હવાઈ ભાડાં પરથી સરકારનો અંકુશ હટશે: એરલાઇન્સ જાતે નક્કી કરશે ટિકિટ દર

હવાઈ ભાડાં પરથી સરકારનો અંકુશ હટશે:  એરલાઇન્સ જાતે નક્કી કરશે ટિકિટ દર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

હવાઈ મુસાફરો માટે મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે હવાઈ ભાડાંને લઈને એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવા નિયમ મુજબ, આગામી 1 જાન્યુઆરી 2027થી સરકાર હવાઈ ટિકિટના દર વધારવા કે ઘટાડવા બાબતે કોઈપણ પ્રકારની દખલગીરી કરશે નહીં. આ સાથે જ એરલાઇન્સ કંપનીઓને પોતાનું સંચાલન ખર્ચ ધ્યાનમાં રાખીને મનમરજી મુજબ ભાડું નક્કી કરવાની સંપૂર્ણ છૂટ મળી જશે.

સરકારે ઈન્ડિયન એવિએશન રૂલ્સ 2026નું નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે આ નવી એરફેર પોલિસી 1 જાન્યુઆરી 2027થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ એરલાઇન્સ કંપનીઓ પર સરકાર તરફથી ભાડું વધારવા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા રહેશે નહીં. જોકે, કોઈ અસાધારણ કે વિશેષ પરિસ્થિતિ ઊભી થશે તો પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હસ્તક્ષેપ કરી શકશે.

જાહેરાત

DGCAને આપવી પડશે ભાડાંની વિગતો, વેબસાઇટ પર મૂકવો પડશે બ્રેકઅપ

નવા નિયમ હેઠળ એરલાઇન્સ કંપનીઓને ભાડું નક્કી કરવાની છૂટ મળશે, પરંતુ તેની સાથે પારદર્શિતા જાળવવાની કડક સૂચના આપવામાં આવી છે:

એરલાઇન્સે પોતાના ઓપરેશનલ ખર્ચ મુજબ ભાડું નક્કી કરવું પડશે અને તેની સંપૂર્ણ વિગતો DGCAને આપવી પડશે.
ગ્રાહકો માટે પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી કંપનીઓએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પણ ભાડાંનું માળખું અપલોડ કરવું પડશે.

કંપનીઓએ મુસાફરો સમક્ષ ટિકિટ ભાડાંનો સ્પષ્ટ બ્રેકઅપ રજૂ કરવો પડશે, જેમાં બેઝ ફેર, વિવિધ ટેક્સ, અન્ય ફી, કેન્સલેશન ચાર્જ અને રિફંડની તમામ માહિતી વિગતવાર દર્શાવવી ફરજિયાત રહેશે.
વિમાન ઇંધણ (ATF)ના ભાવમાં સતત ચોથા મહિને મોટો વધારો

એક તરફ ભાડાં નક્કી કરવાની છૂટ મળી રહી છે, તો બીજી તરફ એરલાઇન્સ કંપનીઓના સંચાલન ખર્ચમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારથી વિમાન ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં પ્રતિ લિટર ₹1.37 અને 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹10નો વધારો કર્યો છે:

આ વધારા બાદ દિલ્હીમાં એટીએફની કિંમત ₹137.12 પ્રતિ લિટરથી વધીને ₹138.50 પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે.
વિમાન ઇંધણના ભાવમાં સતત આ ચોથા મહિને વધારો ઝીંકાયો છે. આ અગાઉ 1 ઓક્ટોબરે એટીએફમાં પ્રતિ લિટર ₹16નો મોટો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં ₹6.28 અને ઓગસ્ટમાં ₹5 પ્રતિ લિટરનો વધારો થયો હતો.

મુસાફરોના ખિસ્સા પર પડશે સીધો બોજ

વિમાન ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે એરલાઇન્સ કંપનીઓના ઓપરેટિંગ ખર્ચ પર ભારે દબાણ સર્જાઈ રહ્યું છે. કોઈપણ એરલાઇનના કુલ સંચાલન ખર્ચમાં ATFનો હિસ્સો આશરે 40% જેટલો મોટો હોય છે. આવા સંજોગોમાં ઇંધણ મોંઘું થવાથી કંપનીઓનો ખર્ચ વધશે અને નવા નિયમો લાગુ થતાં કંપનીઓ આ બોજ સીધો સામાન્ય મુસાફરોના ખિસ્સા પર નાખી શકે છે, જેનાથી ભવિષ્યમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી બનવાની પૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત