‘ભવિષ્યમાં ક્યારેય કોઈ વિરોધ પ્રદર્શનમાં નહીં જાઉં’: ‘ભારત છોડો નોટિસ’ વિવાદમાં બોમ્બે હાઈકોર્ટ સમક્ષ અભિનેતા ઇમરાન ખાનની ખાતરી

ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) દ્વારા મળેલા ‘લીવ ઈન્ડિયા નોટિસ’ (ભારત છોડવાની નોટિસ) સામે બોલિવૂડ અભિનેતા ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન અભિનેતાએ અદાલત સમક્ષ બાંયધરી આપી છે કે તે ભવિષ્યમાં ક્યારેય પણ ભારતમાં કોઈ વિરોધ પ્રદર્શન કે આંદોલનમાં સામેલ થશે નહીં.
શું છે સમગ્ર વિવાદ?
અભિનેતા ઇમરાન ખાન અમેરિકન નાગરિકતા અને ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ ધરાવે છે. તાજેતરમાં મુંબઈમાં મતદાર યાદી સુધારણા (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે યોજાયેલા એક વિરોધ પ્રદર્શનમાં તેઓ કથિત રીતે સામેલ થયા હતા. આ ઘટના બાદ સરકારી એજન્સી FRRO દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ તેમને ભારત છોડવાની નોટિસ પાઠવવામાં આવી હતી. આ આદેશ સામે ઇમરાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર અદાલતે અગાઉ નોટિસની અમલવારી પર વચગાળાની રોક લગાવી હતી.
અદાલતમાં વકીલની દલીલો
સુનાવણી દરમિયાન ઇમરાન ખાન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે રજૂઆત કરી હતી કે, અભિનેતાનો વિરોધ પ્રદર્શનનું આયોજન કરનારી કોઈ પણ સંસ્થા સાથે સીધો સંબંધ નથી. વકીલે સ્પષ્ટતા કરી કે, “મારો જન્મ અમેરિકામાં થયો હોવાથી મારી પાસે યુએસ પાસપોર્ટ અને OCI કાર્ડ છે. પરંતુ મારું આખું જીવન ભારતમાં જ વીત્યું છે. હું અહીં જ મોટો થયો, લગ્ન કર્યા અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હું અદાલત સમક્ષ લેખિત બાંયધરી આપવા તૈયાર છું કે આગળથી હું ક્યારેય કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લઉં.”
કોર્ટની આકરી ટિપ્પણી: ‘વિદેશી નાગરિક તરીકે વિરોધ કરવાનો અધિકાર નથી’
મુખ્ય ન્યાયાધીશ એમ. સી. ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની ખંડપીઠે આ મામલે આકરું વલણ અપનાવતા કહ્યું હતું કે, આરોપો ગંભીર છે. કોર્ટે ટકોર કરી કે, “તમે OCI કાર્ડધારક છો અને ભારતીય નાગરિક જેવો વ્યવહાર કરી શકો નહીં. SIR મામલે બોલવાનો કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો તમને કોઈ કાનૂની અધિકાર નથી.” અદાલતે સવાલ પણ કર્યો હતો કે જો તમે બાળપણથી ભારતમાં જ રહો છો અને બોલિવૂડ સ્ટાર બની ચૂક્યા છો, તો પછી ભારતીય નાગરિકતા કેમ સ્વીકારી લેતા નથી?
અદાલતે આ મામલે ઇમરાન ખાનને OCI કાર્ડધારક તરીકે ભવિષ્યમાં કોઈ વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવા અંગે કોર્ટમાં વિધિવત લેખિત બાંયધરી (Undertaking) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.











