પન્નુની હત્યાનું કાવતરું ઘડવું પડ્યું ભારે, અમેરિકી કોર્ટે ભારતીય નાગરિકને ફટકારી 19 વર્ષની જેલ

પન્નુની હત્યાનું કાવતરું ઘડવું પડ્યું ભારે, અમેરિકી કોર્ટે ભારતીય નાગરિકને ફટકારી 19 વર્ષની જેલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાની એક અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની જેલની સજા ફટકારી છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં શુક્રવારે આશરે 80 મિનિટ સુધી ચાલેલી સુનાવણી બાદ જજ વિક્ટર મારેરોએ આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો. 55 વર્ષીય નિખિલ ગુપ્તાએ આ વર્ષની શરૂઆતમાં જ પોતાના પર લાગેલા ત્રણ ગંભીર આરોપોનો સ્વીકાર કર્યો હતો. જેમાં હત્યાની સોપારી આપવી, હત્યાનું કાવતરું રચવું અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે. આ તમામ આરોપો વર્ષ 2023માં ન્યૂયોર્કમાં પન્નુની હત્યા કરવાની યોજના સાથે જોડાયેલા હતા.

શૂટર સમજીને અમેરિકી એજન્સીના બાતમીદારનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો

જાહેરાત

અમેરિકન તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, વર્ષ 2023માં નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યાની યોજનાને અંજામ આપવા માટે કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં સહ-આરોપી વિકાસ યાદવના કહેવાથી ગુપ્તાએ શૂટરની વ્યવસ્થા કરવા માટે એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો. જોકે, જે વ્યક્તિને ગુપ્તા શૂટરની વ્યવસ્થા કરનાર ગુનેગાર સમજી રહ્યા હતા, તે હકિકતમાં અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) નો ગુપ્ત બાતમીદાર નીકળ્યો હતો. હત્યા માટે 1 લાખ ડોલર નક્કી થયા હતા અને 9 જૂન 2023ના રોજ એડવાન્સ પેટે અંડરકવર અધિકારીને 15 હજાર ડોલર રોકડા આપવામાં આવ્યા હતા. એજન્સીઓએ સમગ્ર વાતચીત અને નાણાકીય લેવડદેવડ પર નજર રાખીને ગુપ્તાની ધરપકડ કરી હતી.

નિખિલ ગુપ્તાએ કોર્ટને પત્ર લખી વસવસો વ્યક્ત કર્યો

કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવે તે પહેલાં નિખિલ ગુપ્તાએ અદાલતને એક અંગત પત્ર સોંપીને પોતાના કૃત્ય બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, "કાશ હું સમયમાં પાછળ જઈને 2023માં મારાથી થયેલી ભૂલો સુધારી શકતો." ગુપ્તાએ જણાવ્યું હતું કે, 2023ની શરૂઆતમાં તેઓ પોતાના પરિવારથી દૂર થઈ ગયા હતા અને દરરોજ રાત્રે વધુ પડતો દારૂ પીવાની લતે ચઢ્યા હતા. તેમણે પોતાના પરિવાર અને આસપાસના લોકોને પહોંચેલી પીડા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો, તેમજ આ ઘટનામાં કોઈનો જીવ ગયો નથી કે કોઈ ઘાયલ થયું નથી તે બદલ ઈશ્વરનો આભાર માન્યો હતો.

પન્નૂએ કોર્ટમાં શું કહ્યું ?

સુનાવણી દરમિયાન ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા અને ભારતમાં આતંકી જાહેર થયેલા ગુરપતવંત સિંહ પન્નુએ પણ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અમેરિકન અને કેનેડિયન નાગરિકત્વ ધરાવતા પન્નુએ દાવો કર્યો હતો કે હત્યાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ જીવના જોખમને કારણે તેઓ 1,200થી વધુ દિવસોથી પોતાની નિયમિત કાયદાકીય પ્રેક્ટિસ કરી શક્યા નથી. સુનાવણી પૂર્વે કોર્ટ પરિસરની બહાર પન્નુના કેટલાક સમર્થકોએ ગુપ્તા અને અન્ય આરોપીઓના પૂતળા સાથે પ્રદર્શન પણ કર્યું હતું. નોંધનીય છે કે, અમેરિકન ફરિયાદીઓના આરોપોને પગલે આ મામલે ભારત અને અમેરિકાના સંબંધો અંગે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત