મનિલામાં PM મોદી: ગુરુદ્વારામાં શીશ ઝુકાવ્યું, હવે આસિયાન-ભારત સંમેલનમાં હાજરી

ફિલિપાઈન્સના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (17 નવેમ્બર) મનિલા સ્થિત ઐતિહાસિક 'ગુરુદ્વારા ખાલસા દીવાન'ની મુલાકાત લીધી હતી. અહીં તેમણે શીશ ઝુકાવીને અરદાસમાં ભાગ લીધો હતો અને ગુરુદ્વારાના પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો, જેની તસવીરો અને અનુભવ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) દ્વારા જણાવ્યું હતું કે, "હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને મનિલાના ગુરુદ્વારા ખાલસા દીવાનમાં આવવાની તક મળી." ખાલસા દીવાન ગુરુદ્વારા ફિલિપાઈન્સનું સૌથી જૂનું ગુરુદ્વારા છે, જેની સ્થાપના 1920ના દાયકામાં થઈ હતી. તે મનિલામાં રહેતા શીખ અને પંજાબી સમુદાય માટે લાંબા સમયથી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
ગુરુદ્વારાનો વિવિધ રીતે વિકાસ કરવામાં આવશે
આઈએએનએસ (IANS) ના અહેવાલ મુજબ, આ ઐતિહાસિક ગુરુદ્વારાને એક આધુનિક અને ભવ્ય 5 માળના કોમ્પ્લેક્સ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં સમુદાય માટે પૂરતી જગ્યા અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આસિયાન-ભારત શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા પીએમ
વડાપ્રધાન આસિયાન-ભારત શિખર સંમેલનમાં સામેલ થવા માટે સોમવારે ફિલિપાઈન્સ પહોંચ્યા હતા, જ્યાં ભારતીય સમુદાયે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. પીએમ મંગળવારે 23મા આસિયાન-ભારત શિખર સંમેલન અને 21મા પૂર્વ એશિયા શિખર સંમેલન (EAS) માં ભાગ લેશે. આ દરમિયાન સમગ્ર વિશ્વની નજર ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ પર ટકેલી રહેશે.
અહીં ક્વાડ દેશોના નેતાઓની પ્રસ્તાવિત બેઠક લગભગ બે વર્ષ બાદ આ જૂથને ફરીથી ટોચના સ્તરે એકસાથે લાવવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સંભવિત મુલાકાત પણ આ બેઠકનું એક મહત્વપૂર્ણ પાસું બની રહેશે.












