નાસાના 'વોયેજર-1'ની અવિશ્વસનીય સફર: પૃથ્વીથી 25.9 અબજ કિ.મી.ના અંતરે પહોંચી રચશે નવો ઈતિહાસ

અંતરિક્ષ સંશોધનના ક્ષેત્રે પહેલી જ વખત ઉજળો ઇતિહાસ રચાઇ રહ્યો છે. આ ઝળહળતો ઇતિહાસ એ છે કે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન( નાસા)નું વોયેજર : ૧ અવકાશયાન ૨૦૨૬ની ૧૮, નવેમ્બરે ,બુધવારે, સાંજે : ૫ : ૧૬ : ૦૭ વાગે (ભારતીય સમય) પૃથ્વીથી : વન લાઇટ ડે : ના અતિ અતિ દૂરના અંતરે પહોંચી જશે.
વન લાઇટ ડે એટલે પ્રકાશનું કિરણ ૨૪ કલાકમાં ૨૫.૯ અબજનું કલ્પનાતીત કહી શકાય તેટલું અંતર કાપે છે તેટલું અંતર. માનવી દ્વારા બનાવવામાં આવેલું કોઇ યંત્ર કે સાધન અફાટ, અનંત અંતરિક્ષમાં હજી સુધી ૨૫.૯ અબજના અંતરે પહોંચ્યું નથી. આ ઉજળી, ઐતિહાસિક સફળતાની ઉજવણી કરવા માટે નાસાએ ૧૭, નવેમ્બરે આખા અમેરિકાની જનતાને હાર્દિક આમંત્રણ આપ્યું છે. નાસાએ અ ઉજવણીનું નામ: શાઇન બ્રાઇટ ફોર વોયેજર્સ લાઇટ ડે : આપ્યું છે. નાસાના વિજ્ઞાનીઓ ૧૭, નવેમ્બરે સૂર્યાસ્તબાદ નાસાની વેબ સાઇટ દ્વારા : મોર્સ કોડ દ્વારા વીજીઆર : વેવ ઓફ ગોલ્ડન લાઇટ મોકલશે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમે અમારા વાયેજર -૧ અવકાશયાનને ૧૯૭૭ની ૫, સપ્ટેમ્બરે સૂર્ય મંડળના સૌથી મોટા-મહાકાય ગુરુ અને પાઘડીધારી શનિ ગ્રહોનો સંશોધનાત્મક અભ્યાસ કરવા તરતું મૂક્યું છે. હાલ અમારું વોયેજર -૧ અવકાશયાન છેલ્લાં ૪૯ વર્ષથી અફાટ,અનંત અંતરિક્ષમાં સતત પ્રવાસ કરીને આપણા સૂર્યમંડળની સરહદ બહાર( સૂર્યમંડળની સરહદ બહારના અંતરિક્ષને ખગોળશાસ્ત્રની ભાષામા ં ઇન્ટરસ્ટેલર સ્પેસ કહેવાય છે) નીકળી ગયું છે. ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પહોંચનારું વોયેજર -૧ અવકાશયાન પહેલું છે. ખાસ કરીને માનવી દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ યંત્ર છે.
ઇન્ટરસ્ટેલર સ્પેસ એટલે આપણા સૂર્ય મંડળની સરહદ બહારનો વિસ્તાર. આ વિસ્તારમાં સૂર્યનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર(મેગ્નેટિક ફિલ્ડ) અને સોલાર વિન્ડ્ઝ(સૌર પવનો) ની અસર અફાટ, અનંત અંતરિક્ષમાંની ગેલેક્સીઝ (આકાશ ગંગા) પર નથી થતી.ઉપરાંત, વોયેજર -૧ અવકાશયાન હેલિયોપોઝ વિસ્તારમાં પણ પહોંચી ગયું છે, જે પૃથ્વીથી લગભગ૧૧ થી ૧૮ અબજ માઇલ્સ( ૧૨૦ એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ) ના અતિ અતિ દૂરના અંતરે છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે વોયેજર -૧ અવકાશયાન ૨૦૨૬ની ૧૮, નવેમ્બરે ,બુધવારે, સાંજે ૫ :૧૬ : ૦૭ વાગે(ભારતીય સમય) વન લાઇટ ડે ના અંતરે પહોંચી જશે. સરળ રીતે સમજીએ તો પૃથ્વીથી ૨૫.૯ અબજ કિલોમીટરના અફાટ અંતરે પહોંચી જશે.
હાલ પૃથ્વી પરથી મોકલવામાં આવતો સંદેશો વોયેજર -૧ અવકાશયાન સુધી પહોંચતાં બરાબર ૨૪ કલાક થાય છે. બીજીબાજુ વોયેજર -૧ અવકાશયાન દ્વારા મોકલવામાં આવતી માહિતી પણ પૃથ્વી પર પહાાંચતાં ૨૪ કલાક થાય છે.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ.આર.- મુંબઇ) ના સિનિયર ખગોળશાસ્ત્રી અને હાલ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ(મોહાલી) ના સિનિયર વિજ્ઞાની ડો. કે.પી. સિંહે તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે નાસાના વોયેજર -૧ અવકાશયાને ખરેખર અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં અદભુત અને યાદગાર કામગીરી કરી છે. આશ્ચર્યની બાબત તો એ છે કે નાસાએ આજથી ૪૯ વર્ષ પહેલાં વોયેજર -૧ અવકાશયાનમાં ગોઠવેલાં વૈજ્ઞાનિક ઉપકરણો હજી સુધી કાર્યરત છે. આટલી જૂની ટેકનોલોજી ૪૯ વર્ષ સુધી ટકી રહે એ જ સૌથી મોટું આશ્ચર્ય અને ગૌરવ છે. માઇલ સ્ટોન છે. આજે લગભગ પાંચ દાયકાના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટર, ચીપ્સ, સંદેશા વ્યવહારના ટેકનોલોજી વગેરે બધું આધુનિક થઇ ગયું છે.
બીજું, હાલ વોયેજર -૧ અવકાશયાન આપણા સૂર્ય મંડળની સરહદ બહાર નીકળી ગયું હોવાથી પૃથ્વી પરથી સંદેશો રેડિયો વેવ્ઝ દ્વારા મોકલવો પડે. સરળ રીતે સમજીએ તો પૃથ્વીથી ૧૫ કરોડ કિલોમીટરના અગાધ અંતરે ઝળહળતા સૂર્યમાંથી બહાર ફેંકાતાપ્રકાશના કિરણને પૃથ્વી સુધી પહોંચતાં ૮ મિનિટ ૨૦ સેકન્ડ્ઝ(૫૦૦ સેકન્ડ્ઝ) નો સમય થાય છે. હવે આ જ ગણિત મુજબ પૃથ્વી પરથી વોયેજર -૧ અવકાશયાન સુધી સંદેશો મોકલવામાં ૨૪ કલાક થાય છે. તો વોયેજર -૧ અવકાશયાન પૃથ્વીથી ચોક્કસ કેટલા અંતરે હશે તેની સચોટમાહિતી મળે.
ઇસરોના ચંદ્રયાન-૧ -૨ પ્રોજેક્ટ્સમાં પાયારૂપ યોગદાન આપનારા અને નાસાના એપોલો -૧૧ અવકાશયાનના અવકાશયાત્રીઓ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવેલા ચંદ્રના ખડકોનો અભ્યાસ કરનારી આંતરરાષ્ટ્રીય ટીમના વિજ્ઞાની ડો. નરેન્દ્ર ભંડારીએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે નાસાનું વોયેજર -૧ અવકાશયાન સતત ૪૯ વર્ષથી તેની મૂળ યોજના અને દિશા ભણી સફળતાથી અંતરિક્ષમાં પ્રવાસ કરી રહ્યું છે એ જ બાબત અદભુત છે. વળી, ઇન્ટરસ્ટેલર વિસ્તારમાં ખરેખર શું શું થઇ રહ્યું છે તેની સંશોધનાત્મક માહિતી આપણને પહેલી જ વખત મળી રહી છે.
મહત્વનું પાસું તો એ છે કે વોયેજર -૧ અવકાશયાન જે ઇન્ટરસ્ટેલરમાં છે તે ખરેખર તો લોકલ ઇન્ટરસ્ટેલર ( આપણા સૌર મંડળ નજીકનું) છે. વળી, સૌર મંડળની આ સરહદ પણ સ્થિર નથી.તે સતત હાલકડોલક થાય છે. આ બધું સંશોધન પહેલી જ વખત વોયેજર -૧ દ્વારા થઇ રહ્યું છે.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના સિનિયર ખગોળશાસ્ત્રી અને નાસા - ઇસરોના સહિયારા અનુરાધા પ્રોજેક્ટના વિજ્ઞાની ડો.મયંક વાહિયાએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે વોયેજર -૧ અવકાશયાનની આ સિદ્ધિ અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે લેન્ડમાર્ક છે.વોયેજર -૧ અવકાશયાન સતત ૪૯ વર્ષથી અંતરિક્ષમાં પ્રવાસ કરી રહ્યું છે એ જ તેની ટેકનિકલ સિદ્ધિ છે. વોયેજર -૧ માં ઇમેજિંગ સાયન્સ સિસ્ટમ, બે ટેલિવિઝન ટાઇપ કેમેરા, ઇન્ફ્રોરેડ ઇન્ટરોફેરોમીટર, રેડિયો મીટર એમ કુલ ૧૧ વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવવામાં આવ્યાં છે. જોકે હાલ તેમાં ટ્રાઇયાક્સિયલ ફ્લક્સગેઇટ અને પ્લાઝ્મા વેવ સબ સિસ્ટમ એમ બે જ વૈજ્ઞાનિક ઉપકરણો કાર્યરત છે.






