પન્નુ હત્યા ષડયંત્ર કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષની જેલ! જાણો બચવાના આ 4 મોટા રસ્તા!

અમેરિકાની એક સંઘીય અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રમાં સામેલ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિના (235 મહિના) ની જેલની સજા સંભળાવી છે. ફેબ્રુઆરી 2026માં ગુપ્તાએ 'મર્ડર-ફોર-હાઈર' (સોપારી આપીને હત્યા કરાવવી) અને મની લોન્ડરિંગના ષડયંત્રના આરોપો સ્વીકારી લીધા હતા. અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ વિક્ટર મારેરોએ તેમને આ સજા સંભળાવી છે અને સંકેત આપ્યો છે કે સજા પૂર્ણ થયા બાદ નિખિલ ગુપ્તાને અમેરિકાથી ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવી શકે છે. જોકે, આ આકરી સજા બાદ પણ નિખિલ ગુપ્તા પાસે હજુ ચાર એવા કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ છે, જેના દ્વારા તેઓ રાહત મેળવવાનો પ્રયાસ કરી શકે છે:
1. ડાયરેક્ટ અપીલ (Direct Appeal)
સામાન્ય રીતે જે આરોપી પોતાનો ગુનો કબૂલી લે છે, તે અપીલ કરવાના ઘણા અધિકારો ગુમાવી દે છે. તેમ છતાં, નિખિલ ગુપ્તા સજા સંભળાવ્યાના 14 દિવસની અંદર 'યુ.એસ. કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ સેકન્ડ સર્કિટ'માં અપીલ કરી શકે છે. જો તેઓ સાબિત કરે કે તેમણે પોતાની મરજીથી ગુનો કબૂલ્યો ન હતો, અથવા સજા કાયદાકીય મર્યાદાઓ કે 'પ્લી એગ્રીમેન્ટ'ની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો તેમને રાહત મળી શકે છે. (જોકે જજે તેમને સંભવિત 235 થી 293 મહિનાની સજામાંથી સૌથી ઓછી 235 મહિનાની સજા ફટકારી છે.)
2. સજા રદ કરવાની માંગ (Motion to Vacate Sentence)
નિખિલ ગુપ્તા બંધારણીય અથવા અધિકારક્ષેત્રના આધારે પોતાની સજા રદ કરવા, હટાવવા અથવા તેમાં સુધારો કરવાની અરજી કરી શકે છે. આ ઉપરાંત, જો તેમને લાગે કે તેમના વકીલ દ્વારા તેમને યોગ્ય કાયદાકીય મદદ મળી નથી, તો તે આધાર પર પણ તેઓ કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે.
3. સજા ઓછી કરાવવાની અરજી (Compassionate Release / Cooperation)
'બ્યુરો ઓફ પ્રિઝન્સ'ની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તેઓ સજા સંભળાવનાર અદાલતમાં અરજી દાખલ કરી શકે છે. આ અંતર્ગત કોઈ ગંભીર બીમારી અથવા પરિવારની અસાધારણ પરિસ્થિતિઓના આધારે સજા ઘટાડવાની માંગ થઈ શકે છે. વધુમાં, જો ગુપ્તા અન્ય કોઈ ગુનાની તપાસમાં સરકારને સહયોગ આપે, તો સરકારની ભલામણ પર તેમની સજામાં ઘટાડો થઈ શકે છે.
4. અમેરિકન રાષ્ટ્રપતિ પાસેથી માફી (Presidential Pardon)
છેલ્લા વિકલ્પ તરીકે નિખિલ ગુપ્તા અમેરિકાના રાષ્ટ્રપતિ સમક્ષ સજા ઓછી કરવા કે માફી આપવા માટે અપીલ કરી શકે છે. જોકે, વિદેશી ષડયંત્રો સાથે જોડાયેલા ગંભીર સંઘીય મામલાઓમાં રાષ્ટ્રપતિ દ્વારા માફી મળવાની શક્યતા અત્યંત નહિવત્ હોય છે.
નિખિલ ગુપ્તાના વકીલની દલીલ નિખિલ ગુપ્તાના વકીલ ઈસાબેલ કિર્શનેરે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુપ્તા આ કેસમાં મુખ્ય ષડયંત્રકારી ન હતા અને તેમને માત્ર તેમની ભૂમિકા મુજબ જ સજા મળવી જોઈએ. વકીલે જણાવ્યું હતું કે જ્યારે તેમણે કેસ સંભાળ્યો ત્યારે ગુપ્તા પોતાનો ગુનો કબૂલી ચૂક્યા હતા, તેથી કેસના તમામ દસ્તાવેજો અને પુરાવાઓની સમીક્ષા કરવા તથા મજબૂત રીતે પક્ષ રાખવા માટે તેમને વધુ સમયની જરૂર હતી.










