દારૂની તસ્કરી રોકવા ગયા પોલીસ ઇન્સ્પેક્ટર, બેફામ ટ્રક ચાલકે કચડીને લીધો જીવ; વાહન મૂકીને ફરાર

દારૂની તસ્કરી રોકવા ગયા પોલીસ ઇન્સ્પેક્ટર, બેફામ ટ્રક ચાલકે કચડીને લીધો જીવ; વાહન મૂકીને ફરાર
તસવીર: AI
આ સમાચાર સાંભળો

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની તસ્કરી રોકવા ગયેલા ખાતેગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરીનું મોત થયું છે. રવિવારે મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે ગેરકાયદે દારૂની હેરાફેરી થવાની બાતમી મળ્યા બાદ તેઓ પોતાની ટીમ સાથે ઇન્દોર-બૈતૂલ હાઇવે પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન દારૂથી ભરેલા એક ટ્રક ચાલકે ટ્રક રોકવાને બદલે સ્પીડ વધારી દીધી હતી, જેના કારણે વાહનની પાછળનું પૈડું પોલીસ અધિકારી પર ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા પોલીસ અધિકારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

ડિવાઇડર પર ટ્રક ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો

જાહેરાત

મળતી માહિતી મુજબ, ખાતેગાંવના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરીને વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની તસ્કરીની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તેઓ પોલીસ ટીમ સાથે હાઇવે પર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્રકને અટકાવી અને ડ્રાઇવરને નીચે ઊતરવા કહ્યું હતું. જોકે, ડ્રાઇવરે નીચે ઊતરવાના બદલે ટ્રકને ડિવાઇડર પર ચડાવીને આગળ વધારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન જ વાહનનું પાછળનું ટાયર દિલીપ કુમાર પૂરી પર ફરી વળતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સીપીઆર આપવા છતાં જીવ ન બચાવી શકાયો

ઘટના બનતા જ સાથે રહેલા પોલીસકર્મીઓ તેમને તાત્કાલિક ખાતેગાંવની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તબીબોએ તેમને બચાવવા માટે લાંબા સમય સુધી CPR આપ્યો હતો, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આરોપી ચાલક વાહનને સંદલપુરમાં છોડીને નાસી છૂટ્યો હતો અને પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત