ભારતીય સીમામાં ચીની વાયુસેનાની ઘૂસણખોરી: સિક્કિમ સેક્ટરમાં 20 મિનિટ સુધી આંટાફેરા કરતું રહ્યું ફાઇટર જેટ

તાજેતરમાં જ ચીન સરહદે તૈનાત સૈન્ય આઇટીબીપીના વડાએ ચીનની ઘુસણખોરી મુદ્દે ચેતવણી આપી હતી, એવામાં હવે ચીન ભારતના વિસ્તારોમાં યુદ્ધ વિમાન ઘૂસાડી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ ચીનના સૈન્યનું એક એરક્રાફ્ટ કથીત રીતે સિક્કિમમાં ભારતીય એરસ્પેસમાં ઘૂસી આવ્યું હતું, એટલુ જ નહીં ૨૦થી ૨૫ મિનિટ સુધી આ એરક્રાફ્ટ ભારતીય એરસ્પેસમાં સિક્કિમ પર જ ફરતંુ રહ્યું હતું. આ વિસ્તારમાં ચિકન નેક આવેલ છે જે અત્યંત સંવેદનશિલ વિસ્તાર જાહેર કરાયેલ છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનનું વિમાન ભારતીય સરહદમાં ઘુસવાની આ ઘટના ૧૨મી તારીખની એટલે કે ગત સપ્તાહની છે. જે વિસ્તારમાં આ ચીનનું એરક્રાફ્ટ ઘૂસ્યું હતું તેને અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, સિલિગુડી કોરિડોર એટલે કે ચિકન નેક તરીકે ઓળખાતા આ વિસ્તાર નજીક જ ચીનનું આ એરક્રાફ્ટ જોવા મળ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારે આઠ વાગ્યા આસપાસ ઇન્ડિયન એરફોર્સે ચીનના આ વિમાનની ઘૂસણખોરીની નોંધ લીધી હતી. બાદમાં અનેક ચેતવણીઓ પણ જારી કરવામાં આવી હતી તેમ છતા યુદ્ધ વિમાન પરત નહોતું જઇ રહ્યું. આશરે ૨૫,૦૦૦ ફૂટની ઉંચાઇ પર આ ચીની વિમાન ડિટેક્ટ થયું હતું.
જે વિસ્તારમાં આ ચીનનું વિમાન જોવા મળ્યું ત્યાં ચિકન નેક તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ નજીક આવેલો છે અને માત્ર ૨૦થી ૨૨ કિમી સુધીનો જ છે. સુરક્ષાને લઇને આ વિસ્તાર અત્યંત સંવેદનશિલ માનવામાં આવે છે કેમ કે આ વિસ્તાર જ ભારતને પૂર્વોત્તર બાજુના કેટલાક રાજ્યો સાથે જોડે છે. જે સિક્કિમમાં ચીનનું આ યુદ્ધ વિમાન જોવા મળ્યું તે દોકલામ નજીક આવેલ છે. ૨૦૧૭માં ચીન અને ભારતીય સૈન્ય બન્ને આ વિસ્તારમાં સામસામે આવી ગયા હતા. જોકે ચીનના યુદ્ધ વિમાનો ભારતની સરહદમાં ઘૂસવાની આ કોઇ પ્રથમ ઘટના નથી, જૂન ૨૦૨૨માં લદ્દાખમાં પણ ચીનનું એક યુદ્ધ વિમાન જોવા મળ્યું હતું. લદ્દાખ સરહદે જ્યારે બન્ને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા ત્યારે પણ ચીનના સૈન્ય હેલિકોપ્ટર જોવા મળ્યા હતા. ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં ૨૦૧૭માં ચીનના બે ચોપર પ્રવેશ્યા હતા.









