગ માત્ર ક્વાલકોમ મોડેમ ધરાવતા યુએસ મોડેલ્સમાં જ સામે આવ્યો છે. રેડિટ પર યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી કે તેમના ફોનમાં અચાનક નેટવર્ક ગાયબ થઈને 'SOS મોડ' એક્ટિવ થઈ જાય છે.
AT&Tએ ગ્રાહકોને આપી ચેતવણી
ટેલિકોમ ઓપરેટર AT&Tએ પણ પોતાના ગ્રાહકોને તાત્કાલિક સોફ્ટવેર અપડેટ કરવાની સલાહ આપી છે. કંપનીએ જણાવ્યું કે કેટલાક ફોનમાં ઇમરજન્સી કૉલ (911) સહિત તમામ સામાન્ય કૉલ, મેસેજ અને ડેટા સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. તેથી યુઝર્સે વિલંબ કર્યા વિના Settings > General > Software Updateમાં જઈને લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરી લેવું જોઈએ.

