અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોતા ભારતીયોને ઝટકો? કંપનીઓ માટે નવા નિયમોનો પ્રસ્તાવ

અમેરિકન સરકારે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (Employment-based Green Card) માટે વિદેશી કામદારોને સ્પોન્સર કરતી કંપનીઓ માટે નિયમો વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (શ્રમ વિભાગ) ના જણાવ્યા અનુસાર, આ ફેરફારોનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદેશી કર્મચારીઓની ભરતી કરતા પહેલા લાયક અમેરિકન કામદારોને ઉચ્ચ કૌશલ્ય અને ઊંચા પગારવાળી નોકરીઓ માટે અરજી કરવાની પ્રથમ તક મળે. શ્રમ સચિવ કીથ સોન્ડરલિંગે જણાવ્યું હતું કે અમેરિકન કામદારો વિશ્વમાં શ્રેષ્ઠ છે અને તેઓ શ્રેષ્ઠ નોકરીની તકો માટે પ્રથમ હકદાર છે. લગભગ 20 વર્ષમાં પ્રથમ વખત પરમનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ એટલે કે PERMમાં આટલો મોટો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે, જે ખાસ કરીને EB-2 અને EB-3 કેટેગરીના ગ્રીન કાર્ડ માટે અત્યંત મહત્ત્વનો તબક્કો છે.
નોકરીની જાહેરાતો અને ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર
પ્રસ્તાવિત નિયમો મુજબ, કંપનીઓએ નોકરીની જાહેરાતો આપવાની પદ્ધતિ બદલવી પડશે. શ્રમ વિભાગ ઈચ્છે છે કે કંપનીઓ પરંપરાગત પ્રિન્ટ જાહેરાતોને બદલે આધુનિક માધ્યમો જેવા કે પોતાની વેબસાઈટ, ઓનલાઈન જોબ પોર્ટલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જોબ ફેર અને કેમ્પસ રિક્રુટમેન્ટનો ઉપયોગ કરે. આ ઉપરાંત, કંપનીઓએ નોકરીની જાહેરાત ઓછામાં ઓછા 90 કેલેન્ડર દિવસ સુધી ખુલ્લી રાખવી પડશે, જેથી લાયક અમેરિકન ઉમેદવારોને અરજી કરવા માટે પૂરતો સમય મળી રહે. કંપનીઓએ અમેરિકન અરજદારોની ગંભીરતાપૂર્વક વિચારણા કરવી પડશે અને જો કોઈ અમેરિકન ઉમેદવારને નકારવામાં આવે, તો તેના માટે નોકરી સંબંધિત યોગ્ય કારણ આપવું ફરજિયાત રહેશે.
કર્મચારીઓની છટણી કરનાર કંપનીઓ પર પ્રતિબંધ
જે કંપનીઓ અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે છે અને સામે વિદેશી કામદારોને સ્પોન્સર કરવા માંગે છે, તેમના પર નવા નિયમો હેઠળ કડક અંકુશ આવશે. પ્રસ્તાવ અનુસાર, જો કોઈ કંપનીએ છેલ્લા બે વર્ષ દરમિયાન સંબંધિત કાર્યસ્થળે સમાન પદ પરથી અમેરિકન કામદારોની છટણી કરી હશે, તો તે PERM અરજી દાખલ કરી શકશે નહીં. જો PERM અરજી કર્યા બાદ કંપની અમેરિકન કર્મચારીઓની છટણી કરે, તો જ્યાં સુધી Form I-140 પિટિશન મંજૂર ન થાય ત્યાં સુધી તેણે છટણી કરાયેલા લાયક અમેરિકન કર્મચારીઓને આ પદ માટે પ્રાથમિકતા આપવી પડશે. કંપનીઓએ આવી છટણીની જાણ પાંચ કામકાજના દિવસોમાં શ્રમ વિભાગ અને USCISને કરવાની રહેશે.
નર્સ અને ફિઝિકલ થેરાપિસ્ટ માટે પણ બદલાશે નિયમો
શ્રમ વિભાગે 'શેડ્યૂલ A' હેઠળ મળતી વહીવટી છૂટછાટો સમાપ્ત કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં પ્રોફેશનલ નર્સ, ફિઝિકલ થેરાપિસ્ટ તેમજ વિજ્ઞાન અને કલા ક્ષેત્રે અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓને સામાન્ય લેબર માર્કેટ ટેસ્ટમાંથી મુક્તિ મળે છે. પરંતુ જો આ નવો પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે, તો આ કેટેગરીમાં વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓએ પણ પહેલા અમેરિકન લેબર માર્કેટમાં તપાસ કરવી પડશે અને લાયક અમેરિકન ઉમેદવારોને તક આપવી પડશે.
નવા નિયમો ક્યારે અમલમાં આવશે?
આ ફેરફારો હજુ અંતિમ નથી થયા. 17 નવેમ્બરના રોજ ફેડરલ રજિસ્ટરમાં આ પ્રસ્તાવ પ્રકાશિત થયા બાદ શ્રમ વિભાગે જાહેર જનતા પાસેથી સૂચનો અને ટિપ્પણીઓ મંગાવવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. અમેરિકન વહીવટીતંત્રના આ પગલાંનો હેતુ અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો છે. જો આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, તો અમેરિકામાં કાયમી વસવાટ માટે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવાની પ્રક્રિયા કંપનીઓ માટે વધુ પડકારજનક અને જટિલ બની જશે.









