ઇરાકના બસરામાં પાવર સ્ટેશનમાં ભીષણ આગ: 4 લોકોના મોત, 30 ઘાયલ; આસપાસના મકાનો પણ આગની ઝપેટમાં

ઇરાકના બસરામાં પાવર સ્ટેશનમાં ભીષણ આગ: 4 લોકોના મોત, 30 ઘાયલ; આસપાસના મકાનો પણ આગની ઝપેટમાં
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દક્ષિણ ઇરાકના બસરા શહેરની ઉત્તરે આવેલા હાર્થા (Hartha) પાવર સ્ટેશનમાં શનિવારે (21 નવેમ્બર, 2026) ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે અને 30 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

રહેણાંક મકાનો સુધી પ્રસરી આગ, પાવર પ્લાન્ટ બંધ

જાહેરાત

ઇરાકની સરકારી સમાચાર એજન્સી (INA) ના અહેવાલ મુજબ, આગ એટલી વિકરાળ હતી કે તે પાવર સ્ટેશનની નજીક આવેલા રહેણાંક મકાનો સુધી ફેલાઈ ગઈ હતી. આગને કારણે સુરક્ષાના ભાગરૂપે હાર્થા પાવર સ્ટેશનનું સંચાલન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. 800 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતું આ મથક દુર્ઘટના પહેલા અંદાજે 400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું હતું.

સિવિલ ડિફેન્સની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આગ લાગવાનું કારણ અકબંધ

હાલમાં પાવર સ્ટેશનમાં આગ કયા કારણોસર લાગી અને તેનાથી કેટલું આર્થિક કે માળખાકીય નુકસાન થયું છે તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ઇરાકનું વીજળી માળખું લાંબા સમયથી જાળવણીના અભાવ અને ટેકનિકલ ખામીઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે અગાઉ પણ સબસ્ટેશનોમાં આગ લાગવાની અને વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ બની ચૂકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત