અમેરિકામાં ચૂંટણીનો અજબ કિસ્સો: બે ઉમેદવારોને સરખા મત, સિક્કો ઉછાળીને કરાયો વિજેતાનો નિર્ણય

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એટલાન્ટિક બીચમાં સિટી કમિશનરની ચૂંટણી થઈ હતી. બે મહિલા ઉમેદવારોને એક સરખા મત મળતાં રાજ્યના કાયદા પ્રમાણે સિક્કો ઉછાળીને હાર-જીતનો નિર્ણય લેવાયો હતો. જે કામ મતદારો ન કરી શક્યા એ કામ સિક્કાએ કર્યું.
એટલાન્ટિક બીચ સિટીમાં કમિશનરની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. સિટીની ચાર નંબરની બેઠક પરથી બંને ઉમેદવારોને 3162 મતો મળ્યા હતા. લિઝા હેરોલ્ડ અને જેનિફર લેગનરે મહિનાઓ સુધી પ્રચાર કર્યો હતો અને એકબીજાને હરાવવા મહેનત કરી હતી. પરંતુ બંને વચ્ચે મત ગણતરીમાં ટાઈ થતાં આખરે ફ્લોરિડાના કાયદા પ્રમાણે સિક્કો ઉછાળીને પરિણામ નક્કી થયું હતું.
ચૂંટણી અધિકારીની હાજરીમાં જેનિફર અને લિઝાએ સિક્કો ઉછાળ્યો હતો. મેચમાં સિક્કો ઉછાળીને ટોસ જીત-હાર નક્કી થાય એમ આખી ચૂંટણીનો નિર્ણય જ સિક્કા પર હતો. મહિનાઓ પછી જે નિર્ણય ન લેવાયો તે 10-20 સેકન્ડમાં લેવાઈ ગયો હતો. સિક્કો ઉછળ્યો ત્યારે બંનેના ભાગ્ય પણ ઉછળ્યા હતા, પરંતુ સિક્કો નીચે આવ્યો ત્યારે જેનિફરના નસીબ તરફ ઢળ્યો હતો. એ સાથે જ જેનિફર ચાર નંબરની સિટી કમિશનરી બેઠકની વિજેતા જાહેર થઈ હતી.










